રાજકોટ, તા.17
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના વધુ બે અધિકારીઓની ધરપકડ થઈ હતી. ટીપી શાખાના આસી.એન્જીનીયર જયદીપ ચૌધરી અને વોર્ડના એટીપી રાજેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ગેમઝોનના ગેરકાયદેસર માચડાને રેગ્યુલાઇઝ કરવા અશોકસિંહ જાડેજાના નામે ફાઈલ મુકાઈ હતી. ટીપીઓ સાગઠિયા, એટીપી જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને અન્ય અધિકારીઓએ મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું અને આગ દુર્ઘટનાના બનાવ પછી ઇમ્પેક્ટનું જૂનું જાવક રજીસ્ટર ચુલામાં સળગાવી નાખી, નવું બનાવ્યું હતું. રાજેશે ટીપી શાખાના જ કોઈ કર્મચારીને રજીસ્ટર સળગાવી નાખવા સૂચના આપી હતી. પોલીસ આ કર્મચારીની પૂછપરછ કરી રહી છે. જેથી આ ગુનામાં વધુ કોઈ સરકારી અધિકારી - કર્મચારીની ધરપકડની સંભાવના છે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટ મહાનગર પાલિકાની ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી (ઉ.વ.36, રહે. જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ રાજકોટ, મુળ જામનગર ઓમ પાર્ક ગેઇટ પાસે વિરાજભાઇ પટેલના મકાનમાં ભાડેથી) તથા મનપાના વેસ્ટઝોન વોર્ડ નં.1, 9, 12 ના ટાઉન પ્લાનીંગ શાખાના એટીપી રાજેશ નરશી મકવાણા (ઉ.વ.40, રહે. આફ્રીકા કોલોની શેરી નં.5 આશીયાના એપાર્ટમેન્ટ, 150 ફુટ રીંગ રોડ રાજકોટ)ની તા.15/06/2024 ના રોજ રાત્રે 8 વાગ્યે ધરપકડ કરી હતી.
તેમના પર લાગેલા આરોપી અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તપાસ દરમિયાન આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજાની ગેમઝોનને ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટેની ફાઇલ આરોપી જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, મનસુખભાઇ સાગઠીયા, ગૌતમ જોષી અને અન્ય અધિકારીઓએ મળી પૂર્વ આયોજીત કાવતરૂ કરી, બનાવ બનેલ તે જગ્યા ટીઆરપી ગેમઝોનની જગ્યાનો ઇમ્પેકટ પ્લાન મંજુર કરવા માટે તા.22/4/2024 ના ચકાસણી ફી ભર્યા બાદ ઇનવર્ડ થયેલ ન હતો.
જે બનાવ બાદ અગાઉની તા.4/5/2024 માં ઇનવર્ડ કરવામાં આવેલ હોવાનું તેમજ અગાઉની તા.9/5/2024 માં કવેરી લેટર તૈયાર કરી આપવામાં આવેલ હોવાનું તેમજ રાજકોટ મહાનગર પાલીકાના વેસ્ટ ઝોન વિભાગના ઇમ્પેકટ ઇનવર્ડ રજીસ્ટરમાં ચેડા કરેલ છે. તેમજ પત્ર જાવક રજીસ્ટર નવું બનાવી તેમાં જાવક નંબરમાં કવેરી લેટર જાવક કરી જુના રજીસ્ટરનો નાશ કરવામાં આવેલ હોય આરોપીઓએ સક્રીય ભૂમિકા ભજવેલ હોવાની હકીકત સામે આવી છે.
તપાસ કરતી એસીપી ક્રાઈમની સીટે આરોપી જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.
રિમાન્ડના મુદ્દા મુજબ પોલીસ તપાસ કરશે કે, આ બનાવમાં ક્યાં અધિકારીની જીપીએમસી એકટ હેઠળ સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ શું છે? ઓરોપીઓ જાણતા હતા કે, ટી.આર.પી. ગેમઝોન વાળુ બાંધકામ ગેરકાયદેસર છે. છતા બાંધકામ કાયદેસર કરવા ઇમ્પેકટ ફાઇલ કવેરી કાઢી પુર્તતા કરવા જુની તારીખમાં જાવક કરાવેલ હોય તે બાબતે તપાસ થશે. ઇન્વર્ડ તથા જાવક રજીસ્ટર નવુ બનાવી, જુનુ રજીસ્ટર નાશ કરેલ હોય, રજીસ્ટર કોના કહેવાથી નાશ કરેલ? તે બાબતે નકકર હકીકત બહાર લાવવામાં આવશે.
આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજાની ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટેની ફાઇલ ઇન્વર્ડ કરવા તથા તેમાં પાછળથી તારીખમાં ઇન્વર્ડ કરવા તથા પત્ર વ્યવહારમાં જાવક કરવા માટે તેમને આર્થિક કે અન્ય કોઇ લાભ લીધેલ હતો કે કેમ? તેની પૂછપરછ થશે. આ ઉપરાંત આરોપીઓને સાથે રાખી ફાઇલ ઇન્વર્ડ તથા પત્ર વ્યવહાર શાખાના નવા રજીસ્ટર બનાવવા બાબતે તેમજ જુનુ રજીસ્ટ્રર નાશ કરેલ હોય જે બાબતે રીક્ધટ્રકશન પંચનામું કરાશે. બનાવ બાબતે વિશેષ પુરાવાઓ એકત્ર કરાશે. રેકર્ડ ખરેખર નાશ કરેલ છે કે કેમ? રેકર્ડ કોઇ જગ્યાએ છુપાવેલ છે કે કેમ? તે તપાસ થશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા સ્પે.પીપી તુષાર ગોકાણીએ સરકાર તરફે ધારદાર દલીલો કરી હતી.
જે ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં ભોગ બનનારના વારસો તરફે રાજકોટ બાર એસો.ની આખી બોડી રોકાયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy