સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું : વિવિધ સ્થળે 0.5 થી 2 ઇંચ

Gujarat, Saurashtra | Rajkot | 28 June, 2024 | 11:45 AM
કેશોદમાં વિજળી પડતા શ્રમિકનું મોત નિપજયું : બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, કચ્છમાં 1 થી 2 ઇંચ : ખંભાળીયામાં સવા, ભાવનગર જિલ્લામાં એક થી સવા, સોરઠમાં 0.5 થી 1 ઇંચ : જુનાગઢનો આણંદપુર ડેમ ઓવરફલો
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી વરસાદનું જોર થોડુ ઓછું થવા પામ્યું છે અને 114 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડવા પામ્યો હતો. જુદા જુદા જિલ્લાઓમાં 0.2 થી 2 ઇંચ સુધીનો જ વરસાદ પડવા પામ્યો હતો. 

સ્ટેટ ઇમરજન્સી સેલનાં જણાવ્યા મુજબ સાબરકાંઠાનાં પોશીના અને બનાસકાંઠાનાં દાંતીવાડામાં ર ઇંચ, વલસાડના ઉમરગામમાં દોઢ ઇંચ તેમજ કચ્છનાં ભુજમાં પણ દોઢ, નખત્રાણામાં દોઢ, માંડવીમાં સવા, બોટાદમાં એક ઇંચ, ગઢડામાં સવા, ડિસામાં 1 ઇંચ તથા તાપી, પાટણ, અરવલ્લી, મહિસાગરમાં 0.5-0.5 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો.

♦ ખંભાળીયા
ખંભાળિયા પંથકમાં અવિરત રીતે જારી રહેલા બફારા અને વરસાદી વાતાવરણ બાદ ગઈકાલે ગુરુવારે બપોરે પુન: ધીમા તથા ભારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે 4 વાગ્યા સુધી માં 19 મી.મી. પાણી વરસી જતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ 9 અને દ્વારકામાં 2 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો છે. ખંભાળિયા તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ 390 મી.મી. વરસાદ થયો છે. જ્યારે ભાણવડ 108, કલ્યાણપુર 67 અને દ્વારકા તાલુકામાં કુલ 46 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલે ગુરૂવારે બપોરે વીજળીના ગડગડાટ સાથે વરસેલા વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ તમે રહેતા અને કેશોદ ગામના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા પરપ્રાંતીય શ્રમિક બલ્લુભાઈ મેહતાબ અલાવા નામના 52 વર્ષના આધેડના વાંસાના ભાગે આકાશી વિજ ત્રાટકતા તેમને ઈમરજન્સી 108 ના સ્ટાફે સી.પી.આર. સારવાર આપી.

અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જે અંગેની જાણ મૃતકના પત્ની રૂખડીબેન અલાવાએ અહીં પોલીસને કરી છે.

આ ઉપરાંત અન્ય એક ગ્રામ્ય વિસ્તારમાં આકાશી વીજ ત્રાટકતા કેટલાક પશુઓના પણ મોત નિપજ્યા હતા. આજરોજ સવારથી રાબેતા મુજબ વરાપ નીકળ્યો હતો અને ગરમી સાથે સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.

♦ ભાવનગર
ભાવનગર શહેરમાં પણ ગત બપોરે ધોધમાર સવા ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે જિલ્લાના ઘોઘા, મહુવા અને શિહોર પંથકમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. પાલીતાણા, ઉમરાળા અને તળાજામાં અડધો -અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

ગોહિલવાડ પંથકમાં  સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં  ઝરમર ઝરમર વરસાદ આવ્યા બાદ બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવા ઇંચ થી વધુ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જિલ્લા ના ઘોઘા , મહુવા અને શિહોર પંથકમાં પણ  સારો વરસાદ પડ્યો હતો. 

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુર 27, ઉમરાળા 14, ભાવનગર શહેર 33, ઘોઘા 26, સિહોર 20, ગારીયાધાર 2, પાલીતાણા 11, તળાજા 9, મહુવા 26 અને જેસરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.

♦ જુનાગઢ
ગઇકાલે ભારે ઓરેન્જની આગાહી હોવા છતાં માત્ર માણાવદર ખાતે એક ઇંચ (25 મીમી) વરસાદ નોંધાયો હતો. મેંદરડા ખાતે 18 મીમી વરસાદને બાદ કરતા અન્ય તાલુકાઓમાં જુનાગઢ ગ્રામ્યમાં 5 મીમી, ભેંસાણ 7 મીમી, વિસાવદર 9 મીમી, માળીયાહાટીનામાં 2 મીમી, જુનાગઢ શહેરમાં પ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે વંથલી, કેશોદ, માંગરોળમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. 

જુનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો આણંદપુર ડેમ ગિરનાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ત્રણ દિવસમાં આણંદપુર ડેમ ઓવરફલો થતા નગરજનોમાં આનંદનની લાગણી જોવા મળી રહી છે. હજુ મોટા ભાગના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ ન પડતા ખેડુતો ચિંતામાં મુકાય જવા પામ્યા છે. આકાશ સતત કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહે છે પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા ન હોવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે. 

જામનગર
જામનગરમાં અસહ્ય બફારા વચ્ચે શુક્રવાર સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન  2 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 34 ડીગ્રીએ સ્થિર રહ્યું. હતું. જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા નોંધાયું છે. પવનની ગતીમાં એક કિમીનો વધારો થતાં પ્રતિકલાક 5.8 કિમિ ઝડપ રહી હતી.દિવસભર વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મુકીને  ન વરસતા લોકો ગરમી અને બફારાથી અકળાયા છે.

દરમ્યાન જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે  ઠેર ઠેર ભારે મેઘાડંબર છવાયો હતો.જેમાં -ધ્રોલ પંથકમાં પોણો ઇંચ વરસાદ સાંજ સુધીમાં વરસ્યો હતો. જયારે જોડીયામાં અડધો ઇંચ તેમજ  કાલાવડ, લાલપુરમાં  હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. જામનગર શહેરમાં નગરસીમ વિસ્તારમાં વરસાદ થી રોડ ઉપર પાણી ચાલતા થયા હતા.આમ જામનગરમાં શ્રવણી વરસાદ થયો હતો.

જામનગર શહેરમાં સવારથી વરસાદી માહોલ વચ્ચે સમયાંતરે હળવા છાંટા વરસ્યા હતા.જયારે ધ્રોલમાં  વરસાદના આગમન સાથે સાંજ સુધીમાં 20 મીમી પાણી વરસ્યુ હતુ.જોડીયામાં અડધો ઈંચથી વધુ વરસાદ પડયો હતો.જયારે કાલાવડ-લાલપુરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj