ઇમ્પેકટ કાયદા હેઠળ નામંજૂર બાંધકામો પર તૂટી પડવા અમદાવાદ કોર્પોરેશન નો નિર્ણય-રાજકોટમાં શું થશે?

Gujarat | Rajkot | 23 May, 2024 | 05:39 PM
ત્રીજી વખત આવેલી યોજનામાં 9370 અરજીમાંથી 3380 મંજૂર : 666પની ચકાસણી ચાલુ : કયારેય માન્ય ન થઇ શકે તેવા એક હજારથી વધુ બાંધકામો હજુ અડીખમ: કોમર્શિયલ બાંધકામોનું લીસ્ટ બનશે!
સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
રાજય સરકારે ત્રીજી વખત જાહેર કરેલી અને હાલ અમલમાં રહેલી અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરતી ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત 15 જુનના રોજ પૂરી થવાની છે ત્યારે આ વર્ષે પણ અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ આવેલ અરજીમાંથી ત્રીજા ભાગની અરજી માન્ય રહી છે.

તો સાડા છ હજારથી વધુ અરજી ચકાસણીમાં છે. આ સંજોગોમાં અમાન્ય ઠરેલી અરજી નિયમ હેઠળ સંપૂર્ણ ગેરકાયદે બાંધકામ સમાન હોય, તેની સામે શું કાર્યવાહી થશે તે સવાલ યથાવત રહ્યો છે. આ સંજોગોમાં અમદાવાદ મહાપાલિકાએ નામંજૂર અરજીવાળા બાંધકામને સંપૂર્ણપણે તોડવા લાયક ગણીને તુરંત કાર્યવાહી કરવા આદેશ છોડયો છે. 

અમદાવાદ મ્યુનિ. કમિશ્નર એસ.થેન્નારસને આ કામગીરીની સમીક્ષા કરી હતી. ગત તા. 1-10-22થી ઇમ્પેકટ ફી યોજના ત્રીજી વખત રાજય સરકારે અમલમાં મુકી હતી. સૌપ્રથમ વખત આ સ્કીમ સૂચિત જેવા રહેણાંક બાંધકામો અને સોસાયટીને લાભ આપવાના હેતુથી 2011માં જાહેર કરવામાં આવી હતી.

પરંતુ સ્કીમ સફળ થઇ ન હતી. છેલ્લે જાહેર થયેલી સ્કીમમાં પાર્કિંગ સહિતના આકરા નિયમો આવતા આ યોજનાની સફળતા સામે સવાલો થયા હતા અને  સરકારમાં રજુઆતો થઇ હતી. પરંતુ આવા કેસ, સરકારી જમીનમાં દબાણ સહિતની બાબતમાં કોઇ છુટછાટ ન આપવા મન મકકમ રાખવામાં આવ્યું છે. 

દરમ્યાન અમદાવાદ કમિશ્નરે એવી સૂચના આપી છે કે જે અરજીઓ માન્ય રાખવામાં આવી છે તેનો ઝડપથી નિકાલ કરવો જોઇએ. જે અરજી નામંજૂર થઇ છે તેવા બાંધકામને નોટીસ આપી આગળની કડક કાર્યવાહી કરવામાં આવે. તેમાં પણ કોમર્શિયલ પ્રકારના બાંધકામોનું લીસ્ટ બનાવવા તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરની વાત કરીએ તો ત્રણે ઝોનમાં ઓનલાઇન સ્ટેટસની વાત કરીએ તો સેન્ટ્રલમાં 1302, વેસ્ટમાં 1925 અને ઇસ્ટમાં આવેલી 586 અરજી પૈકી અનુક્રમે 589, 756 અને 211 મળી 1556 અરજી માન્ય કરવામાં આવી છે. 63 અરજી નામંજુર કરવામાં આવી છે.

ઓફલાઇન કાર્યવાહી પર નજર કરીએ તો સેન્ટ્રલમાં 1591, વેસ્ટમાં 2686, ઇસ્ટમાં 1280 મળી પપપ7 અરજી આવતા અનુક્રમે 588, 871, 365 મળી 1824 અરજી મંજુર થઇ છે. ઓનલાઇનમાં 3048 અને ઓફલાઇનમાં 3617 મળી 6656 અરજી ચકાસણીની કક્ષાએ છે. 

આમ એકંદરે જોઇએ તો કુલ 9370 અરજીમાંથી 3380 અરજી મંજૂર થઇ છે. ઓફલાઇનમાં 97ર અને ઓનલાઇનમાં 63 મળી 1035 અરજી નામંજૂર કરવામાં આવી છે. એટલે કે આ બાંધકામ કોઇ પણ સંજોગોમાં કાયદેસર થઇ શકે તેવા નથી. નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું નથી. ભવિષ્યમાં આ સ્ટેટસમાં તો બાંધકામ મંજૂર થઇ શકે તેમ નથી. 

હવે અમદાવાદમાં આવા અમાન્ય અને નામંજૂર થયેલા બાંધકામ સામે કાર્યવાહી કરવા કમિશ્નરે હુકમ કરી દીધો છે તો બીજી તરફ રાજકોટ મહાનગરમાં આવા બાંધકામ સામે કયારે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે મોટો પ્રશ્ન છે.  આ સ્કીમ સમયાંતરે આવતી રહી છે ત્યારે આવા બાંધકામો ફરી અરજીના સ્વરૂપમાં મુકવામાં આવે છે.

આથી આવા  બાંધકામો સામે રાજકોટમાં કઇ રીતે પગલા લેવામાં આવશે તે સમય કહેશે. જોકે અમદાવાદ હોય કે રાજકોટ, નિયમ મુજબ કાર્યવાહી સરકારના માર્ગદર્શનમાં કરવાની હોય, રાજકોટમાં પણ આવા બાંધકામો સામે પગલા લેવામાં આવશે તેમ માનવામાં આવે છે.

► કોર્પો.એ અરજી મંજૂર કરી-કોર્ટે રદ્દ કરી : લપડાકનો સૌથી મોટો કેસ
પટેલ વાડીના કિસ્સામાં જગ્યા ખાલી કરાવવા માર્ગદર્શન છતાં વિલંબ : હાઇકોર્ટનો ચૂકાદો વારસદાર તરફે : ઇમ્પેકટ  ફી લઇને તંત્ર ફસાઇ ગયું

ઇમ્પેકટ ફી યોજના હેઠળ મહાપાલિકાએ બાંધકામ માન્ય કરીને ફી સ્વીકારી લીધી હોય અને હાઇકોર્ટ અને રાજય સરકારમાંથી આ કેસ રદ્દ કરવાનો હુકમ આવ્યો હોય, તેવો ગુજરાતનો પહેલો કિસ્સો રાજકોટમાં બન્યો હતો તે ઉલ્લેખનીય છે. આ કેસ કલીયર કરવા સરકારની સૂચના છતાં હજુ તેમાં કોઇ ફેરફાર થતો ન હોય, અરજદાર સતત ટીપી શાખામાં અરજી કર્યે રાખે છે. 

વાત વોર્ડ નં.14ની છે. ભકિતનગર સર્કલથી આગળ પટેલવાડી આવેલી છે. આ પટેલવાડી 350-350 વારના બે પ્લોટમાં છે. એક પ્લોટ દાનમાં મળ્યો તેનો દસ્તાવેજ સમાજના નામે કરી દેવામાં આવ્યો છે. બીજા 350 વારના પ્લોટના દાતા દસ્તાવેજ કરી આપે તે પૂર્વે તેઓનું અવસાન થયું હતું. જોકે વાડીનું બાંધકામ થઇ ગયું હતું. આ વાડીનો ઉપયોગ પણ ખુબ સારો છે. પરંતુ હવે જે દસ્તાવેજ થઇ શકયો નથી તેમના વારસદાર પરેશભાઇ અને પંકજભાઇ ખુંટ  દ્વારા ર011માં મંજૂર કરાયેલી ઇમ્પેકટની અરજીને પડકારવામાં આવી છે. 

મનપાએ આ બાંધકામ રેગ્યુલર કરી દીધુ હતું. પરંતુ માલિકીનો આધાર અરજદાર પાસે હોય તેઓ હાઇકોર્ટ સુધી લડયા હતા. સરકારે પણ આ જગ્યા ખાલી કરાવીને પાર્ટીને સોંપવા અભિપ્રાય આપ્યો છે. આવા પહેલા કેસથી મનપા  કફોડી હાલતમાં મુકાયેલી છે. ચુકાદાના આધારે પાર્ટી સતત જગ્યા ખાલી કરી આપવા રજુઆતો કરે છે. પરંતુ આ કેસનો નિવેડો આવતો ન હોય, સરકાર કક્ષાએ પણ આ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો અને હજુ મનપાની ટીપી શાખામાં ગાજે છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj