પીપલાણા ગામે ઘર અને સ્મશાનમાં પાણી ઘુસી ગયા : કમરડૂબ પાણીમાંથી અંતિમયાત્રા કાઢવી પડી..

માણાવદરના પીપલાણા, મતિયાણા, રાજુલા, જાફરાબાદ પંથક જળબંબાકાર

Saurashtra | Junagadh | 03 July, 2024 | 12:04 PM
વંથલી પંથકમાં ભારે તારાજી : અમરેલી જિલ્લામાં ખાનાખરાબી : ટીંબીમાં સ્લેબ તુટયો : વૃક્ષો પડતા અનેક હાઇવે પર વાહન વ્યવહાર બંધ : ઘણા ગામો હજુ પાણી વચ્ચે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 3
જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ માણાવદર, વંથલી અને પોરબંદરના ઘેડ પંથકને ધોઇ નાંખ્યો છે. માણાવદરના પીપલાણા ગામમાં ઘર સાથે સ્મશાનમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ  પંથકમાં પણ ભારે વરસાદથી તારાજી થવાના અહેવાલ છે. 
જૂનાગઢ જિલ્લામાં રવિવાર રાતથી જ અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. વંથલી તાલુકામાં 14.5 ઈંચ તો માણાવદરમાં 16 ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે. માણાવદર તાલુકાના પીપલાણું ગામ ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. રસ્તાની સાથે લોકોના ઘરો અને સ્મશાનમાં પણ કેડ સમાણા પાણી ભરાઈ ગયા છે. એવામાં અંતિમ સંસ્કાર માટે પણ સ્વજનોએ પાર્થિવ દેહને ગામની બહાર લઈ જવાની ફરજ પડી હતી.

માણાવદરમાં ધોધમાર વરસાદથી પીપલાણા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ખેતરો, ઘરો અને રસ્તોઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે સોમવારે સાંજે ગામમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. એવામાં સ્વજનોએ કમરડૂબ પાણીમાં અંતિમયાત્રા કાઢવી પડી હતી. ગામના સ્મશાને પહોંચતા ત્યાં પણ કમર ડૂબ પાણી ભરાયેલા હતા. એવામાં ગામની બહાર સોનાપુરીના સ્મશાન ખાતે તેમને અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. તંત્રને જાણકારી મળતા જ અમે બોટની વ્યવસ્થા કરી હતી. પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કંઈક અલગ જ વાત જણાવી રહ્યા છે.

તો બીજી તરફ ઘેડના મતિયાણા ગામમાં પણ ભારે વરસાદ બાદ ગામની ચારે તરફ પાણી ભરાયા હતા. આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એમ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદથી મતિયાણા ગામમાં ખેતરોમાં તથા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
 

અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લામાં રાત્રીના પડેલા વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્થ જોવા મળ્યું. રાજુલા પંથકમાં રાત્રીના પડેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હતો. રાત્રીના સમયે 3 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ ખાબકતા જળબંબાકાર થયો હતો જયારે રાજુલા- વાવેરા રોડ ઉપર આવેલ પીપરનું મહાકાય વૃક્ષ ધરાશય થતા વાહન વ્યહાર ખોરવાયો હતો. 

રાત્રીના 3 વાગ્યા આસપાસ વૃક્ષ પડતા માર્ગ બંધ થતાં વ્હેલી સવારે રાજુલા સામાજિક વનીકરણ રેન્જ આર.એફ.ઓ. મકરાણીની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવા માર્ગ ફરીવાર શરૂ કરવામાં આવ્યો હતો. જાફરાબાદના બાબરકોટ નજીક પણ એક વૃક્ષ ધરાશય થયું હતું ઉપરાંત રાજુલાના ધારાનાનેસ ગામમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું. ઉપરાંત રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ ઉપર પ્રેસિડેન્ટ હોટલ નજીક પડતર ગેરેજની કાર ઉપર વૃક્ષધરાશાયી થતા કારને નુકસાન થયું હતું. પીજીવીસીએલના વીજ વાયરો તૂટતા વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.  પીજીવીસીએલ ટીમ દ્વારા  વીજ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા વૃક્ષ હટાવવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. કોઈ દુર્ઘટના બની નથી જેના કારણે કોઈ વ્યકિતને ઇજાઓ થઈ નથી.
 

જમાત
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં મન્સૂરી કાઠીયાવાડી જમાતનો જુના મકાનનો સ્લેબ તૂટતા અફડા તફડી સર્જાય હતી. વહેલી સવારે પવન સાથે વરસાદ પડતાં સ્લેબ તૂટયો હતો અને આસપાસ રહેલ દુકાનોમાં પણ નુકસાન ગયું છે. પરંતુ આ ઘટનામાં કોઈને ઇજા નહિ થતા લોકોએ રાહત અનુભવી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણીઓ દોડી આવ્યા હતા.

ભારે પ્રથમ વરસાદમાં રાજુલાના હિંડોરણા બ્રિજ ઉપર ધોવાણ થતા લોખંડના સળિયા દેખાય ગયા હતા અને ગાબડું પડતા નબળી ગુણવત્તાનું કામ બહાર આવતા ઓથીરિટીની પોલ ખુલતા વાહન ચાલકો ઉપર અહી જોખમ વઘ્યું છે. હાઇવે ઉપર ખાડો પડવાના કારણે અહીં અકસ્માતની ભીતિ વધી છે. અહીં હાઇવે ઉપર વરસાદના કારણે  અનેક જગ્યાએ ધોવાણ થયાનું સામે આવી રહ્યું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj