ઉત્તર ગુજરાતમાં સાંબેલાધારે: લાખાણીમાં 11, મહેસાણા-બેચરાજીમાં 4 ઈંચ

Gujarat, Saurashtra | Rajkot | 03 July, 2024 | 11:43 AM
ચિખલી-દાંતીવાડામાં પણ 4, વાવ તથા સુઈમાં 3 ઈંચ: વિજળી પડતા અને વિજકરંટ સહિતનાં કારણોસર રાજયમાં છ વ્યક્તિનાં મોત: સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં સ્થળોએ બ્રેક લેતા મેઘરાજા
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા પછી મેઘરાજાએ સુકાન બદલ્યું હોય એમ મંગળવારે ઉતર ગુજરાત પર સાંબેલાધારે વરસીને સુકા પ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટયું હોય એમ 11 ઈંચ વરસાદ થતાં જનજીવન પર ભારે અસર પડી છે. મહેસાણા અને બેચરાજીમાં 4-4 ઈંચ વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં વરસાદી કારણોસર છ વ્યક્તિઓનાં મોત થયાં છે. પાટણના હારિજ પાસેના નાણા ગામે વીજ કરંટ લાગતાં સાસુ-વહુનાં મોત થયાં હતાં. જયારે કચ્છના મીઠીરોહરમા કરંટ લાગતાં બે યુવાનોનાં મોત થયાં છે. અંજારના તળાવમાંથી યુવાનની લાશ મળી છે. અંતરજાળમાં વિજળી પડતાં યુવાનનું મોત થયું છે.
નવસારી શહેર ઉપરાંત ચિખલીમાં 94 મીમી, બનાસકાંઠાના દાંતીવાડામાં 92, સરહદી વાવમાં 79 અને સુઈગામમાં 77 મીમી વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં છે.

તેની નજીકના નડા બેટમાં પાણીનો જબ્બર ભરાવો થતાં રણ જાણે દરિયો બન્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મંગળવારે દિવસ દરમ્યાન વરાપ નીકળ્યો હતો. જો કે જુનાગઢ જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં મધરાતે અડધાથી બે ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલો મળ્યા છે.

ડાંગના વધઈમાં 65, નવસારીના વાંસદામાં 62, પાટણના સિદ્ધપુરમાં 61, બનાસકાંઠાના થરાદમાં 60, તાપીના ડોલવણમાં 56, ઉંઝામાં 49, ચાણસ્મા અને સુરતના ઓલપાડમાં 47, નવસારીમાં 46, આહવા-જલાલપોર-ખેરગામમાં 45 મીમી, પાટણના સરસ્વતીમાં 44, પાટણ શહેરમાં 43 મીમી વરસાદ થયો હતો. જયારે મહેસાણાના જોટાણામાં પોણા બે ઈંચ, હિંમતનગરમાં પોણા બે ઈંચ, જયારે તલોદ અને પ્રાંતિજ પંથકમાં દોઢ ઈંચ, શંખેશ્ર્વરમાં પોણો ઈંચ વરસાદ હતો.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા ભંકોડામાં 40 મીમી, સાબરકાંઠાના તલોદમાં 39, પ્રાંતિજમાં 35, વડનગર, પાલનપુર, પલસાણા અને સમીમાં 32, ડીસામાં 30, નડિયાદમાં 29, બાવળામાં 22, શંખેશ્વર-કડીમાં 26, દસ્ક્રોઈમાં 24, સાણંદ અને દસાડામાં 23, કાંકરેજ-વિસનગર-ખેડબ્રહ્મામાં 22 વરસાદ નોંધાયો હતો.

સુઈગામ-નડાબેટનું રણ દરિયો બન્યું
બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ સુઈગામ તાલુકાનાં નડાબેટનાં રણમાં વરસાદી પાણીથી રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુઈગામ પંથકમાં સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યા હતા. જયારે પર્યટન સ્થળ તરીકે જાણીતા નડાબેટ બોર્ડર પર વરસાદી માહોલને પગલે દરિયા જેવો માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં રાત્રે ભારે વરસાદ
સોમવારે મોડી સાંજથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં જુનાગઢ રૂરલમાં 7 ઈંચ, વિસાવદર 9 ઈંચ, વંથલીમાં 8 ઈંચ, મેંદરડામાં 2 ઈંચ, જુનાગઢ શહેરમાં 6 ઈંચ તથા માણાવદર 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાયો છે. જૂનાગઢ શહેરની વચ્ચેથી નીકળતી કાળવા નદી ભયાનક સ્વરૂપમાં વહેતી થઈ છે. મોડીરાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જો કે દિવસે વરસાદ બંધ રહ્યો હતો.

નવસારી, જલાલપોરમાં શાળા-કોલેજો બંધ
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર દ્વારા નવસારી અને જલાલપોર તાલુકામાં આવેલી આંગણવાડી, શાળાઓ, કોલેજો, આઈટીઆઈ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અન્ય તાલુકાઓમાં પરીસ્થિતિ જોઈ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj