જુના એરપોર્ટના NOCમાં મુક્તિથી શહેરી પ્રોપર્ટી માર્કેટને ધરખમ લાભ: સરકાર-ખાનગી રી-ડેવલપમેન્ટથી માંડીને હોર્ડિંગ સુધીમાં રાહત

Saurashtra | Rajkot | 22 June, 2024 | 05:22 PM
છોટુનગર ઝૂંપડપટ્ટીના રી-ડેવલપમેન્ટથી દૂર ભાગતા બિલ્ડરો હવે રસ લેશે
સાંજ સમાચાર

► અંબિકા પાર્ક-રેસકોર્ષ પાર્ક જેવી મોટી સોસાયટીમાં ‘ઉંચાઇ મર્યાદા’ને કારણે અટકેલી પ્રક્રિયા ફરી શરૂ થઇ શકે

► ઉંચા હોર્ડિંગ માટે પણ લેવી પડતી મંજુરીનો નિયમ રદ થતાં આ ક્ષેત્રે પણ રાહત થશે

રાજકોટ, તા.22
રાજકોટના સીટી વિસ્તારમાં જુના એરપોર્ટના ઉંચાઇ મર્યાદાના નિયમો રદ થવાને પગલે સમગ્ર બિલ્ડર લોબીએ હાશકારો અનુભવ્યો છે. લાંબા વખતની માંગનો સ્વીકાર થવાને પગલે જુના એરપોર્ટની નજીકના વિસ્તારો સહિત ચાર કિલોમીટરના સમગ્ર શહેરી ક્ષેત્રોને મોટો લાભ થવાના સંજોગો સર્જાયા છે. પ્રોપર્ટીની ઉંચાઇ વધારાનો માર્ગ ખુલવા ઉપરાંત કેટલીક સરકારી-ખાનગી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ માટે પણ નવેસરથી પ્રક્રિયા શરૂ થવા શક્ય બનશે તેમજ મોટા પ્રચાર હોર્ડિંગમાં પણ લાભ થશે.

રાજકોટના બિલ્ડર સંગઠન દ્વારા છેલ્લા એકાદ વર્ષથી જુના એરપોર્ટની એનઓસીનો નિયમ રદ કરવાની માગણી કરવામાં આવતી હતી. શહેરના એરપોર્ટનું હીરાસર ખાતે સ્થળાંતર થઇ ગયાને એકાદ વર્ષ થઇ ગયું છે છતાં બિલ્ડીંગ પ્રોજેક્ટો માટે જુના એરપોર્ટના એનઓસીનો નિયમ યથાવત રાખવામાં આવ્યો હતો.

વાસ્તવમાં જુના એરપોર્ટનું લાયસન્સ પણ સરેન્ડર થઇ ગયું હોવાથી તેના ઉપયોગનો કોઇ સવાલ ઉભો થતો નહતો. છેવટે બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ ધ્રુવિક તળાવીયાએ દિલ્હીમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રૂબરૂ મળીને વિગતવાર રજુઆત કરતા પાંચ જ દિવસમાં સમસ્યા ઉકેલાઇ ગઇ છે.

જાણીતા બિલ્ડર તથા ક્રેડાઇ-રાજકોટ બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ ધ્રુવિક તળાવીયાએ કહ્યું કે જુના એરપોર્ટના ઉંચાઇ મર્યાદાના નિયમોને કારણે મોટા પ્રોજેક્ટો ફરજીયાતપણે શહેરની બહાર કરવા પડતા હતા તેના બદલે હવે શહેરી વિસ્તારમાં પણ શક્ય બનશે.

જુના એરપોર્ટની દિવાલને અડીને આવેલા વિસ્તારો તથા નજીકના એરિયાની પ્રોપર્ટીને મોટો લાભ થઇ શકશે કારણે કે અત્યાર સુધી માંડ 10-20 મીટરની ઉંચાઇની મંજુરી મળતી હતી હવે ગમે તેટલી ઉંચાઇના પ્રોજેક્ટો શક્ય બનશે અને પરિણામે આ કેટેગરીમાં આવતા વિસ્તારોમાં સારો એવો વિકાસ શક્ય બનશે. કોમર્શીયલ પ્રોજેક્ટો માટેના દ્વાર ખુલી શકશે.

આ ઉપરાંત એક મહત્વનો લાભ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં શક્ય છે. એરપોર્ટ રન-વેની અત્યંત નજીક આવેલા છોટુનગર સ્લમ વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા જ રીડેવલપમેન્ટ માટેના પ્રયાસો થયા હતા. પરંતુ ઉંચાઇ મર્યાદાને કારણે બિલ્ડરો રસ લેતા નહતા.

હવે ગમે તેટલી ઉંચાઇ અને વધારાની એફએસઆઇ શક્ય બનવાના કારણોસર બિલ્ડરો પણ ઉત્સાહ દેખાડી શકે છે. ઝુંપડપટ્ટીને કારણે ખાસ વિકાસ નહીં પામી શકતા. આ વિસ્તારમાં રીડવેલપમેન્ટ જેવા પ્રોજેક્ટોથી સમગ્ર વિસ્તારની શિકલ બદલી શકે છે. માત્ર સરકારી જ નહીં, ખાનગી  મોટી સોસાયટીઓમાં પણ રીડેવપલમેન્ટના પ્રોજેક્ટ શક્ય બને તેમ છે.

200 કરતા વધુ ફલેટ ધરાવતા એરપોર્ટ નજીકના રેસકોર્ષ પાર્ક, રૈયા રોડ પરના અંબિકા પાર્ક જેવી મોટી સોસાયટીમાં ભુતકાળમાં રીડેવલપમેન્ટના પ્રયાસ થયા હતા પરંતુ ઉંચાઇ મર્યાદાનો નિયમ નડવાના કારણોસર બિલ્ડરોએ પ્રમાણમાં ઓછો ઉત્સાહ દર્શાવ્યો હતો. સોસાયટીઓના ફલેટધારકોની માંગ મુજબ કરાર કરવામાં હાથ બંધાયેલા હતા. હવે વધુ ઉંચાઇ મળી શકે તેમ હોવાથી નવેસરથી પ્રોજેક્ટ હાથ પર લઇ શકે છે.

ધ્રુવિક તળાવિયાએ કહ્યું કે માત્ર પ્રોપર્ટી જ નહીં, કંપનીઓના પ્રચાર હોર્ડિંગ, ટેલીકોમ-વિજતંત્રના ટાવર વગેરે માટે પણ જુના એરપોર્ટની એનઓસી મેળવવી પડતી હતી તે ઝંઝટમાંથી પણ હવે મુક્તિ મળી જશે.

બિલ્ડર લોબીના સૂત્રોના કહેવા પ્રમાણે હીરાસર એરપોર્ટ કાર્યાવિન્ત થયું ત્યારથી જ કેટલાંક બિલ્ડોરએ જુના એરપોર્ટ તથા સીટી વિસ્તારોમાં બાંધકામ ઉંચાઇ નિયમો રદ થવાના આશાવાદે પ્રોજેક્ટ-પ્લાન તૈયાર કરી લીધા હતા. હવે ટુંકાગાળામાં જ પ્રોજેક્ટો આગળ વધારી શકે છે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj