રાજકોટ, તા.14
ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી જ રહ્યો છે ત્યારે માર્કેટ કેપીટલાઇઝેશનમાં વધુ એક વખત હોંગકોંગને પાછળ ધકેલીને ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું શેરમાર્કેટ બની ગયું છે.
બ્લુમબર્ગના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે મુંબઇ શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ 5.18 ટ્રીલીયન ડોલરે પહોંચી ગયું છે જે હોંગકોંગના 5.17 ટ્રીલીયન ડોલરના માર્કેટ કેપ કરતાં વધુ છે. 56.49 ટ્રીલીયન ડોલરના માર્કેટકેપ સાથે અમેરિકન શેરબજાર વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. બીજા ક્રમે 8.84 ટ્રીલીયન ડોલરના માર્કેટ કેપ સાથે ચીન બીજા અને 6.30 ટ્રીલીયન ડોલરના માર્કેટકેપ સાથે જાપાન ત્રીજા ક્રમે છે.
ભારતીય શેરબજારે આજે માર્કેટ કેપમાં હોંગકોંગને પાછળ રાખી દીધું હતું. આ પૂર્વે ગત 23 જાન્યુઆરીએ પણ ભારત તેનાથી આગળ નીકળી ગયું હતું. પરંતુ ટુંકાગાળામાં જ હોંગકોંગે ફરી ચોથુ સ્થાન હાંસલ કરી લીધું હતું. હવે પાંચ માસ બાદ ફરી હોગકોંગ કરતા ભારત આગળ નીકળી ગયું છે.
ગત એપ્રિલ મહિનાથી હોંગકોંગના શેરબજારમાં 12 ટકાનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. જાન્યુઆરીના તળીયાના સ્તરને લક્ષ્યમાં લેવામાં આવે તો 20 ટકાનો ઉછાળો રહ્યો છે. ચીનના નબળા અર્થતંત્ર તથા ભૌગોલિક ટેન્શનને કારણે હોંગકોંગ માર્કેટ મંદીમાં હતું. પરંતુ પરિસ્થિતિ પલ્ટાતા છ માસથી તેજી થઇ છે. ચીનનું અર્થતંત્ર ફરી પાટે ચડવા લાગ્યું છે. રોકાણમાં વૃધ્ધિ છે એટલે નીચા વેલ્યૂએશનમાં ખરીદી વધતા તેજીનો તબક્કો રહ્યો છે.
ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ગત સપ્તાહમાં ચૂંટણી પરિણામોને કારણે માર્કેટ વોલીટાઇલ બન્યું હતું. 4 જુને 6 ટકાનું પ્રચંડ ગાબડું પડ્યા બાદ બીજા દિવસથી જ તેજીમાં આવી ગયું હતું અને હાલ ટોચના લેવલે જ છે. 4 જુન બાદ ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટલાઇઝેશન 32 લાખ કરોડના વધારા સાથે 432 લાખ કરોડ (5.18 ટ્રીલીયન ડોલર) થયું છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને એકલા હાથે બહુમતી ન મળવા છતાં એનડીએની સરકાર બની છે અને સળંગ ત્રીજી ટર્મમાં વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી આરૂઢ થયા હોવાથી માર્કેટ તેજીના દોરમાં રહ્યું છે. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવી સરકાર પરિવહન, બંદર, ઉડ્યન, ડીસેન્સ, રેલવે તથા ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ધ્યાન ફોક્સ કરી શકે છે.
ઉપરાંત રાજકોષીય ખાદ્યમાં ઘટાડો, નોર્મલ ચોમાસુ રીઝર્વ બેન્ક તરફથી સરકારને 2.1 ટ્રીલીયન રૂપિયાનું ડીવીડન્ડ જેવા કારણો તેજીને વેગ આપી શકે છે. જો કે, ભાજપને બેઠકો ઓછી હોવાથી સરકારની નીતિ ખેડૂતો-ગ્રામ વિકાસ-શહેરી ગરીબો તથા સામાજીક કલ્યાણ ક્ષેત્રમાં વધુ રહેવાની પણ આશંકા છે છતાં ટુંકાગાળા માટે માર્કેટ માટે આગામી બજેટ તથા કોર્પોરેટ ક્ષેત્રના પરિણામો નિર્ણાયક ભાગ ભજવી શકે છે.
બહુમતી ન હોવાથી ભાજપને સરકાર ચલાવવા ગમે ત્યારે બાંધછોડ કરવી પડશે તે બાબત પણ સતત ધ્યાનમાં રાખવી પડશે. આ સ્થિતિમાં મોટું કરેકશન આવી શકે અને વધુ પડતા ઉંચકાયેલા પીએસયૂ તથા કેપીટલ ગુડઝ ક્ષેત્રના શેરો ઘટી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy