♦કાલે ગાયત્રી જયંતીના વેદમાતા ગાયત્રીનું પૂજન અને આરાધના અત્યંત લાભદાયક રહે છે

આવતીકાલે ભીમ અગિયારસ તથા ગાયત્રી જયંતી

Dharmik | Rajkot | 17 June, 2024 | 12:19 PM
♦ભીમ અગિયારસના એકાદશીનું વ્રત રહેવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે
સાંજ સમાચાર

રાજકોટ,તા.17
આવતીકાલે ભીમ અગિયારસ તથા વેદમાતા ગાયત્રીજયંતી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાયત્રી જયંતીની ઉમંગભેર ઉજવણી થશે.દર ભીમ અગિયારસના દિવસે ખેડૂતો વાવણી કરે છે.
 

ભીમ અગિયારસ :-
પાંડવોમાં ભીમસેન એક દિવસ પણ ભોજન વગર રહી શકતા નહીં અને એક પણ વ્રત કરી શકતા નહીં આથી ભીમસેન વેદવ્યાસજી ને પોતાની વેદના કહે છે ત્યારે વેદવ્યાસજી કહે છે કે જયારે સૂર્ય વૃષભ રાશિમાં હોય એટલે કે જેઠ સુદ અગિયારસના દિવસે જે કોઈ મનુષ્ય આ દિવસના સૂર્યાદય થી બારસ તિથિના સૂર્યોદય સુધી જલ લીધા વગર આખો દિવસ અને રાત્રી વ્રત કરે છે તે મનુષ્યને આખા વર્ષની એકાદશીનું ફળ મળી જાય છે આમ ભીમસેન આ એકાદશીનું વ્રત કરે છે આથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે.

પૂજન વિધી : ભીમ અગિયારશનાં દિવસે આખો દિવસ કાંઈ પણ ભોજન તથા જળ પણ લીધા વગર રહેવાનું હોય છે આથી જ નિર્જળા એકાદશી કહેવાય છે. આમ વ્રત ન કરી શકાય તો ઉપવાસ જરૂર કરવો.

સવારનાં વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી સ્નાન કરતી વખતે ગંગા, જમના, સરસ્વતી નદીનાં નામ બોલી સ્નાન કરવું ત્યારબાદ સૂર્યને અર્ધ્ય આપવું. બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ચોખા પધરાવી રાધા-કૃષ્ણ ભગવાનની છબીની સ્થાપના કરવી. ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા વસ, ફુલ, અબીલ, ગુલાલ, કંકુ, ધુપ, દીપ,નૈવૈધમાં કેરી ખાસ અર્પણ કરવી, આરતી કરી પ્રાર્થના કરવી કે મારા જીવનમાં કોઈ દિવસ મુસીબત ન આવે. આ બધુ પૂજન કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનાં જપ બોલવા. પૂજન પૂર્ણ થયા બાદ એકાદશીની કથા સાંભળવી અને ત્યારબાદ પીપળે પાણી રેડવું અને પ્રદક્ષિણા ફરવી. સાંજનાં સમયે ભગવાનનું કિર્તન કરવું. રાત્રીના જાગરણ કરવું. આમ નિર્જળા એકાદશીનું વ્રત રહેવાથી જીવનમાં કોઈપણ દિવસ મુસીબત આવતી નથી.

આમ ભીમ અગિયારશ નુ વ્રત રહેવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. ભીમ અગિયારશનાં દિવસે ગરીબો અને બ્રાહ્મણોને દાન- દક્ષિણા આપવી ઉત્તમ ફળદાયક છે. તથા આ દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરાવી પણ ઉત્તમ ગણાય છે ભીમ અગિયારસ નું વ્રત રહેવાથી આરોગ્ય સારું રહે છે અને ભાગ્યોદય થાય છે મુસીબતનો સામનો કરવાની શક્તિ મળે છે

મંત્ર જપનું ફળ : ભીમ અગિયારશનાં દિવસે આખા દિવસ દરમ્યાન ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રની 11માળા શ્રી કૃષ્ણ ભગવાનની સામે બેસી કરવાથી માનસિક શાંતિ મળે છે અને દુ:ખ દૂર થાય છે.

એકાદશીનો બોધ: દરેક મનુષ્યમાં કોઈને કોઈ ખામી હોય જ છે પરંતુ તે ખામી દુર કરવાનો પુરતો પ્રયત્ન કરવો જોઈએ. જેથી જીવનમાં આગળ વધી શકાય અને મુસીબત આવે નહી. ભીમસેન મા એ ખામી હતી કે, તે ભુખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શક્તો નહી પરંતુ નિર્જળા એકાદશીનું પાણી પીધા વગર વ્રત રહી અને આખા વર્ષની એકાદશીનું ફળ મેળવ્યું.
 

વેદમાતા ગાયત્રી જયંતી :-
તે ઉપરાંત આ દિવસે વેદમાતા ગાયત્રી જયંતિ પણ છે આથી આ દિવસનું મહત્ત્વ વધારે રહેશે બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ વેદ માતાગાયત્રી ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવામાં આવે છે આ દિવસે વેદમાતા ગાયત્રીનું પણ પૂજન કરવું જોઈએ.

 માતાજી ગાયત્રી ની ઉત્પતિ બ્રહ્માજીએ કરેલ છે ગાયત્રી મંત્ર ને મહામંત્ર ગણાય છે યોગ્ય વેદ પાઠી ગુરુની સલાહ લઈ અને જ ગાયત્રી મંત્રની સાધના કરવી યોગ્ય ગણાય છે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મંત્ર એટલે ગાયત્રી મંત્ર અને આ મંત્રને કઈ રીતના ઉપાસના કરવાથી તે ફળદાયી બને તે જાણીએ ગાયત્રી મંત્ર. ગાયત્રી સાધના ને સૌથી ઉત્તમ અને ચમત્કારી ફળ આપનારી માનવામાં આવે છે. 

 આ મંત્ર નિરોગી કાયા આપવાની સાથે યશ, પ્રસિદ્ધિ, ધન અને ઐશ્વર્ય આપનારો છે . ગાયત્રી મંત્રની સાધનાથી અધિક લાભ મેળવવો હોય તો તેના માટે મંત્ર સાધનાની યોગ્ય વિધિ અને પૂજાના સમયનું ધ્યાન રાખવું જરૂરી છે.

કારણ કે સરળ અને ત્વરીત ફળદાયી ગાયત્રી સાધના ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેને નિયમ પૂર્વક અને બધા જ વિધિ વિધાન સાથે કરવામાં આવે. ગાયત્રી મંત્રના પઠનમાં મન, કર્મ અને વચનની પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગાયત્રી મંત્ર માટે સવાર નો સમય શ્રેષ્ઠ છે. પરંતુ આ મંત્ર સાંજે પણ કરી શકાય છે. સ્નાન પછી મન અને આચરણ પવિત્ર રાખવું, આ સમયે સ્વચ્છ અને સુતરાઉ કપડાં પહેરવા. ગાયત્રી મંત્રની માળા કરવા બેસો ત્યારે બેલ્ટ મોબાઈલ, પર્સ જેવી વસ્તુઓ સાથે રાખેલી ન હોવી જોઈએ . માળા માટે તુલસી અથવા ચંદનની અથવા તો રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો. ગાયત્રી મંત્રની માળા કરવાની હોય ત્યારે સાત્વિક ભોજન કરવું. બપોરના સમયે આરામ કરવો નહીં ઉપવાસ અથવા એકટાણું રહેવું 
(શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્ન)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj