હળવદના શિવપુર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરતા 90 હજારનો ખર્ચ ઘટ્યો, નફામાં 5.10 લાખનો વધારો

Local | Morbi | 28 June, 2024 | 02:10 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.28 
હાલના સમયમાં વઘુ ખેત ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનાં વધુ પડતાં ઉપયોગ કરવાના કારણે માનવીનું સ્વાસ્થ્ય કથળતું ગયું છે. જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં જમીન પથ્થર જેવી થઈ જશે. પાણી પણ પીવાલાયક રહેશે નહી. બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા જીવલેણ રોગો વધતા જશે. આપણી આવનારી પેઢી માટે આપણે રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી મોરબી જિલ્લામાં પણ આત્મા પ્રોજેકટ અંતર્ગત અનેક ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામના ખેડૂત નરભેરામભાઈ ગામી જણાવે છે કે, હળવદ તાલુકો એટલે મુખ્યત્વે વરસાદ આધારીત. ક્યારેક વધારે વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ અને આવી પરિસ્થિતિમાં રાસાયણિક ખેતીના વિકલ્પે પ્રાકૃતિક ખેતી એક પડકાર કહેવાય. પરંતુ ઘણા સમયથી વિચાર આવતો હતો કે, જો આમને આમ ખેતી કરશુ, તો ખેતીકામમાં હવે કાંઈ નફો મળશે નહી. રાસાયણિક ખેતીમાં મોટાભાગના રૂપિયા રાસયણિક ખાતર તેમજ જંતુનાશક દવામાં જ જતા રહેતા.

રાસયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી અમારી જમીન એકદમ બિનઉપજાવ બની ગઈ  જેના લીધે પાક ઉત્પાદન ઘટવા લાગ્યુ અને ખર્ચ વધવા લાગ્યો. પરિણામે નફાનો ગાળો ઓછો રહેવા લાગ્યો. ખેતીમાં જમીન બિન ઉપજાવ બની ગયેલ હોવાથી આવક ઓછી અને ખર્ચ વધવા લાગ્યો હતો. ત્યાર બાદ ખેડૂત આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા 4 વર્ષથી જોડાયેલ છે અને પ્રાકૃતિક ખેતીની તાલિમમાં ભાગ લીધો ત્યારે પ્રાકૃતિક ખેતી જ કરે છે.
આજથી ત્રણ વર્ષ પહેલા મારા ખેતરમાં આંબા વાવેલા હતા ત્યાંજ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. સૌ પ્રથમ આંબામાં જીવામૃતની શરૂઆત કરી અને જમીન પોચી થવા લાગી. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી 6 એકર આંબામાં શરૂઆત કરી. જમીનમાં ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો તથા પુર્તી ખાતર માટે જીવામૃત તથા ઘન જીવામૃત વાપર્યું હતું. ઉપરાંત ખેતરમાં લીંબોડીનો ઉપયોગ કર્યો.

નિંદામણ નિયંત્રણ માટે આંતર ખેડ તથા હાથથી નિંદામણ કર્યું. આંબાની સાથે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી. જીવામૃત તથા ઘન જીવામૃતના ઉપયોગથી અળસિયાની સંખ્યામા વધારો થવાથી જમીનની નિતાર શક્તિમાં વધારો થયો. જેથી પાણીની સારી એવી બચત થવા લાગી તેમજ જમીનમાં સુધારો થવા લાગ્યો અને ફળદ્રુપતામાં વધારો થવા લાગ્યો છે.

વધુમાં નરભેરામભાઈ જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત 6 એકર જમીનમાં આંબા, અને  સીતાફળ પાક લઉ છું. મને કેમિકલના ઉપયોગથી ખેતીની આવક 8,40,000 અને ખર્ચ 3,00,000 થતો જ્યારે નફો 5,40,000 મળતો પરંતુ પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ખેતીની આવક 12,60,000  અને ખર્ચ 2,10,000 નો થતો જ્યારે નફો 10,50,000રૂ. મળતો થયો છે. ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકાના શિવપૂર ગામમાં ‘ગામી ફાર્મ’ માં પિતા અને પુત્ર બન્ને સાથે મળી  પ્રાકૃતિક ખેતી અપનાવી માતબર નફો મેળવી રહ્યા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj