વડાપ્રધાન આજથી ગુજરાતમાં : કાલે સૌરાષ્ટ્રમાં વિજય વિશ્વાસ સભાઓ

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 01 May, 2024 | 11:34 AM
આજે ડીસા અને હિંમતનગરમાં સંબોધન : તા.રના રોજ આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાં સભા : ભારે તાપ વચ્ચે 14 લોકસભા મત વિસ્તારને આવરી લેતો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર
સાંજ સમાચાર

રાજકોટ, તા. 1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચાર માટે તેઓ બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ જાહેરસભાઓ કરશે. રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં ભારે તાપ અને તડકા વચ્ચે યોજાયેલી જાહેર સભામાં જનમેદની એકત્ર કરવા ભાજપ દોડાદોડી પણ કરી રહ્યો છે. 

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા સામે મતદાન માટે ક્ષત્રિય સમાજ હજુ આંદોલન ચલાવી રહ્યો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ વચ્ચે પણ વડાપ્રધાનની સભાનો વિરોધ નહીં કરવા નિર્ણય લેવાયો છે. 

રાજયમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ પહેલાં વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. આજે બપોરે 2.30 કલાકે તેઓ ઉત્તર ગુજરાતમાં ડીસા અને ત્યારબાદ સાંજે 4.15 કલાકે હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધન કરશે.

ચૂંટણીની આચાર સંહિતા હોવાથી તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રાખવામાં આવ્યું છે. આ રોકાણ દરમ્યાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને વર્તમાન રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે તેવું માનવામાં આવે છે.

વડાપ્રધાન કાલે  મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10.00 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. 

બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. જામનગરમાં તેમની છેલ્લી સભા છે જે પૂરી કરીને દિલ્હી રવાના થશે. વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા ફરીથી છઠ્ઠી મેની રાત્રીએ ગુજરાત આવશે. 

ક્ષત્રિય સમાજના આંદોલન અને વિરોધ વચ્ચે વડાપ્રધાનના આ પ્રવાસ પર બધાંની નજર મંડરાયેલી છે. જો કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાનની સભાઓને સ્થળે કોઈપણ જાતના વિરોધ કાર્યક્રમ કે આંદોલન નહીં કરવાનું સમાજના યુવાનો અને મહિલાઓને એલાન કર્યું છે. 

નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીલક્ષી મુલાકાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં આવતી લોકસભા બેઠકોને આવરી લેશે. આ સાથે તેઓ વિધાનસભાની પાંચ પૈકી ચાર પેટાચૂંટણીઓના વિસ્તારને પણ કવર કરશે. જિલ્લાઓના તેમના પ્રવાસ દરમ્યાન કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ, ચૂંટણીની સલામતી માટે ખડકેલી રિઝર્વ પોલીસ ઉપરાંત રાજ્ય પોલીસના હજારો જવાનો જાહેરસભાના સ્થળે ખડેપગે સુરક્ષા બંદોબસ્ત જાળવશે.

જુનાગઢ
આવતીકાલે તા. 2 મેના જુનાગઢ કૃષિ યુનિવર્સિટીને આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધવા આવી રહ્યા છે. સાથે સાથે જામનગર ખાતે સભા સંબોધન કરશે. જામનગરની સરખામણીએ જુનાગઢમાં ધોમધખતા  તાપ-ગરમી, બફારામાં ડોમમાં માત્ર પંખા નીચે હવા ખાવાનો વારો આવશે તેની સાથે જામનગરમાં સાંજે પ વાગે  સભા હોવા છતાં ગરમીમાં રાહત મળે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલારને જર્મન ડોમ, એરકુલર, ફુવારાની સામે સોરઠને માત્ર પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરમાં ડોમ જર્મન સ્ટાઇલનો 600 ફુટ લંબાઇ, 1ર0 ફુટ પહોળાઇ મોટા મોટા ગાળા મુકવામાં આવ્યા છે. જુનાગઢમાં ડોમ વડાપ્રધાનનું જર્મન સ્ટેજ તૈયાર કરાયું છે જયારે લોકો માટે સાદો ડોમ તૈયાર કરાયો છે બંને સાઇડ ત્રણ ત્રણ મંડપના  મોટી સાઇઝના ગાળા નાખવામાં આવ્યા છે. જેમાં કુલ 30 હજાર લોકોનો સમાવેશ થઇ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન બપોરના 3 કલાકની આજુબાજુ જુનાગઢ સભા સ્થળે પહોંચશે જયારે લોકોને 1ર કલાકથી અંદર બેસાડવાની વ્યવસ્થા શરૂ કરી દેવાશે. જુનાગઢની સભા મંડપના 478 ફુટ ડોમમાં મોટા 6 પંખા અને ડોમની અંદર બંને સાઇડમાં મંડપમાં પંખા ફીટ કરવામાં આવ્યા છે. હાલમાં એરકુલરનું જુનાગઢમાં ડોમમાં આયોજન કરવામાં આવ્યું નથી.

ભરબપોરના તાપ-બફારા વચ્ચે ભાજપના જ લોકો કાર્યકરોને એકઠા કરવા માટે પડકાર બની ગયો છે. જામનગરી સભાનો ખર્ચ સાડા ચાર કરોડની સામે જુનાગઢની સભામાં અંદાજી સાડા ત્રણ કરોડનો ખર્ચનો અંદાજ છે. એક જ દિવસે એક જ કલાકના અંતરે સભા હોય તેમાં પણ જુનાગઢમાં ધોમધખતા તાપમાં 3 કલાકે સભા હોવા છતાં આવી બેધારી નીતિ શા માટે તેવો સવાલ ભાજપના જ વર્તુળોમાં ઉભો થવા પામ્યો છે.

ક્ષત્રિય સમાજ મોદીની સભાનો વિરોધ નહીં કરે
સંકલન સમિતિએ પત્ર જાહેર કર્યો : આંદોલન લોકશાહી ઢબે ચાલુ : ભાજપ વિરૂધ્ધ મતદાન માટે અડગ
રાજકોટ, તા. 1

ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ પત્ર જાહેર કરીને ગુજરાતમાં યોજાનારી વડાપ્રધાનની જાહેરસભાનો વિરોધ ન કરવા અપીલ કરી છે. સંકલન સમિતિ વતી સમગ્ર સમાજને જણાવવામાં આવ્યું હતું છે. વિરોધના પાર્ટ 2 મુજબ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની નીતિ પર અડગ રહીશું પરંતુ સાથે જ સંકલન સમિતિએ પોતાના સમુદાયને અપીલ કરી છે કે અમે પીએમ મોદીનો વિરોધ નહીં કરીએ. 

સંકલન સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાનની જાહેરસભામાં ક્ષત્રિય સમાજના આંદોલનની આડમાં કોઈ દુશ્મન કે કોઈ ખોટા ઈરાદા સાથે રાજ્યના હિતમાં વાતાવરણ બગાડી શકે છે. સંકલન સમિતિએ પીએમ મોદીનો વિરોધ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે કે, દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેથી નેતાઓની રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે.

આવી સ્થિતિમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. જેના કારણે સંકલન સમિતિએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે, ક્ષત્રિય સમાજ સુરક્ષામાં ઉભી થતી કોઈ મુશ્કેલી કે સમસ્યા વિશે ક્યારેય વિચારી શકે નહીં.

સંકલન સમિતિએ સમગ્ર સમાજને પીએમની ગુજરાતમાં યોજાનારી જાહેર સભા, રેલી, સંમેલનોનો વિરોધ કરવાથી દૂર રહેવા અપીલ કરી છે. સંકલન સમિતિમાં જણાવાયું છે કે ભાજપનો બહિષ્કાર કરોની નીતિ સાથે અમારૂ આંદોલન શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલુ રહેશે. બૂથ મેનેજમેન્ટને મજબૂત કરીને અમે ભાજપ સામે લડતા ઉમેદવારને મત આપીશું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj