રેસકોર્સ સ્વીમીંગ પુલનું રીનોવેશન થશે : 1.07 કરોડનો ખર્ચ : જુલાઇ માસથી તરવૈયાઓ માટે પુલ બંધ કરાશે

Saurashtra | Rajkot | 17 June, 2024 | 05:06 PM
1550 ચો.મી.માં નવી ટાઇલ્સ, ચિલ્ડ્રન શાવર રૂમ, કોચ રૂમ બંધાશે : સભ્યોની ફરિયાદોનો આવશે અંત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17
રાજકોટ શહેરની મધ્યમાં આવેલા અને સ્વીમર્સ માટે પ્રિય એવા રેસકોર્સ સ્વીમીંગ પુલમાં ટાઇલ્સ બદલવા, ચિલ્ડ્રન શાવર અને કોચ રૂમ બનાવવા સહિતનું રીનોવેશન નીકળ્યું છે. લાંબા સમયથી જરૂરી એવા આ કામના ટેન્ડર બહાર પડતા રૂા.1.07 કરોડના ખર્ચે આ કામ કરાવવા કાલે મંગળવારે મળનારી સ્ટે.કમીટીની બેઠકમાં દરખાસ્ત આવી છે. 

રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિને પ્રોત્સાહન આપતા ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને કાલે મીટીંગ મળનાર છે. કમિશ્નર દ્વારા આ બેઠકમાં રેસકોર્સ સ્વીમીંગ પુલમાં ચિલ્ડ્રન શાવર રૂમ, કોચ રૂમ બનાવવા તથા સ્વીમીંગ પુલની ટાઇલ્સ બદલવા માટેની દરખાસ્ત મોકલાઇ છે.

આ કામ મંજૂર થાય અને શરૂ થાય એટલે જુલાઇ માસથી શરૂ થતી નવી ત્રિમાસિક બેચ રેસકોર્સના પુલ માટે ઓપન થશે નહીં. અન્ય સ્વીમીંગ પુલમાં સભ્ય પદ માટે કાર્યવાહી શરૂ થશે. પરંતુ રેસકોર્સમાં આ કામ શરૂ થનાર હોય, ઓછામાં ઓછા ત્રણ માસ તરવૈયાઓ માટે પુલ બંધ રાખવો પડશે. આ કામનો સમયગાળો વધી પણ શકે છે. 

રેસકોર્સમાં ચિલ્ડ્રન અને મોટેરાઓના પુલમાં આ કામ માટે 82.05 લાખનું ટેન્ડર બનાવવામાં આવ્યું હતું. કુલ 1550 ચો.મી. વિસ્તારમાં ખાસ પ્રકારની પોર્સેલીન મોઝેક સ્વીમીંગ પુલ ટાઇલ્સ તથા 132 ચો.મી. વિસ્તારમાં ચિલ્ડ્રન શાવર રૂમ, કોચ રૂમ બનાવવા આયોજન કરાયું છે. આ કામ માટે રી-ટેન્ડર બાદ છગનભાઇ વેલજીભાઇ તળપદા એજન્સીએ 15.55 ટકા વધુ ભાવ મુકતા વાટાઘાટોના અંતે 11 ટકા ઓનથી કામ કરવા સંમતિ આપી છે. 

એસ્ટીમેટ ઉપરાંત ઓન સહિત 91.07 લાખનું કામ અને 18 ટકા જીએસટી (16.39 લાખ) મળી કુલ 1 કરોડ 7 લાખનું કામ મંજૂર કરવા સ્ટે.કમીટીને દરખાસ્ત મૂકાઇ છે. રેસકોર્સ પુલના નવીનીકરણની જરૂરીયાત ઘણા સમયથી લાગતી હતી.

જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. હવે કાલની મીટીંગમાં દરખાસ્ત આવી જતા તુરંતમાં રીનોવેશન શરૂ થશે તો ચાલુ વર્ષની બીજા કવાર્ટરની બેચ સભ્યો માટે બંધ કરાશે તેમ અધિકારીઓએ કહ્યું હતું. પુલમાં અવારનવાર નાના મોટાને ટાઇલ્સ લાગી જતી હોવાની ફરિયાદ આવતી હતી તો ચિલ્ડ્રન ચેન્જ રૂમ માટે પણ રજુઆત હતી. હવે ચોમાસામાં કામ થાય અને તે બાદની બેચ ખુલે ત્યારે સભ્યોને નવો નકકોર પુલ મળશે.

►કોઠારીયા રોડ સ્નાનાગારમાં સફાઈ કામગીરી ઠપ્પ થતાં ઠેર-ઠેર કચરાનાં ઢગ જામ્યા
પાણીના નિકાલની ગટરોમાં પીપળાના છોડ ઉગી નીકળ્યા: ચોમાસુ ઋતુમાં પાણીનો ભરાવો થવાની સંભાવના
શહેરમાં ગંદકી કરનારા દંડાય છે ત્યારે મનપાનાં શ્રેષ્ઠ સ્નાનાગારની ગંદકી બાબતે કોણ દંડાશે: દોઢ-બે માસથી અપુરતી સફાઈથી સ્વિમરોમાં નારાજગી

 "દીવા નીચે અંધારૂ” હોય તેમ મ્યુ.કોર્પોરેશન સંચાલીત કોઠારીયા રોડ સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગારમાં છેલ્લા એક-દોઢ માસથી સફાઈની કામગીરી ઠપ્પ થઈ છે.એક તરફ શહેરમાં ગંદકી કરનારા પાસેથી મનપા દંડ વસુલી રહી છે. ત્યારે મનપા સંચાલિત કોર્પોરેશન જામેલી ગંદકી અપુરતી સફાઈ,કચરાના ઢગનો નિકાલ થતાં સ્વિમરોમાં નારાજગી છવાઈ છે.રાજકોટની શાનસમા કોઠારીયા રોડ સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગારમાં રાજયકક્ષાની ચેમ્પિયન શીપ અવારનવાર યોજાતા રાજયભરના ખેલાડીઓ આ સ્વિમિંગની વ્યવસ્થાની વખાણ કરે છે.

આ સ્વિમીંગના સંચાલક કોચ પણ સ્વચ્છતા બાબતે સતત જાગૃત રહે છે. પરંતુ એક દોઢ માસથી સફાઈ કામદારોએ સફાઈ કામગીરી કોઈ કારણોસર ઠપ્પ કરી દેતા હાલ ઠેર-ઠેર સ્થળે કચરાના ઢગ સાથે ગંદકીના થર જોવા મળી રહ્યા છે. સ્વિમિંગ પુલ ચોતરફ ચોમાસુ ઋતુના પાણીના નિકાલ માટે ખુલ્લી માથે ઝાળી મુકેલ ગટરોમાં હાલ ઝાડના પાંદડા સાથે પીપળાના છોડ ઉગી નીકળ્યા છે.

આ ગટરની સફાઈ નહી થતાં ચોમાસુ ઋતુમાં ગંદાપાણી સ્વિમિંગના સ્વચ્છ પાણી સાથે લીધે તેવી દહેશત સ્વિમરો અનુભવી રહ્યા છે. સ્વિમિંગપુલ સફાઈ કામગીરી ઠપ્પ થતાં અપુરતી સફાઈના લીધે નેશનલ કક્ષાનાં સ્વિમિંગની ઓળખમાં કાળી ટીલી લાગી છે. કોર્પોરેશનના લગતા વળગતા અધિકારીઓ એ.સી.ચેમ્બરની બહાર નીકળી આ સ્વિમિંગની સ્વચ્છતા નિહાળવાનો સમય કાઢે તો સાચી પરિસ્થિતિનો ભાગ મળે બાકી કાગળ ઉપર તો સફાઈ કામગીરી હમેશા ચળકતી જ રહેવાની ?

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj