આઇપીએલમાં બેંગ્લોરની સૌથી મોટી જીત : જેકસની તોફાની સદીથી 201 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં પાર કરી લીધો

India, Sports | 29 April, 2024 | 12:46 PM
♦ જેકસની માત્ર 42 દડામાં અણનમ સદી : પ્રથમ ફિફટી 31 દડામાં કર્યા બાદ બાકીના 50 રન માત્ર 11 દડામાં ઝુડયા
સાંજ સમાચાર

♦ ગુજરાતની હોમ ગ્રાઉન્ડમાં વધુ એક હાર : બેંગ્લોરે માત્ર 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો 

અમદાવાદ, તા. 29
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલા આઇપીએલના મેચમાં બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સની હાર થઇ હતી. 201 રનનો જીતનો ટાર્ગેટ બેંગ્લોરે માત્ર 16 ઓવરમાં પાર કરી લીધો હતો. જેકસે માત્ર 42 દડામાં સદી ફટકારીને બેંગ્લોરને આસાન જીત અપાવી દીધી હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ દાવમાં ઉતરીને નિર્ધારીત 20 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા હતા.

ઓપનર સહા  માત્ર પાંચ રને તથા કપ્તાન ગીલ 16 રન બનાવીને આઉટ થયા બાદ સાંઇ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવીડ મીલરે તોફાની રમત સાથે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયું હતું. સાંઇ સુદર્શને 49 દડામાં 4 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે  અણનમ 84 રન કર્યા હતા જયારે શાહરૂખે 30 દડામાં પાંચ છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 58 રન બનાવ્યા હતા. મીલર 19 દડામાં 26 રન બનાવીને અણનમ રહ્યો હતો.

200 રનના જીત ટાર્ગેટ સાથે મેદાને પડેલી બેંગ્લોરની ટીમે માત્ર 16 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને 206 રન  બનાવી લીધા હતા અને સૌથી મોટો વિજય હાંસલ કર્યો હતો. બેંગ્લોરના કપ્તાન ડુપ્લેસીસ 24 રન બનાવીને આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વીલ જેકસે તોફાની રમત સાથે રનચેજ કરી લીધા હતા. ખાસ કરીને વીલ જેકસે બેફામ  ફટકાબાજી સાથે રનનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે 42 દડામાં અણનમ 100 રન ફટકાર્યા હતા તેમાં 10 છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા.

ઇંગ્લેન્ડના આ આક્રમક બેટરે પ્રથમ 17 રન 17 દડામાં બનાવ્યા હતા પરંતુ ત્યાર પછીના 24 દડામાં 83 રન ઝુડી કાઢયા હતા. જેકસે પ્રથમ ફિફટી 31 દડામાં કરી હતી પરંતુ ત્યારપછીના 50 રન માત્ર 11 દડામાં જ ઝુડી કાઢયા હતા. 41 દડામાં આ પાંચમા નંબરની સૌથી ઝડપી સદી બની છે. વિરાટ કોહલી અને જેકસે બીજી વિકેટમાં 74 દડામાં 166 રનની અણનમ ભાગીદારી કરી હતી અને વર્તમાન સિઝનની આ સૌથી મોટી ભાગીદારી બની હતી. વિરાટ કોહલીએ અણનમ 70 રન બનાવ્યા હતા. 44 દડામાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે આ સ્કોર કર્યો હતો. 

14 વર્ષ પછી બેંગ્લોરને પ્રથમ વખત 200થી વધુ રનનો રનચેજ મળ્યો હતો અને તે તેણે પાર પાડયો હતો. આ પૂર્વે 200થી વધુના રનચેજમાં તેણે 16 મેચ ગુમાવ્યા હતા. 
અણનમ 70 રન ઝુડનાર વિરાટ કોહલીની વર્તમાન સિઝનમાં 500થી વધુનો સ્કોર થઇ ગયો છે. વર્તમાન સિઝનમાં પ00થી વધુ રન બનાવનાર પ્રથમ ક્રિકેટ બન્યો છે. ચોથી વખત ફિફટી ફટકારી છે. 500થી વધુની સ્કોરમાં  તેેણે 46 ચોગ્ગા અને 26 છગ્ગા ફટકાર્યા છે. આઇપીએલમાં સાતમી વખત તેણે આ સિધ્ધિ હાંસલ કરીને ડેવીડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj