રાજકોટમાં રૂ. 185 કરોડના ખર્ચે 4 નવા ફ્લાય ઓવર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નિર્માણ થશે

Gujarat | Ahmedabad | 28 June, 2024 | 07:21 PM
ભાવનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૪૫.૬૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી
સાંજ સમાચાર

► શિહોરમાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ. 8.31  કરોડ અને ગોંડલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા રૂ. 6.92 કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ

► માળિયા-મિયાણા નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે સી.સી રોડ નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂ.૧૮૫ કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ.247.92 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

તદઅનુસાર, કુલ રૂ. 185.79 કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-૨ નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, 150 ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના ૩૧ અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે 45.69 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

એટલું જ નહીં, નગરોમાં આગવી ઓળખના કામો પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિહોર નગરપાલિકામાં આવા આગવી ઓળખના કામ તરીકે ટાઉનહોલ બનાવવાના હેતુસર રૂ.8 કરોડ 31 લાખ 50 હજારના કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે રૂ. 6 કરોડ 92 લાખ 84 હજારના કામો મંજૂર કર્યા છે.

‘ડ’ વર્ગની નગરપાલિકા માળિયા-મિયાણાને આઉટ ગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના ચાર કામ માટે બે કરોડ રૂપિયાના કામોની અનુમતિ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરોની માળખાકીય સુવિધાઓને પરિપૂર્ણ કરવાના હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી બનાવેલી છે.

વર્ષ 2009-1૦ થી 2023-24 સુધીમાં રૂ. 55 હજાર કરોડની બજેટ જોગવાઈઓ આ યોજના અન્વયે કરવામાં આવી છે. આ બજેટ ફાળવણી અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા, રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ નિર્માણ સહિતના જન સુખાકારીના કામો રાજ્યના નગરો-મહાનગરોમાં હાથ ધરવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj