રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ: કલેકટર દ્વારા મતદાન મથકોની ચકાસણી

મંગળવારે મતદાન: સોમવારે 2236 મતદાન બુથોનો કબ્જો સંભાળશે 13 હજાર કર્મચારીઓ

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 04 May, 2024 | 04:04 PM
ચૂંટણી સ્ટાફને સવારના 7 કલાકે ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરો પર પહોંચી જવા આદેશ: સંવેદનશીલ 1032 મતદાન મથકોના વિસ્તારમાં પેરામીલેટ્રી ફોર્સ દ્વારા પેટ્રોલીંગ: 200 મતદાન મથકો માટે કૂલર શોધવા તંત્રની દોડધામ: ગરમી સામે મતદારોને રક્ષણ આપવા 1036 બુથો પર મંડપ નખાયા: ચૂંટણી તૈયારીઓને આખરી ઓપ
સાંજ સમાચાર

રાજકોટ તા.4

 રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે તંત્ર સજજ બની જવા પામેલ છે. લોકસભાની ચૂંટણીનું મતદાન તા.7ને મંગળવારે થનાર હોય જેના આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હોય કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

 રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 2236 મતદાન મથકો પર 13 હજાર કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોય આ કર્મચારીઓ ઈવીએમ મશીનો સાથે તા.6ને સોમવારના મતદાન મથકોનો કબ્જો સંભાળી લેનાર છે. ચૂંટણી સ્ટાફને તા.6ને સોમવારના સવારના 7 કલાકે વિધાનસભા વિસ્તારોના ઈવીએમ ડીસ્પેચીંગ -રીસીવીંગ સેન્ટરો પર પહોંચી જવા આદેશ અપાયા છે.
 આ દરમિયાન આજે કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મતદાન મથકોની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના કુલ 2112273 મતદારો નોંધાયા છે. જેમાં 1093626 પુરૂષ મતદારો, 1018611 મહિલા મતદારો અને 36 જેન્ડરોનો સમાવેશ થાય છે.

 વિધાનસભા વિસ્તારવાઈઝ મતદારોની સંખ્યા પર નજર કરીએ તો ટંકારા વિસ્તારમાં 252355, વાંકાનેર વિસ્તારમાં 287559, રાજકોટ ઈસ્ટમાં 303897, રાજકોટ વેસ્ટમાં 361289, રાજકોટ સાઉથમાં 258657, રાજકોટ રૂરલમાં 385681 અને જસદણ વિધાનસભા વિસ્તારમાં 262835 મતદારોની સંખ્યા રહેલી છે. રાજકોટ બેઠકની આ ચૂંટણી માટે 2236 જેટલા મતદાન બુથો નિયત કરવામાં આવેલ છે.

 જેમાં 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ લોકસભા બેઠકના મતદાન મથકો માટે 3602 બીયુ, 2976 ડીયુ અને 3489 વીવીપેટની ફાળવણી અગાઉ કરી દેવામાં આવી હતી. આ વખતે ભગવાન સૂર્યનારાયણના આકરા મીજાજના પગલે આકાશમાંથી કાળઝાળ ગરમી અને લૂં વરસી રહી હોય આ આકરા તાપની મતદાનની ટકાવારી પર અસર પડવાની સંભાવના રહેલી હોય જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન બુથો પર મતદારોને ગરમી સામે રક્ષણ આપવા માટે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ 1036 મતદાન બુથો પર મંડપ નાખી છાંયડાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

 આ ઉપરાંત 200 જેટલા મતદાન મથકો પર કુલરો મુકવાનું પણ વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. પરંતુ કુલરો પુરતી સંખ્યામાં એકત્રીત થઈ શકેલ ન હોય કુલર શોધવા માટે તંત્રએ દોડધામ શરૂ કર્યાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા વિસ્તારમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં આ વખતે ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના સંવેદનશીલ મતદાન બુથોની સંખ્યામા વધારો થવા પામેલ છે. આવા બુથોની સંખ્યા 1036 જેટલી જાહેર કરવામાં આવી છે. આ સંવેદનશીલ મતદાન બુથો પર પરામીલેટ્રી ફોર્સનો વિશેષ બંદોબસ્ત મુકવાનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. આ ઉપરાંત મતદાનના દિવસે પણ આવા બુથો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં હવે ચૂંટણી સ્ટાફના અંતિમ રેન્ડેમાઈઝેશન બાદ આગામી તા.6ને સોમવારના કર્મચારીઓ ઈવીએમ મશીનો સાથે મતદાન બુથોનો કબ્જો સંભાળી લેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj