ગઝલ સાગરના ‘ફીણ-મોજા’નું હૃદયપટમાં મુંદ્રાકન કરી જનારા

અમરેલીના કવિ હર્ષદ ચંદારાણાનું નિધન : સાહિત્ય જગતમાં શોક

Local | Amreli | 17 June, 2024 | 12:39 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17
અમરેલીના કવિ હર્ષદ ચંદારાણાનું ગઇકાલે અમદાવાદમાં 77 વર્ષ વયે નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરો શોક છવાઇ ગયો છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. 

અમરેલીનાં ચલાલા ગામે 26 જાન્યુઆરી,1947ના રોજ જન્મ લેનાર હર્ષદભાઈ ચંદારાણા બી.એસ.સી. થયા બાદ પોતાના વ્યવસાયમાં જોડાઈને એક સફળ ઉદ્યોગપતિ બન્યા હતા. ચલાલાની પૈતૃક કેળવણી સંસ્થા, અમરેલીની (અને ગુજરાતની) એક સમયની અગ્રણી સાહિત્યિક સંસ્થા ’મુદ્રા’ ઉપરાંત ’આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ’ જેવી અનેક સંસ્થાઓ તેમનાં વહાલસોયાં વડપણ હેઠળ ફૂલીફાલી અને વટવૃક્ષ બની હતી.

છેલ્લા 5-6 દાયકાઓથી અમરેલી નગર સાહિત્ય અને કળાના નીતનવા ઉપક્રમોથી ધબકતું રહ્યું તેમાં હર્ષદ ચંદારાણાનું સર્વાંગી પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. આદરણીય શ્રી રઘુવીર ચૌધરીજી જેમને ’ઉત્સવોના આયોજક’ ગણાવે છે એ હર્ષદ ચંદારાણાએ અમરેલી ખાતે કેવા કેવા ઉપક્રમો હાથ ધર્યા તે નીરખવાં જેવું છે:

કવિવર રમેશ પારેખનો વન-પ્રવેશોત્સવ/એમનો ’નરસિંહ મહેતા એવોર્ડ’ વિતરણ અવસર / ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર/ સરકારી રાહે યોજાતું ’ગુજરાત ગૌરવ દિન પર્વ / પર્યાવરણ પ્રેમી જિતેન્દ્ર તળાવિયાના પ્રકૃતિયજ્ઞો/ લાઠી ખાતે ’કલાપી-તીર્થ’નું સ્થાપન-પર્વ ઉપરાંત સુગમ સંગીતની મહેફિલો/ અગ્રણી કવિઓ/કલાકારોના મેળાવડાઓ/ પરિસંવાદો/ કવિ-સંમેલનો / પુસ્તકોનાં લોકાર્પણ કાર્યક્રમો ઈત્યાદિ અસંખ્ય આયોજનોમાં સક્રિયપણે સામેલ હર્ષદ ચંદારાણા રહ્યા હતા.

હર્ષદ ચંદારાણાની સર્જનયાત્રા વિશે વાત કરીએ તો- આશરે એકાદ ડઝન પુસ્તકો એમનાં ખાતે બોલે છે, ’મુદ્રા’નાં સાહિત્યિક ત્રૈમાસિક ’મુદ્રાંકન’નું સંપાદન વર્ષો સુધી સંભાળનાર હર્ષદભાઈ અનેક પ્રકાશનો સાથે પણ સંપાદક/સહસંપાદક તરીકે સંકળાયેલ રહ્યા હર્ષદભાઈ એક ઊર્મિશીલ કવિ ઉપરાંત કવિતાના એક મર્મજ્ઞ ભાવક અને આસ્વાદક પણ ખરા ! પરિણામે કાવ્યાસ્વાદનાં મારાં મોરપિચ્છ, અને મહેકનો અભિષેક નામનાંનાં 2 પુસ્તકો હર્ષદભાઈ પાસેથી મળ્યાં છે.

પ્રકૃતિપ્રેમ,મનુષ્યપ્રેમ,પરમ તત્વ પ્રત્યેનો આર્દ્ર ભાવ અને જીવન પ્રત્યેનો વિધેયાત્મક અભિગમ હર્ષદભાઈની કવિતાઓમાં સાતત્યપૂર્વક પ્રતિબિંબાય છે.એમણે ગીતો અને અછાંદસ કાવ્યોય લખ્યાં છે પણ એમની કવિતાનાં કેન્દ્રસ્થાને તો ગઝલ જ  જીવનભર રહી હતી.

નવતાપૂર્ણ કલ્પન,પ્રતીકોનો વિશિષ્ટ વિનિયોગ, ભાતીગળ ભાવસંવેદન, સરળ બાની અને તાજગીપૂર્ણ અભિવ્યક્તિ -એ હર્ષદ ચંદારાણાનાં ગઝલકર્મનાં આગવા વિશેષ રહ્યા. પૂર્વસૂરીઓની શેહમાં તણાયા વગર તેમણે કાવ્યસર્જનમાં પોતીકી સર્જનાત્મક મુદ્રા જાળવી રાખી જતનપૂર્વક.પરંપરા અને પ્રયોગશીલતા વચ્ચેનું સમ્મક્ સંતુલન એમની રચનાઓમાં દ્રષ્ટિગોચર થતું રહ્યું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj