બ્રિજટાઉન (બાર્બાડોઝ),તા.3
નવેમ્બર 2023માં ભારતમાં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ફાઈનલ પરાજય બાદ ટીમના સુકાની રોહિત શર્માનો ફોન આવ્યો ન હોત અથવા તો તે ફોન ઉપડયો ન હોત તો રાહુલ દ્રવિડ અત્યારે ઈતિહાસ રચનારી ટી20 વર્લ્ડ ચેમ્પીયન ભારતીય ટીમનો હિસ્સો ન હોત.
ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાની હેઠળ શનિવારે સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડકપ જીત્યો ત્યારબાદ પોતાના વિદાયના પ્રવચન દરમિયાન કોચ રાહુલ દ્રવિડે આ રહસ્યસ્ફોટ કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રલિયા સામેના પરાજય બાદ તે હોદો છોડી દેવાનો હતો ત્યાં જ રોહિત શર્માએ આમ નહીં કરવાની વિનંતી કરતો ફોન કર્યો હતો અને તેણે પોતાનો નિર્ણય બદલ્યો હતો.
રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમાયેલી ફાઈનલ બાદ પૂર્ણ થતો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એ પરાજય બાદ પણ બીસીસીઆઈએ દ્રવિડ સહિત તમામ કોચીંગ સ્ટાફનો કાર્યકાળ ટી20 વર્લ્ડકપના અંત સુધી લંબાવ્યો હતો. આમ આ કરાર શનિવારની ફાઈનલ બાદ પુરો થતો હતો.
રાહુલ દ્રવિડે આ હોદ્દા માટે ફરીથી અરજી કરી નથી. આમ તેનો કાર્યકાળ હવે સતાવાર રીતે પુર્ણ થઈ ગયો છે. શનિવારે રમાયેલી ફાઈનલમાં ભારત જીત્યું ત્યારબાદ રાહુલ દ્રવિડે બ્રિજટાઉનના કેનસિંગ્ટન ઓવલ ખાતેના ડ્રેસીંગ રૂમમાં ટીમને આખરી પ્રવચન આપ્યુ હતું. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે નવેમ્બરમાં રોહિત શર્માએ તેને ફોન કરીને કોચ તરીકે ટકી રહેવા માટેની અરજ કરી હતી.
બીસીસીઆઈએ મંગળવારે જારી કરેલા વિડીયોમાં દ્રવિડે જણાવ્યું હતું કે આભાર રોહિત, મને નવેમ્બરમાં કોલ કરીને કોચ તરીકે જારી રહેવાની વિનંતી કરવા બદલ આભાર. મને લાગે છે કે, તમારા તમામ સાથે કાર્ય કરવું તે મારા માટે વિશેષાધિકાર અને રાહતની લાગણી છે પણ, રોહિતનો ખાસ આભાર.
એવા ઘણા તબકકા આવ્યા છે જયારે અમારે ચર્ચા કરવી પડી છે. અમારે મંત્રણા કરવી પડી છે. અમારે સહમત થવું પડયું છે, અમે ઘણી વાર સહમત થયા પણ નથી. પણ આ તમામ માટે રોહિતનો ખાસ આભાર. તેમ રાહુલ દ્રવિડે કહ્યું ત્યારે રોહિતના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.
આ વખતના ટી20 વર્લ્ડકપમાં ટીમના સહિયારા પ્રયાસ અને શાનદાર પ્રદર્શનને પણ રાહુલ દ્રવિડે બિરદાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે તમામ આ ક્ષણને યાદ રાખશો. આપણે હંમેશા કહીએ છીએ કે રન કરવા કે વિકેટ લેવી કે કારકિર્દી આગળ ધપાવવી તે મહત્વનું નથી પરંતુ આ પ્રકારની ક્ષણો હંમેશા યાદ રહી જતી હોય છે. આ એક સિદ્ધિ છે જે યાદ રહી જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy