રાજકોટ તા.21
અમીન માર્ગ પર મેડીકલના ધંધાર્થી દિવ્યેશ માટીયાને તે મને કાઠી કેમ કીધો કહી મહાવીર કાઠી અને એક અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી માર મારતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે રાણીમા રૂડીમા ચોક પાસે સાગર ડેરીની સામે રહેતા દિવ્યેશ માલાભાઈ માટીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહાવીર કાઠી અને થાર ગાડીમાં આવેલ એક અજાણ્યા શખ્સનું નામ આપતા માલવીયાનગર પોલીસે આઈપીસી 324, 323 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવેલ હતું કે તેઓ મેડીકલ સ્ટોર ધરાવે છે તેમના મિત્ર ધવલ પીઠાભાઈ વસરાએ કોઈ શ્યામ જાવીયા નામના વ્યક્તિને પૈસા આપેલ હતા જે પૈસાની જવાબદારી માટે વચ્ચે મહાવીર કાઠી રહેલ હતો. જેથી તે પૈસા બાબતે તેમના મિત્ર ધવલ વસરાએ મહાવીર કાઠીને કહેવા માટે કહ્યું હતું જેથી તેઓએ એક માસમાં બે-ત્રણ વાર મહાવીર કાઠીને પૈસા બાબતે વાત કરતા તે સમય જ આપ્યે રાખતો હતો. ગઈકાલે સાંજના છ વાગ્યા આસપાસ મહાવીર કાઠીને ફોન કરતા તેને હા માટીયા કહેતા ફરિયાદીએ હા કાઠી કહેતા તે ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે તારે મને કાઠી ભાઈ જ કહેવાનું હું તને માટીયા જ કહીશ. જેથી ફરિયાદીએ તમે મને રીસ્પેકટ આપશો તો હું તમને પણ આપીશ.
જેથી આરોપી મહાવીર ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે તો આ થઈ જાય. જેથી ફરિયાદીએ કહેલ કે તો આવી જાવ કીસાનપરા ચોકમાં, બાદમાં ફોન મુકી દીધો. જે બાદ સાંજના સમયે તેઓ મિત્રો સાથે અમીન માર્ગ પાસે આવેલ સુરેશ્ર્વર પાન પાસે ઉભો હતો ત્યારે મહાવીર કાઠીનો ફોન આવેલ કે હું કિસાનપરા ચોક આવી ગયો છું. જેથી તેમને અમીન માર્ગ પર મળવાનું કહ્યું હતું. થોડીવારમાં એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર નંબર જી.જે.1 એચ.વી.1111 આવેલ તેમાંથી મહાવીર કાઠી અને ભવદીપ કાઠી ઉતરેલ અને ભવદીપ સમાધાનની વાત કરતો હતો ત્યારે એક થાર ગાડી નંબર જી.જે.06 0008 ધસી આવેલ તેમાંથી એક અજાણ્યો શખ્સ ઉતરેલ અને છરી કાઢી મહાવીરને આપેલ હતી અને બીજી એક છરી કાઢી પોતાની પાસે રાખેલ હતી.
દરમ્યાન મહાવીર કહેવા લાગેલ કે તું મને તુકારો શુંકામે આપે છે કહી ઝઘડો કરી છરી ફેરવવા લાગતા યુવાનને મોઢા પર ઈજા પહોંચી હતી તેમજ અજાણ્યા શખ્સે પાછળથી ઘસી આવી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. બાદમાં અન્ય લોકો દોડી આવતા યુવાન ભાગી છુટયો હતો. બાદમાં યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy