વેકેશન એટલે શું...?: શાળા-કોલેજોમાં ઉનાળું વેકેશન ચાલુ પરંતુ આંગણવાડીમાં માસુમ બાળકો ગરમીથી ક્યારે મુક્ત થશે?

Saurashtra | Jamnagar | 25 May, 2024 | 01:15 PM
♣હિટવેવના સમયમાં બાંધકામની સાઇટો ઉપર મજૂરો પાસે બપોરે 1 થી 4 માં કામ લેવાની મનાઇ: ટાઢા છાંયે અને પંખા નીચે ટેબલ-ખુરશી ઉપર કામ કરતાં જનસેવા કેન્દ્રોની સેવા પણ બપોરે 1 થી 4 બંધ કરાઇ પરંતુ માસુમ બાળકોનું જતન કરતી આંગણવાડીઓના સમયમાં કોઇ ફેરફાર નહીં: સરકારી બાબુઓની માનવતા પણ પોતાના ઘર સુધી મર્યાદિત: છુટક પ્રશ્નોમાટે પણ વારંવાર વિરોધ નોંધાવી પબ્લીસિટી સ્ટંટ કરતા રાજકીય જીવડાઓ પણ મોઢામાં મગ ભરીને બેઠા છે
સાંજ સમાચાર

જામનગર તા.25
જામનગરમાં કાળઝાળ ગરમીને લઇને શાળા, કોલેજોમાં વર્ષોથી વેકેશન જાહેર કરવામાં આવે છે. પરંતુ આંગણવાડીમાં ભણતા માત્ર 2 થી 6 વર્ષના બાળકો માટે કોઈ વેકશન નથી, હાલના હિટ વેવમાં બાળકોને આંગણવાડીમાં માત્ર પોષણ યુકત આહાર આપવાના નામે બોલાવાઇ રહ્યા છે. એટલે કે માસૂમ બાળકો આટલી ગરમીમાં પણ બપોરે દોઢ વાગ્યા સુધી આંગણવાડીમાં બેસાડી રખાય છે. જામનગર શહેર સહિત રાજયભરની 52 હજાર આંગણવાડીના 2.65 લાખ બાળકો બપોરે 1.30 વાગે ધોમધખતા તાપમાં છૂટીને  ધરે જાય છે.

ભૂલકાઓને પોષણ યુકત આહાર આપીને સક્ષમ બનાવવાની ઘેલછા કે પછી અન્ય કોઇ કારણોસર ગરમીમાં ફુલ જેવા કોમળ બાળકોને સવારના 7.30 થી બપોરની 1.30 વાગ્યા સુધી સરકારના 200 ગ્રામ પોષણ યુક્ત આહાર માટે પાંચ કલાક સુધી ભઠ્ઠી સમાન બની ગયેલા ઓરડામાં તપવાનો વખત આવે છે. તંત્ર 300 દિવસ પોષણ યુકત આહાર આપવાના લક્ષ્યાંકના નામે બાળકો સાથે ખિલવાડ કરી રહ્યું હોવાનું શિક્ષણવિંદો જણાવ્યું હતું.

કોરાના દર માસે ઘેર બેંઠા બાળકોને માસિક આહાર પેકેટ આપવામાં આવતાં હતા.તેવી રીતે દર ઉનાળામાં આંગણવાડીમાં વેકેશન જાહેર કરીને ઘેર બેઠા આહારના પેકેટ આપવા જોઈએ જેથી બાળકો ભરબપોરે બળબળતા તાપમાંશેકાવુ ન પડે. આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને ઉનાળામાં વારફરતી 15-15 દિવસની રજા આપવામાં આવે છે.જ્યારે બાળકોને રજા આપવામાં આવતી નથી.

એક તરફ રાજ્ય સરકારે કાળઝાળ ગરમીને ધ્યનમાં રાખીને બાંધકામ સાઇટો ઉપર તડકામાં મજૂરી કરતાં શ્રમિકો માટે ગાઇડલાઇન બહાર પાડી બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરાવવાનું કહ્યું છે. બીજી તરફ મામલતદાર ઓફિસોના જનસેવા કેન્દ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ ટાઢે છાંયે અને પંખા નીચે બેસીને કામ કરે છે. તેમને પણ ગરમી થાય છે અને બપોરે 1 થી 4 અરજદારો માટેની કામગીરી (અરજદારોને તડકો ન લાગે અને લાઇનમાં ન ઉભું રહેવું પડે તેવું કારણ આગળ ધરીને) બંધ કરી છે ત્યારે સવાલ એ થાય છે કે, ભારતનું ભવિષ્ય ગણાતા માસુમ બાળકોનો વિચાર સરકાર કે સરકારી બાબુઓને કેમ નથી આવતો? આંગણવાડીમાં હજુ તિવ્ર ગરમી વચ્ચે પણ બાળકોને બપોરે 1:30 વાગ્યા સુધી રાખવામાં આવે છે.

આંગણવાડીનો સમય ઘટાડવો કે બદલવો જરૂરી છે. ખાસ વાત એ છે કે, આંગણવાડીમાં વાત કરતી તેડાગર રહેનોને પણ રોટેશનમાં વેકેશનનો લાભ મળે છે પરંતુ બાળકો ગરમીમાં સેકાય રહ્યાં છે. ખેદની વાત એ છે કે, નાની મોટી ચૂંટણીઓ વખતે લોકોના નાના સમુહ માટે પણ મતની ચિંતાથી વિરોધની પપુડી બજાવનાર રાજકીય જીવડાઓ પણ આ મામલે હજુ જીવદયા દેખાડવાની ફુરસત કાઢી શક્યા નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj