રાજકોટ,તા.17
વારંવાર ‘ડાઉન’ થવા માટે કુખ્યાત બની ગયેલુ પુરવઠા વિભાગનું સર્વર ફરી એકવાર છેલ્લા ચાર દિવસથી ઠપ્પ થઈ ગયુ હોય રાજયભરમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને વેપારીઓ તથા લાખો લાભાર્થીઓમાં ભારે દેકારો સર્જાયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત રાજયભરમાં પૂરવઠાનું સર્વર ઠપ્પ થઈ જતા ફરી એકવાર વેપારીઓને,લાભાર્થીઓ સાથે સંઘર્ષમાં ઉતરવાનો સમય આવ્યો છે.વેપારી વર્તુળોનાં જણાવ્યા મુજબ ડાઉન થવા માટે તહેવારોની રાહ જોતું સર્વર ફરીથી છેલ્લા ચાર દિવસથી ધાંધિયા કરી રહ્યું છે.
કાળઝાળ ઉકળાટ વચ્ચે લોકો રોજે વાજબી ભાવની દુકાનના ધક્કા ખાય રહ્યા છે.ગરીબ પરીવારને સરકાર અનાજ વિતરણ કરવા આધુનિક ઓનલાઇન બીલીંગ સિસ્ટમ દ્વારા લાભાર્થીની આધાર આધારિત ઓળખ પ્રસ્થાપીત કરીને અનાજ પહોંચાડી રહી છે ત્યારે આ સિસ્ટમમા રહેલી ખામીને કારણે વારંવાર ગરીબ લાભાર્થીઓ તથા વાજબી ભાવના દુકાનદારો ખૂબ જ યાતનાઓ ભોગવી રહ્યા છે
મહિનામાં જેવો વિતરણનો માહોલ શરૂ થાય સર્વર તુરંત જ પોતાનુ નૃત્ય શરૂ કરી દે છે પરીણામે લોકો મજુરી મુકીને રોજે રોજ અનાજની લાઈનમા ઊભા રહેવા મજબુર બને છે
કરોડો રૂપિયાના આંધણ પછી પણ સરકારની આ ઓનલાઇન સિસ્ટમ ક્યારેય સરખી ચાલતી નથી , વર્ષ 2011 બાદ બિલિંગ સિસ્ટમનુ કોમ્પ્યુટરીકરણ થયા પછી ખાસ કરીને સપ્લાયના પ્રોગ્રામને આધાર ના સરવર સાથે જોડવામાં આવ્યા પછી સર્વર ડાઉન ની સમસ્યા વારંવાર ઉત્પન્ન થાય છે તેના કારણે ગરીબ પેટીયુ રડતા મજૂરો પિસાતા રહ્યા છે.
વારંવાર રજૂઆતો છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ સરકારે ભવિષ્યમાં આવી સમસ્યા પેદા ન થાય એ માટે કડક પગલાં લેવા જોઈએ જેથી ગરીબ લોકો તથા વેપારી ભાઈઓ રાહતનો દમ લઈ શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy