કાલે ત્રણ મહિના બાદ સ્ટે.કમીટીની મીટીંગમાં કામકાજ થશે : કુલ 68 દરખાસ્તો : કોઠારીયા, મોરબી રોડ સહિતના વિસ્તારમાં નવા રોડની દરખાસ્તો

શિક્ષણ સમિતિની 26 શાળા-કચેરીમાં ફાયર સિસ્ટમ બેસાડાશે : ઓફિસે NOC રીન્યુ ન કરાવ્યા!

Local | Rajkot | 17 June, 2024 | 04:50 PM
સલામતી માટે હવે ખુદ કચેરી દોડી : વિનોદભાઇ શેઠ હોલનું 5.56 કરોડના ખર્ચે નવનિર્માણ થશે : ચેરમેન જયમીન ઠાકરે ફરી કેટલીક દરખાસ્તો પર કેમેરા ગોઠવ્યા..!
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17
લોકસભાની સૌથી લાંબી ચૂંટણી આચારસંહિતા પૂરી થયા બાદ ત્રણ મહિને આવતીકાલે સ્ટે.કમીટીની મીટીંગમાં  નિર્ણયો લઇ શકાશે. ચેરમેન જયમીન ઠાકરે આવતીકાલ તા. 18ના રોજ મંગળવારે સવારે સ્થાયી સમિતિની મીટીંગ બોલાવી છે. જેમાં અગાઉથી પેન્ડીંગ રહેલી સહિતની કુલ 68 દરખાસ્તો પર નિર્ણયો કરવામાં આવશે.

ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પૂરા શહેરમાં ફાયર સેફટી માટે કડક પગલા લેવાઇ રહ્યા છે ત્યારે મનપાની શિક્ષણ સમિતિ હસ્તકની 26 શાળાઓ અને સમિતિના મુખ્ય બિલ્ડીંગ મળી કુલ 27 મકાનો માટે ફાયર સેફટી સિસ્ટમ બેસાડવા અને  એનઓસી રીન્યુ કરવા માટે 54 લાખનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. 

સરકારની સૂચનાથી મનપાએ પુરા શહેરમાં ફાયર સેફટી ડ્રાઇવ ચલાવી શાળા, હોસ્પિટલ, વાડીઓ સહિતની ઇમારતો મોટી સંખ્યામાં સીલ કરી છે. તે બાદ મુદ્દત આપીને સાધનો મુકવા અને એનઓસી રીન્યુ કરાવવા મુદ્દત આપેલી છે. પરંતુ સાધનો બેસાડવા, રીન્યુ પ્રક્રિયા કેટલી મુશ્કેલ અને લાંબી છે તેનો અંદાજ એ વાત પરથી પણ આવે છે કે ખુદ મહાપાલિકા આટલા દિવસો બાદ સમિતિની શાળાઓમાં સાધનો મુકવા કાર્યવાહી કરી રહી છે. 

સરકારની ગાઇડલાઇન પરથી પ્રાથમિક શાળાઓ કે જેનું ક્ષેત્રફળ 500 ચો.મી. કે તેથી વધુ હોય તેવી સ્કુલમાં ફાયર સેફટીની સુવિધા તાત્કાલીક ધોરણે ફીટ કરવા કમિશ્નરે કાર્યવાહી કરાવી છે. કમિશ્નર ડી.પી.દેસાઇએ મોકલેલી દરખાસત મુજબ શિક્ષણ સમિતિની 26 શાળાઓ અને સમિતિની કચેરી મળી 27 બિલ્ડીંગનો સર્વે કરાતા આ 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળવાળા બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે 45.09 લાખના ખર્ચનો અંદાજ નીકળ્યો છે.

ઉપરાંત 2021-22માં 9 મીટરથી ઉંચાઇવાળી 10 સ્કુલમાં ફાયર સેફટીના એનઓસી લેવાયા બાદ રીન્યુ ન થયાનું ખુલ્યુ છે. અમુક સાધનો બંધ હાલતમાં હોય ત્યાં પણ 9 લાખ મળી કુલ 54.09 લાખનો ખર્ચ થવા શાસનાધિકારીએ પત્ર લખ્યો હતો.  આ સિસ્ટમ બેસાડવા શાળા બોર્ડને 100 ટકા નોનગ્રાન્ટેબલ ખર્ચ પેટે આ રકમ ચુકવવા સ્ટે.કમીટી પાસે મંજૂરી માંગવામાં આવી છે. 

વિનોદભાઇ શેઠ હોલ
શહેરના વોર્ડ નં.17માં કોઠારીયા મેઇન રોડ પર વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ આવેલો છે. આ હોલનું નવીનીકરણ કરવા 4.71 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. 542 ચો.મી. એરીયામાં ગ્રાઉન્ડ+3 ફલોરનું ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડીંગ બનાવવા આશીષ ક્ધસ. કંપનીએ ભાવોભાવ કામ કરવા તૈયારી દર્શાવી છે. 4.71 કરોડના ખર્ચ અને 84.81 લાખ જીએસટી સહિત પ.પ6 કરોડના ખર્ચે આ કામ એજન્સીને આપવા કમિશ્નરે દરખાસ્ત મોકલી છે. 

વોર્ડ નં.2માં પેવીંગ બ્લોક
વોર્ડ નં.2માં અલ્કાપુરી સોસાયટી 1, 2, 3, 9 તથા 12માં સાઇડ પડખામાં પેવીંગ બ્લોક કરવાનું 33.90 લાખનું કામ ડિમ્પલ જે. પાનસુરીયા એજન્સી 24.96 ટકા ઓછા ભાવે કરી આપશે. આ કામ મનપાને 25.43 લાખમાં કરી આપવા દરખાસ્ત આવી છે જેનો જીએસટી સહિતનો ખર્ચ 30 લાખ થશે. 

કુલ 68 દરખાસ્ત
કાલની કમીટીના એજન્ડા પર કુલ 68 દરખાસ્ત રહેલી છે. જુદા જુદા વિસ્તારમાં રસ્તાના કામ, મોટા મવાના સ્મશાનમાં ગેસ આધારીત સિસ્ટમ, વેસ્ટ ઝોનમાં બલ્ક ફલો મીટર, વોર્ડ નં.18માં ડામર, ડ્રેનેજ, રીકાર્પેટ સહિતના કામો, જેટકો ચોકડીએ ભૂગર્ભ ગટર (વોર્ડ નં.11), આજી ડેમ રામવન ગેટ સામે બ્લોક પ્લાન્ટેશન, વોર્ડ નં.4માં ટીપી રોડ પેવરથી મઢવા, રેલનગરમાં જીએસઆર બનાવવા, ઝુ પાસે બનનારા લાયન પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ વોલ બનાવવા, વોર્ડ નં.1માં સત્યનારાયણ મેઇન રોડથી શીતલ પાર્ક સુધી ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.7માં સરદારનગર મેઇન રોડથી ડો.દસ્તુર માર્ગ પર પાકો વોંકળો બનાવવા વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડથી ગંગોત્રી પાર્ક મેઇન રોડ સુધી ડીઆઇ પાઇપલાઇન, વોર્ડ નં. 18માં ડીઆઇ પાઇપલાઇન, મલ્ટીલેવલ પાર્કિંગ માટે સલાહકાર મુકવા, વોર્ડ નં.1 ઘંટેશ્ર્વર પાસે ડ્રેેનેજ લાઇન, ડ્રેનેજ શાખા માટે મશીનરી ખરીદવા સહિતની દરખાસ્તો સામેલ છે. 

જોકે અમુક દરખાસ્ત અંગે ચેરમેન ઉંડો અભ્યાસ કરી રહ્યા છે અને અમુકમાં ઓપરેશન પણ કરશે તેવું માનવામાં આવે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj