જામનગર, તા.29
જામનગરમાં બે દિવસ અગાઉ જામનગર વોર્ડ નં.6માં ભાજપના કાર્યલયના ઉદ્ઘાટન વેળાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનોએ આકરા સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો હતો વિરોધ: ખુરશીમાં તોડફોડ અને બેનર ફાડયાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશન મોડમાં: રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી હાથ ધરાઇ કાર્યવાહી.
રૂપાલા વિવાદ મામલે જામનગરના વોર્ડ નંબર 6 માં રાજપૂત સમાજના યુવાનો અને મહિલાઓએ ભાજપનો આકરો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ મહિલાઓ અને યુવાનોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરી અને ખુરશીઓમાં તોડફોડ કરી હતી તથા બેનરો પણ ફાડી નાખ્યા હતા. આ પ્રકરણનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી છે અને જામનગર સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા 100 જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજ આગબબુલા બન્યો છે. લાંબા સમયથી રાજપૂત સમાજ ભાજપ સામે આંદોલનમાં ઉતર્યા છે. રાજ્યના ખૂણે ખૂણે વિરોધ થઈ રહ્યો છે. જેના ખાસ જામનગરની સીટ પર ખૂબ છાંટા ઉડયા છે અને ભાજપના કાર્યકરોને ઠેર ઠેર લોકરોષનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવો જ કંઈક બનાવ બે દિવસ અગાઉ જામનગરના વોર્ડ નંબર 6 માં બન્યો હતો.
જામનગરના વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. ઉદ્ઘાટન વેળાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો કાર્યાલયે દોડી આવ્યા હતા. જયા રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં ભાજપ વિરુદ્ધ આકરી નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખુરશીના ઘા અને પોસ્ટર પણ તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનના વીડિયો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થયા હતાં જેને લઈને જામનગર પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસ દ્વારા વોર્ડ નંબર 6 માં ભાજપ કાર્યાલય ખાતે તોડફોડ મામલે જયપાલસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઉર્ફે બાપૂડી દરબાર, નરેન્દ્રસિંહ જાડેજા તેમજ મહિલાઓ સહિત 100 જેટલા વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો છે. સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે. વધુમાં સીસીટીવીના આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
મહત્વનું છે કે બે દિવસ પૂર્વે દેવભૂમી દ્વારકાના ખીજદળ ગામ ખાતે ટોળાએ વિરોધ કર્યો હતો અને પોલીસ વાનમાં પણ તોડફોડ કરી હતી. જ્યાં ટોળા સામે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હવે જામનગરમાં પણ ટોળા સામે ગુન્હો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy