રાજકોટ તા.4
મુંબઈ શેરબજારમાં આજે પ્રચંડ કડાકો સર્જાયો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએને પ્રચંડ બહુમતી મળવાની આશા ધૂળધાણી થઈ જતા માર્કેટમાં વેચવાલીનો મારો નીકળ્યો હતો અને તમામે તમામ શેરોમાં ગાબડા પડયા હતા. સોમવારની તેજીથી તદન વિપરીત બમણા જોરની મંદી થઈ હતી.
શેરબજારમાં કામકાજની શરૂઆત થઈ ત્યારે જ લોકસભાની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ આવવો શરુ થઈ ગયો હતો. એકઝીટ પોલ જેવા પરિણામ નહી આવવાની શંકાથી શરૂઆતથી જ નબળાઈ આવી ગઈ હતી અને ટ્રેન્ડ વધુ સ્પષ્ટ થવા સાથે વેચવાલીનો મારો વધતો રહ્યો હતો. એનડીએની બહુમતી એકદમ સામાન્ય અને પાતળી રહેવાના સંકેતો ઉપસતા ગભરાટ સર્જાયો હતો અને વધુને વધુ દબાણ સર્જાતુ રહ્યું હતું.
તમામે તમામ શેરોમાં જોરદાર ગાબડા પડવા લાગ્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ભાજપને એકલા હાથે 272 બેઠકોની બહુમતી મળે તેવી સ્થિતિ રહી નથી. એનડીએને પણ પાતળી બહુમતી રહેવાની શકયતા જણાઈ રહી છે. આ સંજોગોમાં ત્રીજી ટર્મમાં પણ મોદી સરકાર રચાય તો પણ ક્રાંતિકારી અને ઐતિહાસિક સુધારાના પગલા નહી લઈ શકે અને આ ગણતરીના આધારે શેરબજાર અટકાયુ છે. આગામી દિવસોમાં બજેટ સહિતના કારણો પર હવે નજર રહી શકે છે.
શેરબજારમાં આજે તમામે તમામ ક્ષેત્રના શેરોમાં પ્રચંડ કડાકા સર્જાયા હતા. અદાણી ગ્રુપના શેરોનો બુકડો બોલી ગયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો ભાવ 500 રૂપિયાથી વધુ અને અદાણી પોર્ટનો ભાવ 250 રૂપિયા જેટલો ગગડી ગયો હતો. રિલાયન્સ, સ્ટેટ બેંક, અદાણી પાવર જેવા શેરો પણ 100-100 રૂપિયા તૂટી ગયા હતા. બેંકો તથા ઈએસયુ શેરોનો પણ ભૂકકો બોલી ગયો હતો.
બપોરે 12.30 વાગ્યાની સ્થિતિએ મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઈન્ડેકસ 5212 પોઈન્ટના કડાકાથી 71256 સાંપડયો હતો. જે ઉંચામાં 76300 તથા નીચામાં 72337 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 1700 પોઈન્ટના કડાકાથી 21500 હતો. જે ઉંચામાં 23179 તથા નીચામાં 21500 હતો. પ્રચંડ કડાકાના પગલે પ્રારંભીક ચાર કલાકમાં જ ઈન્વેસ્ટરોની સંપતિમાં 35 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy