જૈન જયંતી શાસનમ્: શનિવારે જિનશાસનનો સ્થાપના દિવસ: ગણધર ભગવંતોનો દીક્ષા દિન

Dharmik | Rajkot | 16 May, 2024 | 03:19 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.16
વૈશાખ સુદ અગિયારસ જિન શાસનનો 2580 મો સ્થાપના દિવસ. જૈન શાસ્ત્રોની ગૂંથણી કરનાર ગણધર ભગવંતોનો પણ દીક્ષા દિવસ.જૈન દર્શનમાં જે જે તીર્થકરો થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતાં પણ માત્ર તીર્થનો પુનરૂધ્ધાર કરે છે.પ્રભુ મહાવીર પણ અનંતા તીર્થકરોની પરંપરાને અનુસર્યા. અત્યારે વિશ્વમાંમહાવીરના નામે અનેક લોકો પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે.

જૈન આગમ શ્રી સૂયગડાંગ સૂત્રમાં ઉલ્લેખ છે કે જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીર્થકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીર્થકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીર્થકર પરમાત્મા પણ આ જ  ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.આ અહિંસામય ધર્મ જ ધ્રુવ અને શાશ્વત છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ 30 માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વર્ષ અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આર્ય તેમજ અનાર્ય ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ - ગજબની સાધના - આરાધના કરી.

કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે શ્યામક ગાથાપતિની સુથાર શાળામાં ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર ગોદુ આસને વૈશાખ સુદ દશમના પ્રભુને  કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે ધર્મ દેશના અર્થાત ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ ધર્મ દેશના નિષ્ફળ ગઇ કારણકે માત્ર દેવોની જ ઉપસ્થિતિ હતી.અવ્રતી હોવાને કારણે કોઇ જીવાત્માએ વ્રત - પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં,જેને અભાવિત પરિષદ કહેવાય છે.આ ઘટના જૈન દર્શનમાં આશ્ર્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના - સદ્દબોધ આપ્યો.

પાવાપુરીના પુનિત પ્રાંગણે પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ઈન્દ્રભુતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા.અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા. આ જ દિવસે તારક તીર્થકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે કે સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા.પ્રભુના શાસનમાં 14000 શ્રમણો,36000શ્રમણીઓ,159000 શ્રાવકો તથા 318000 શ્રાવિકાઓ હતી.પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રમાં ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્મા સમાન વ્યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીર્થકર ભગવંતો રાખતા હતા.ગૌતમ ગણધર હોય કે ગોશાલક,ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સર્પ હોય.

 પ્રભુએ ફરમાવ્યુ કે... પ્રત્યેક જીવને સુખ પ્રિય છે. દરેક જીવોને જીવન પ્રિય છે,મરવુ કોઈને ગમતું નથી.ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમૃતવાણીની ગૂંથણી કરી આગમ - શાસ્ત્રો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો. જૈન ધર્મમાં આગમ - શાસ્ત્રોનું અનેરુ સ્થાન છે. આગમ એ અરિહંત તીથઁકર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત. પ્રભુની અનંતી કૃપાથી જ વર્તમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે. વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો 2580મો સ્થાપના દિવસ છે તથા આગમ - શાસ્ત્રોની ગૂંથણી કરનાર ઉપકારી 11 ગણધર ભગવંતોનો દિક્ષા દિવસ પણ છે.પ્રભુ મહાવીર નિર્વાણ પધાર્યા ને 2550 વર્ષ થયા,હજુ પંચમ આરાના 18450 વર્ષ આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું,વિજયવંતુ,જયવંતુ રહેવાનું છે તેમ મનોજ ડેલીવાળા ( મો.98241 14439) એ જણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj