એસીબી અગ્નિકાંડના આરોપી ટીપીઓ સાગઠિયાના 6 દિવસ સુધી રિમાન્ડ લેશે

Crime | Rajkot | 03 July, 2024 | 04:24 PM
ધરપકડ બાદ વધુ 18 કરોડની મિલ્કત મળી આવતા કુલ ભ્રષ્ટાચારની મિલકત 28 કરોડે પહોંચી
સાંજ સમાચાર

રાજકોટ, તા.3
ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડમાં મુખ્ય આરોપી જેટલો જ ગુનેગાર ગણાતા રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાને ખાસ અદાલતના જજ પી. જે. તમાકુ વાલાએ 6 દિવસના એસીબી પોલીસ રીમાન્ડ પર સોંપેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, દોઢ માસ પહેલા ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડમાં અનેક વ્યકિતઓના મૃત્યુ બાદ ગેમ ઝોનના માલીકો સામે નોંધાયેલ ફોજદારી કેસમાં તપાસ દરમિયાન મનપમાં છેલ્લા 10 કરતા વધુ વર્ષથી ટાઉન પ્લાનર ઓફીસર તરીકે ફરજ બજાવતા મનસુખ ધનજી સાગઠીયાની પણ અધિકારીની રૂએ ફરજ દરમિયાનની બેદરકારીઓ અને ગેરરીતીઓ ઉભરી આવેલ હતી.

આથી પોલીસ તપાસ દરમિયાન તેઓની ધરપકડ કરી રીમાન્ડ મંગાતા તેમની રીમાન્ડ દરમ્યાન તેઓ પાસે 13 કરોડથી વધુ કિંમતની અપ્રમાણસર મિલ્કત મળી આવેલ હતી. આ અંગે ભ્રષ્ટાચાર વિરોધી ખાતાને જાણ કરાતા એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટના ફીલ્ડ ઈન્સ્પેટકર જે. એમ. આલએ ફરીયાદી બની આરોપી મનસુખ સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણની અધિનિયમની કલમ-13(1) અને 13(2) હેઠળ ગુન્હો નોધી આગળની તપાસ પી.આઈ. લાલીવાલાને સોંપેલ હતી. આ તપાસના અમલદારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ અગ્નિકાંડના ગુન્હાના કેસમાં ટ્રાન્સફર વોરંટ હેઠળ સાગઠીયાનો કબ્જો મેળવેલ હતો.

આ આરોપીના 24 કલાકની એ.સી.બી. કસ્ટડી દરમિયાન તેની ઓફીસમાંથી 18 કરોડની રોકડ તથા સોના-ચાદીના દાગીના - ઝવેરાત મળી આવેલ હતા. આટલી જંગી અપ્રમાણસર મિલ્કત મળી આવતા સાગઠીયા ને 7 દિવસની પોલીસ રીમાન્ડની માંગણી સાથે ખાસ અદાલતમાં રજુ કરવામા આવેલ હતો.

સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટી.પી.ઓ. સાગઠીયા પોતાની સમગ્ર કારર્કિદી દરમ્યાનના સમગ્ર પગારની બચત કરે તો પણ તેઓ 28 કરોડ રૂપિયાની મિલ્કત વસાવી શકે નહી. આ કારણે તેઓ પાસેથી જે મિલ્કતો મળી આવેલ છે તે ખરેખર તેઓએ બેનામી ખરીદેલ છે કે, આવી મિલ્કતના તેઓ રખેવાળ છે? તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે.

આ ઉપરાંત આગલા દિવસની સાંજે ઓફીસ તેઓની હાજરીમાં ખોલાવવામાં આવેલ ત્યારે તિજોરીમાંથી મળેલ ઝવેરાતોનું વજન, મૂલ્યાંકન અને રોકડ રકમની ગણતરી 10 કલાકથી વધુ સમય ચાલેલ હતી. તેથી આરોપી સામેથી વધુ તપાસ થઈ શકેલ નથી. આરોપી પાસે રહેલ બીજા ખાતાની તપાસ તેઓની હાજરીમાં જ કરવી જરૂરી છે તેમજ તેઓ મનપાના ખર્ચે વિદેશ પ્રવાસોમાં ગયેલ છે તે અંગે કોઈ વિગતો જણાવેલ નથી.

આરોપીના પત્નીના નામે પેટ્રોલ પંપ છે. પુત્ર અને પુત્રીના નામે 12 વિઘા જમીન આવેલ છે. જે ખરીદ કરવા અંગે તેઓ પાસે સ્વતંત્ર આવકના કોઈ સાધનો નથી. આ ઉપરાંત તેઓ પોતાના પરીવાર સાથે જુદા જુદા 4  દેશોમાં પ્રવાસ કરી આવેલ છે. તેમ છતા આટલી મોટી રકમ રોકડ અને ઝવેરાત સ્વરૂપે મળી આવેલ છે. તે દર્શાવે છે કે, તેઓએ તમામ પ્રકારે ભ્રષ્ટાચાર કરી હાલ જાહેર થયેલ છે.

તેના કરતા ઘણી મોટી રકમની અપ્રમાણસર મિલ્કત વસાવેલ છે. સરકાર તરફેની રજુઆતોના અંતે ખાસ અદાલતે આરોપી મનસુખ સાગઠીયાને 6 દિવસના પોલીસ એસીબી રીમાન્ડ ઉપર સોંપેલ છે. એ.સી.બી. ના આ કેસમ સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj