કાગવડ ખોડલધામ મંદિરની દાનપેટીમાંથી ટ્રસ્ટના ડ્રાઇવરે જ રૂા.2.62 લાખ રોકડની ચોરી કરી

Crime | Rajkot | 21 June, 2024 | 11:57 AM
રાજકોટમાં આવેલ ટ્રસ્ટની ઓફિસમાં દાનપેટીમાં આવેલ રૂપિયાની ગણતરી થાય તે પહેલાં જ ડ્રાઇવર અશ્વિન મૂંગરાએ હાથફેરો કર્યો: નરેશ પટેલના પીએ અને સિક્યુરિટીમેનને જાણ થતાં ભાંડો ફૂટ્યો
સાંજ સમાચાર

♦માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

રાજકોટ. તા.21
કાગવડ ખોડલધામ મંદિરની દાનપેટીમાંથી જ રાજકોટમાં આવેલ ટ્રસ્ટની ઓફિસમાં ડ્રાઇવર તરીકે કામ કરતાં શખ્સે જ રોકડ રૂ.2.62 લાખની ચોરી કરી હતી. જે મામલે ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના પીએ અને સિક્યુરિટીમેનને જાણ થતાં ભાંડો ફૂટ્યો હતો અને રોકડ રૂપિયા સાથે ડ્રાઇવરને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

બનાવ અંગે રાજકોટમાં વાવડી ગામમાં 80 ફૂટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટની સામે રહેતાં કેતનભાઇ જેન્તીલાલ પાનસુરીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અશ્વિન લખમણ મૂંગરા (રહે. સિલ્વર પાર્ક એ -1, સેટેલાઇટ પાર્ક, મોરબી રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, મવડી પ્લોટમાં ન્યુ માયાણીનગર પાણીના ટાંકાની સામે આવેલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના બીલ્ડીંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની ઓફીસમાં એચ.આર. હેડ તરીકે છેલ્લા ચાર મહીનાથી નોકરી કરે છે. તેઓને ટ્રસ્ટમાં કામ કરતા માણસોનુ હેડલીંગ કરવાનુ હોય છે. તેમની ઓફીસની ગાડીના ડ્રાઇવર તરીકે અશ્વીન લક્ષમણ મુંગરા છેલ્લા 8 વર્ષથી નોકરી કરે છે.

ગઈકાલે સવારના તેઓ ઘરે હાજર હતાં તે દરમિયાન તેમના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પી.એ. કૌશીકભાઈ સુરેલાનો ફોન આવેલ અને જણાવેલ કે, આપણા ટ્રસ્ટમાં ડ્રાઇવર તરીકે કામ કરતો અશ્વીન મુંગરા ટ્રસ્ટની દાનપેટી તોડી તેમાં રહેલ દાનની રકમ થેલામાં ભરી ચોરી કરી લઇ જતા મેં અને સીકયુરીટીમેન હર્ષભાઇ પંચાલએ પકડેલ છે, કહેતાં તેઓ ટ્રસ્ટની ઓફિસે ગયેલ અને  કૌશીકભાઈ સુરેલાને પુછતા તેણે જણાવેલ કે, કાગવડ ખોડલધામ મંદીર ખાતે રાખવામાં આવેલ દાનપેટીઓ દર બુધવારે મંદીરેથી આપણી શ્રી ખોડલધામ ટ્રસ્ટની ઓફીસ ખાતે આવે છે અને દર ગુરૂવારે પેટીઓ ખોલી તેમાં રહેલ દાનની રકમની ગણતરી કરવામાં આવે છે.

પરંતુ થોડા સમયથી એવી શંકા થયેલ હતી કે, દાનપેટીમાંથી રકમ ઓછી નીકળતી હોય અને છેલ્લા કેટલાક ગુરૂવારથી સવારે પાંચ વાગ્યાથી છ વાગ્યા દરમ્યાન આપણી ઓફીસમાં લગાવેલ સી.સી.ટી. વી. કેમેરાઓ બંધ થઇ જતા હતા.

જે બાબતની તપાસ કરવા વહેલી સવારે પાંચ વાગ્યાથી  ટ્રસ્ટની ઓફીસ પર હતા. તે દરમિયાન આપણા ટ્રસ્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો અશ્વીન મુંગરા સવારે આશરે છએક વાગ્યે આવેલ અને સીકયુરીટી પાસેથી ચોથા માળે આવેલ મેઇન ગેઇટની ચાવી લઇ ઉપર ગયેલ હતો. જેથી હું તથા હર્ષભાઈ બન્ને  ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લીફ્ટના દરવાજા પાસે ઉભા રહી ગયેલ ત્યારે ડ્રાઇવર અશ્વીન મુંગરા લીફ્ટમાંથી બહાર નીકળેલ અને અમને જોતા તે એકદમ ગભરાઇ ગયેલો તેની પાસે રહેલ થેલો સંતાડવા લાગેલ હતો.

જેથી તેની પાસે રહેલ થેલો ખોલાવી ચેક કરી જોતા તેમાં રોકડ રૂપીયા જોવામાં આવેલ જેથી તેને  પુછતા તેણે વાત કરેલ કે, મારા ઉપર દેવુ થઇ ગયેલ છે જેથી મે આપણા ટ્રસ્ટની દાનપેટી તોડીને આ રોકડા રૂપીયાની ચોરી કરેલ છે. જે બાદ ચોરી બાબતે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા હોદ્દેદારોને જાણ કરેલ હતી. અશ્વીન મુંગરાએ કુલ રૂ.2.62 લાખની ચોરી કરેલ હોય જે લઈ માલવીયાનગર પોલીસ મથકે લાવેલ હતાં.

બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાંથી રોકડ રૂપિયાની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj