અમિત શાહની જામકંડોરણા મુલાકાત બાદ સહકારી ચિત્ર પલ્ટાયાનો નિર્દેશ

‘ઇફ્કો’ માટે ગુજરાતમાંથી 4 ફોર્મ: રાદડીયા નિશ્ચિત: બિપીન પટેલનું ફોર્મ પાછું ખેંચાશે?

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 01 May, 2024 | 05:29 PM
ભાજપે બીપીન પટેલના નામનો મેન્ડેટ ઇસ્યુ કરી દેતા સર્જાયેલી ઉત્તેજના વચ્ચે બદલાતા સમીકરણો: શુક્રવારે ફોર્મ પાછા ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
ભારતની ટોચની સહકારી સંસ્થા ‘ઇફ્કો’ની આગામી 9મીએ યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી પૂર્વે સહકારી ક્ષેત્રમાં ઉત્તેજના છે. ગુજરાતમાંથી ચાર સહકારી આગેવાનોએ ઉમેદવારી કરી છે તેમાંથી રાજકોટના નેતા જયેશ રાદડીયાનું નામ ફાઇનલ થવાના સંકેત છે.

કેન્દ્રીય સહકારી મંત્રી અમીત શાહે ગત સપ્તાહમાં ચૂંટણી પ્રચાર માટે જામકંડોરણામાં જાહેરસભા યોજી હતી અને જયેશ રાદડીયાના નિવાસે ભોજન લીધું હતું ત્યાર પછી ચિત્ર બદલાયાની ચર્ચા છે. ઇફ્કોના ડાયરેક્ટર બોર્ડમાં ગુજરાતની એક સીટ છે. છેલ્લી બે ટર્મથી જયેશ રાદડીયા જ બીન હરિફ ચૂંટાતા હતા. સહકારી ક્ષેત્રે પણ ઉમેદવાર પસંદગી પાર્ટી લેવલે કરવાનો નિર્ણય લેનાર ભાજપ દ્વારા આ વખતે બીપીનભાઇ નારણભાઇ પટેલ (ગોતા)ના નામનો મેન્ડેટ જારી કરાયો હતો. જો કે, જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભરી દીધું હતું. આ સંજોગોમાં કોણ બાજી મારશે તે વિશે સહકારી તથા રાજકીય ક્ષેત્રો જબરી ઉત્તેજના સર્જાઇ હતી.

ઇફ્કોની ચૂંટણી માટે ગુજરાતમાંથી કુલ ચાર આગેવાનોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. જયેશ રાદડીયા, બીપીનભાઇ પટેલ (ગોતા) ઉપરાંત મોડાસાના પંકજ નરસીભાઇ પટેલ તથા માણાવદરના વિજય દેવજીભાઇ ઝાટકીયાએ પણ ઉમેદવારી કરી છે.

સહકારી સૂત્રોના કહેવા પ્રમાણે જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યુ અને બીપીન પટેલ નામનો ભાજપે મેન્ડેટ જારી કર્યો હોવાથી ઉત્તેજના ઉભી થઇ હતી. ભાજપ દ્વારા નિર્ણયમાં પેરફાર કરાશે કે કેમ તે વિશે પણ અટકળો-ચર્ચાએ જોર પક્ડયું હતું. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સમક્ષ રજુઆતો પણ થવા લાગી હતી.

હવે એવા નિર્દેશ સાંપડ્યા છે કે બીપીન પટેલના નામનો મેન્ડેટ ઇસ્યુ કરનાર ભાજપ દ્વારા નિર્ણય બદલાવવામાં આવશે. જયેશ રાદડીયાનું નામ ફાઇનલ થયાનું નિશ્ર્ચિત છે અને બીપીન પટેલને ઉમેદવારી પાછી ખેંચવાની સુચના અપાશે. ઇફ્કોમાં આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થવાની છે અને શુક્રવારે તા.3ના રોજ ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે તે દરમ્યાન વિધિવત નિર્ણય થઇ જવાની સંભાવના છે.

માહિતગાર સુત્રોએ કહ્યું છે કે સહકારી મંત્રાલયનો હવાલો સંભાળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની જામકંડોરણાની મુલાકાત બાદ ચિત્ર બદલાયું હતું. ચૂંટણી જાહેરસભા કરનારા અમીત શાહે બાદમાં રાદડીયાના નિવાસે ભોજન લીધું હતું. આ વખતે મનસુખ માંડવીયા, ઇફ્કોના દિલીપ સંઘાણી વગેરે પણ હાજર હતા. ચૂંટણીનો મુદ્ો ઉપસ્થિત થયો હતો અને તેમાં ‘ચિંતા નહીં કરવાની’ બાહેંધરી આપવામાં આવી હતી. હવે જયેશ રાદડીયાને જ ત્રીજી ટર્મ માટે ઇફ્કોના ડાયરેક્ટર બનાવવાનું નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે.

ઇફ્કોનું ચૂંટણી ચિત્ર આગામી 3 મેને શુક્રવારે સ્પષ્ટ થવાનું છે. ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે 9 મેના રોજ યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણીમાં ગુજરાત સિવાય પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, તામીલનાડુ, બિહાર જેવા રાજ્યોની બેઠકો માટે પણ ફોર્મ ભરાયા છે. કુલ 50 ઉમેદવારોના 97 ફોર્મ ભરાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj