પ્રદેશ ભાજપના પ્રમુખપદ માટે રાહુલને ભારે પડનારા મોદીનું નામ ઉપસ્યુ: અમિત શાહ સાથે બેઠક કરી

Gujarat, Politics | Ahmedabad | 29 June, 2024 | 09:34 AM
ઓબીસી ચહેરામાં જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક અને પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં: કારોબારીમાં જાહેરાતની શકયતા
સાંજ સમાચાર

અમદાવાદ,તા.29
દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા સાથે વ્યુહાત્મક બેઠક યોજી હતી. જેથી ગુજરાતમાં કેટલીક રાજકીય અટકળોએ જોર પકડયું છે.

વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં જળસંપદા મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે એટલે હવે નવા પ્રમુખના ચહેરાની ચાલી રહેલી અટકળોમાં મોદીનું નામ પણ ઉમેરાયું છે.

રાજયમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ છે ત્યારે નવા પ્રમુખ પદે ઓબીસી સમાજમાંથી ચહેરો પસંદ થઈ શકે છે. આ ચહેરાઓમાં વર્તમાન સહકાર રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગાંધીનગર લોકસભાના પ્રભારી રાજયસભાના સાંસદ મયંક નાયકના નામો હાલ ચર્ચામાં છે.

ભાજપની વિસ્તૃત કારોબારી આગામી 4-5 જુલાઈના રોજ સાળંગપુર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાનાર છે ત્યારે કાર્યકારી પ્રમુખની વરણી કરાય એવી સંભાવનાઓ છે ત્યારે હવે જોવાનું રહે છે કે ભાજપ નેતૃત્વ કોના ઉપર કળશ ઢોળે છે.

આ અટકળો વચ્ચે સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નવી દિલ્હી પહોંચી કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી અને આ પછી ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાની સાથે પણ મુલાકાત કરી કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

આ મુલાકાતને સમર્થન આપી પુર્ણેશ મોદીએ વધુ કોઈ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ એમના નજીકના સુત્રો કહે છે કે, આગામી સમયમાં મોદીને કોઈ મહત્વની જવાબદારી મળી શકે છે.

આગામી સમયમાં ભાજપ સંગઠન અને સરકારમાં કેટલાક ફેરફારોની અટકળો છે એમાં મોદીને સંગઠનમાં જવાબદારી મળે છે કે સરકારમાં એ જોવું રહ્યું. મોદી અગાઉ સરકારમાં મંત્રી રહી ચૂકયા છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર વિસ્તૃત કારોબારી વેળા સમગ્ર હકીકત પરથી પડદો ઉંચકાશે ત્યારે થોડી સ્થિતિ સ્પષ્ટ થશે.

અહીં નોંધવું જરૂરી છે કે, પુર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો હતો અને આ કેસમાં રાહુલ ગાંધીનું સંસદ સભ્ય તરીકેનું પદ ગુમાવવું પડયું હતુ. જો કે, કોર્ટે એમને થોડા દિવસો પછી ફરીથી સાંસદ તરીકે યથાવત રાખતો ચૂકાદો આપ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj