સીપી, એડી.સીપી સહિતના અધિકારીઓની જાહેર અપીલ

વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ કોઈ અઘટિત પગલું ભરતા પહેલા એકવાર પોલીસને તક આપે

Saurashtra | Rajkot | 29 June, 2024 | 03:42 PM
♦પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જાહેરમાં જ પીડિતોના પ્રશ્નોને સાંભળી કાનૂની માર્ગદર્શન આપ્યું, અમુક કેસમાં સ્થળ પર જે-તે પોલીસ મથકના પીઆઈને સૂચના કરી
સાંજ સમાચાર

♦રાષ્ટ્રકૃત બેંક, સહકારી બેંકના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગના અધિકારી, જિલ્લા રજીસ્ટાર વગેરેએ હાજર રહી લોન લેવા અને સરકારી યોજના અંગે માહિતી આપી

♦હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે જનસંપર્ક સભા યોજાઈ : 26 અરજીઓ મળી

રાજકોટ, તા.29
ગઈકાલે સનને શહેરના હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે જનસંપર્ક સભા યોજાઈ હતી. જેમાં 26 અરજીઓ મળી હતી. સીપી, એડી.સીપી સહિતના અધિકારીઓએ જાહેર અપીલ કરી હતી કે, વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ કોઈ અઘટિત પગલું ભરતા પહેલા એકવાર પોલીસને તક આપે. પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જાહેરમાં જ પીડિતોના પ્રશ્નોનો સાંભળી કાનૂની માર્ગદર્શન આપ્યું હતું. અમુક કેસમાં સ્થળ પર જે-તે પોલીસ મથકના પીઆઈને સૂચના કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રકૃત બેંક, સહકારી બેંકના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગના અધિકારી, જિલ્લા રજીસ્ટાર વગેરેએ હાજર રહી લોન લેવા અને સરકારી યોજના અંગે માહિતી આપી હતી.

રાજકોટ શહેર પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી તા.21/6/2024 થી તા.31/7/2024 સુધી ગેરકાયદે મની લેન્ડિંગ એક્ટીવી વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ સ્થાને વ્યાજંકવાદની બદી નાબુદ કરવા અંગે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન - 2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ, તમામ મદદનીશ પોલીસ કમિશ્નરો, તમામ પોલીસ સ્ટેશનના તમામ પીઆઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટના જોઇન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર કે.વી. મોરી, જિલ્લા રજીસ્ટ્રાર વિશાલ કપુરીયા, રાજકોટ નાગરિક સહકારી બેંકના ડીરેકટર હંસરાજભાઈ ગજેરા, રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકના સી.ઈ.ઓ. વી.એમ.સખીયા, રાજ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર સંજીવ વીરપરીયા હાજર રહેલ હતા. આ જનસંપર્ક સભાનું વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ જનસંપર્ક સભામાં નિર્ભયપણે ભાગ લેવા જાહેર જનતાને આહવાન કરવામાં આવેલ હતુ. જેના પરિણામે ભોગ બનેલ વ્યકિતઓએ ભાગ લીધેલ હતો. 

અરજદારોને પ્રથમ ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનિયમ 2011 બાબતે માહિતગાર કરવામાં આવેલ હતા જેમાં ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબતે અધિનિયમ અમલમાં છે જે કાયદા હેઠળ ગેરકાયદેસર ધીરધારનો વ્યવસાય કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.

તેમજ ધીરધારનુ લાયસન્સ મેળવેલ હોય પરંતુ સરકારના નિયમ વિરૂધ્ધ ઉંચુ વ્યાજ વસુલવામાં આવતુ હોય તેઓ વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે જે કાયદાથી સંપુર્ણ વાકેફ કરવામાં આવેલ હતા. કાયદામાં કોણ ફરીયાદ કરી શકે જે બાબતે કોઇ વ્યકિત દ્વારા પોતે ધીરધારનુ લાયસન્સ ધરાવતા ન હોવા છતા વ્યાજે રૂપિયા ધીરાણ કરતા હોય તેના વિરૂધ્ધ, કોઇ વ્યકિત દ્વારા રીઝર્વ બેંક ગાઇડલાઇનના નિયમ વિરૂધ્ધ ઉંચા વ્યાજે ધીરાણ કરવામાં આવતુ હોય તેવા ઇસમો વિરૂધ્ધ, કોઇ વ્યકિત દ્વારા વ્યાજે રૂપિયા આપી બાદ તેની બળજબરી પુર્વક ઉઘરાણી કરી પજવણી કરવામાં આવતી હોય તેવા ઇસમો વિરૂધ્ધ તેમજ ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપતા સમયે પ્રોમીસરી નોટ, દસ્તાવેજ, વાહનો લેવામાં આવતા હોય તેવા શખ્સો વિરૂધ્ધ આ કાયદા હેઠળ ફરીયાદ થઇ શકે છે તે બાબતે વાકેફ કરવામાં આવેલ હતા.

પોલોસ કમિશનર ઝા દ્વારા લોકો આર્થિક જરૂરીયાત ઉભી થતા સમયે વ્યાજે રૂપિયા લેવામાં આવતા હોય છે તે સમયે સરકારી, સહકારી બેંકો પાસેથી, સરકાર દ્વારા માન્ય બેન્કિંગ વ્યવસાય કરતી બેંક પાસેથી જે નિયમો મુજબ લોન આપી નિયમો મુજબ વ્યાજ દર લેવામાં આવતા હોય તેમજ ધીરધારના રજીસ્ટ્રેશન થયેલ પેઢી કે જે નિયમો મુજબ લોન આપતી હોય તેમજ નિયત ધારાધોરણ મુજબ વ્યાજ લેવામાં આવતુ હોય ત્યાંથી લોન ધીરાણ મેળવવા સમજ કરવામાં આવેલ હતી.

અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ આગામી સમયમાં અમલમાં આવનાર નવા ત્રણ ફોજદારી કાયદા (1) ભારતીય ન્યાય સંહીતા (બીએનએસ) 2023, (2) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) 2023, (3) ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) 2023 વિશે લોકોને વાકેફ કર્યા હતા. વિવિધ બેંકના પ્રતિનિધિઓએ  બેંક કે નાણાકીય સંસ્થા પાસેથી જ ધીરાણ મેળવવાનો આગ્રહ રાખવા અંગે તેમજ નાણાકીય સંસ્થાના પ્રકારો જેવા કે જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક, સહકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી મંડળીઓ, વિદેશી બેંક બાબતે તેમજ વિવિધ પ્રકારના ધિરાણો, નજીવો વ્યાજદર, વિવિધ યોજનાઓનો લાભ, નિશ્ચિત સમયગાળો, સન્માનનીય સ્થાન તેમજ ન્યાયપુર્ણ નિવારણ અંગે લોકોને માહિતગાર કર્યા હતા.

પ્રશ્ન​ સાંભળતા જ સીપીએ મુલાકાતનો સમય ફાળવી દીધો :
લોકદરબારમાં સીપી સમક્ષ લોકોએ પોતાના પ્રશ્ર્નો મુકયા હતા. માધુભાઈ ગોહીલ નામના વૃદ્ધે રામનાથપરાના કોઈ લીલીબેનનું નામ આપી વ્યાજખોરી કરી હોવાનો પ્રશ્ર્ન મુકી તે સમયના પોલીસ કર્મી બોઘાભાઈનું નામ પણ આપેલું. સીપીએ તત્કાલ તેમને તમામ કાગળો લઈ મંગળવારે બપોરે 12 વાગ્યે રૂબરૂ મળવાનો સમય આપી દીધો હતો. બીજા એક અરજદાર જયસુખભાઈ ભીમાણી (ધ્રોલ)એ રજુઆત કરેલી કે, કોઈ મંડળીના અલ્પેશ દોંગા નામના શખ્સે જમીન લખાવી લઈ પાંચ ટકા વ્યાજ લીધું. અવારનવાર રજુઆત કરી પણ કોઈ કાર્યવાહી ન થઈ, સીપીએ તેમને ડીસીપીને મળવાનું કહ્યું હતું.

મને બેંકમાંથી ધમકી આવે છે

શહેરના શાસ્ત્રીનગરમાં રહેતા નિવૃત કર્મચારી પોપટભાઈ માવજીભાઈ મકવાણાએ પોતાનો પ્રશ્ર્ન રજુ કરેલો કે, અદિતી મંડળીમાંથી 2012માં લોન લીધી, લોન 40 લાખની હતી પણ 28 લાખ જ મળ્યા, અત્યારે મંડળી બંધ થઈ ગઈ, મેં મને મળેલ રકમ ભરી દીધી છે તેમ છતાં આરડીસી બેંકમાંથી મને ફોન આવે છે. 25 લાખ માંગે છે, ધમકી આપે છે. સીપીએ તેમને કાગળો સાથે, લેખિથમાં તમામ વિગત સાથેની અરજી કરવા કહ્યું હતું.

♦મનોદિવ્યાંગ બાળકની સારવાર માટે લીધેલા 10 લાખના વ્યાજખોરોએ 60 લાખની પ્રોમીસરી નોટ લખાવી લીધી

રાજકોટ તા.29
 ગઈકાલે હેમુ ગઢવી હોલમાં યોજાયેલ લોકદરબારમાં વ્યાજખોરોનો ભોગ બનેલા પીડિત પરીવારે અશ્રુભરી આંખે પોતાના પર થયેલ સીતમની વ્યથા જણાવી હતી. ભોગ બનનાર આદિત્યભાઈ વસોયાએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જે જન્મથી જ માનસિક દિવ્યાંગ હોય જેમની સારવાર માટે તેઓએ મોહિત રાજાણી અને મૌલીક રાજાણી નામના વ્યાજખોર પાસેથી કટકે કટકે 7 ટકા લેખે 10 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા તેઓને કટકે કટકે ચુકવી પણ આપ્યા હતા.

 પરંતુ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વધુ રૂપિયા પડાવવા તેઓની પાસેથી ચાર પ્રોમીસરી નોટ લગાવી તેમની પાસેથી રૂા.66 લાખ વ્યાજે લીધા છે તેવું લખાણ તેમાં કરાવ્યું હતું. જે મામલે તેઓએ યુનિ. પોલીસ મથકમાં જાણ કરતા તેઓએ પણ સમાધાન કરી લેવા જણાવ્યું હતું. અને પોતાની વ્યથાને સાંભળી ન હતી.

જે બાદ તેમને આપેલા ચેક પણ પરત આપ્યા ન હતા અને તેને બાઉન્સ કરાવી તેમની પર કોર્ટમાં કેસ પણ કરાવ્યો હતો. હાલ તેઓ એક ખાનગી કંપનીમાં રૂા.10 હજારના પગારથી નોકરી કરે છે સાથે સાથે માનસીક દિવ્યાંગ પુત્રની સારવાર પણ ચાલુ છે. પરીવારનું ગુજરાન ચલાવવા તેમની પાસે પૈસા નથી ત્યારે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી તેમનું જીવવું હરામ કરી નાખ્યું છે જે મામલે પોલીસ કમિશ્ર્નરે પરીવાર પોલીસ મથકે જઈ પોતાની વાત કહેવા અને જો ત્યાંથી પણ સંતોષ ન થાય તો પોતાને રૂબરૂ મળી વાત કરવા ધરપત આપી હતી.

બીજા મુદ્દા ઉઠતા સીપીએ ટકોર કરવી પડી કે જોજો મૂળ મુદ્દાથી આપણે ભટકી ન જઈએ:
કાર્યક્રમમાં એક પછી એક હાજર અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં સાતેક જેટલા લોકો પ્રશ્ર્ન કરવા ઉભા થયા હતા. બે કે ત્રણ લોકોના પ્રશ્ર્ન વ્યાજખોરી સંબંધિત હતા. જ્યારે અન્ય બે ત્રણ લોકોના પ્રશ્નોના અપહરણ, મારામારી, સ્થાનિક પોલીસ કાર્યવાહી ન કરતી હોય તે સંબંધના હતા. જેથી અપહરણના પ્રશ્ર્નની વાત આવતા પોલીસ કમિશનર ઝા એ ટકોર કરી હતી કે, આજનો આપણો મુખ્ય હેતુ વ્યાજખોરીને સંબંધિત છે. જેથી તેના પ્રશ્ર્નોે જ મુકવા જેથી મુખ્ય મુદ્દાથી ભટકી નહીં. બાકીના પ્રશ્નો માટે પોલીસ મથક વાઇઝ લોક દરબાર થશે. 

ગત વખતે 60માંથી 48 અરજીમાં ગુના દાખલ થયા, 2 આરોપીને પાસા
સીપી ઝાએ પત્રકારોને માહિતી આપી કે, ગત વર્ષના વ્યાજખોરી વિરોધી લોકદરબારમાં 60 અરજી આવી જેમાં 48માં ગુના નોંધાયેલા. 65 આરોપી પકડાયેલા, 2 આરોપીને પાસા થયા હતા. ઉદેશ એ જ છે કે, આવી કાર્યવાહીથી બીજા વ્યાજખોર ગભરાશે તો આ પ્રવૃતિ ઓછી થશે. તેમણે એમ પણ કહેલું કે, ગત વર્ષના લોક દરબાર બાદ લોન મેળો યોજેલો. જેમાં 1500 લોકોને 3 કરોડ 45 લાખની લોન અપાઈ હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj