અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘ મહેર : 1 થી 5 ઇંચ વરસ્યો

Saurashtra | Amreli | 02 July, 2024 | 11:12 AM
નદી-નાલાઓ વહેતા થયા : નાના-મોટા ચેકડેમો, તળાવો છલકાયા
સાંજ સમાચાર

♦ગ્રામ્ય વિસ્તારો નદીઓમાં પુર આવતા વાહન  વ્યવહારને અસર : સૌથી વધુ બગસરામાં પાંચ ઇંચ : જળાશયોમાં નવા નીર આવ્યા

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 2
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘાવી માહોલ જામેલ હોય. અમરેલી જિલ્લામાં છેલ્લા 1ર કલાક દરમિયાન અમરેલી, વડીયા, લાઠી, લીલીયા, સાવરકુંડલા, બાબરા, ખાંભા, બગસરા, જાફરાબાદ, રાજુલા સહિતના પંથકમાં હળવાથી લઈ ઘોઘમાર પાંચ ઇંચ વરસાદ પડયો હતો.

અમરેલી પંથકમાં ગત શુક્રવારથી શરૂ થયેલ વરસાદ ગઈકાલે ચોથા દિવસે મેઘાવી માહોલ જામતા અમરેલી શહેરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડતાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદથી પાણી ભરાયાં હતા. જયારે અમરેલીના ઉપરવાસમાં વરસાદ પડતાં અમરેલી નજીક આવેલ ઠેબી ડેમમાં નવા નીરની આવક થવા પામેલ છે. જયારે અમરેલી તાલુકાના લાલાવદર, લીલીયાનું ગોઢાવદર, શેઢાડા, સલડી ગામોમાં મેઘમહેર જોવા મળી હતી.

લાઠી શહેરમાં વહેલી ગઈકાલે સવાર બાદ ફરી એક વાર ઘોઘમાર વરસાદ શરૂ થયો હતો. જેને લઈ લાઠી શહેરની બજારમાં વરસાદી પાણી વહેતા થયા હતા.લાઠી શહેરમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જયારે લાઠીના શેખ પીપરીયામાં પ ઇંચ વરસાદથી શેખ પીપરીયા પાણી પાણી થઈ જવા પામેલ હતું. આમ ગામ અને પાદર વચ્ચે પાણી ભરાયાં હતા. જેને લઈ શેખ પીપરીયા ગામની મઘ્યમાંથી વ્હેતી ગાગડીયો નદીમાં પૂર આવતાં શેખ પીપરીયાથી હરસુરપૂર દેવળીયા જવાનો માર્ગ બાધિત થવા પામેલ હતો. જેને પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની ગઈકાલે શરૂઆત થવા પામી છે.જેમાં સાવરકુંડલા તાલુકાના છાપરી, લીખાળા, ખડસલી, વિજપડી સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં  ધોધમાર વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી.

અમરેલી ફલડ કંટ્રોલરૂમ ખાતે ગઈકાલ સવારે 6 વાગ્યાથી આજે સવારે 6વાગ્યા વાગ્યા સુધીમાં વડિયામાં  મી.મી., બાબરામાં ર5 મી.મી.,  લાઠીમાં રપ મી.મી., લીલીયામાં 49 મી.મી.,  અમરેલીમાં 52 મી.મી., બગસરામાં 120  મી.મી., ધારીમાં 65 મી.મી., સાવરકુંડલામાં 22 મી.મી.  તથા ખાંભામાં 109 મી.મી.,  જાફરાબાદમાં 59 મી.મી. તથા રાજુલામાં 139 મી.મી. વરસાદ નોંધાયો હતો. 

બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા-જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે. બગસરાથી હડાળા શોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

બાબરામાં ચોમસાની સીઝનમાં સૌથી પહેલા સારો વરસાદ મધરાતે પડી જતા શહેર સહિત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. બાબરામાં મોડી રાતથી વ્હેલી સવાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરની કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ધોધમાર વરસાદ પડતાં લોકો બહાર નીકળી ગયા હતા અને પુરનું પાણી ઘરમાં અને દુકાનમાં ન ઘૂસી જાય અને કોઈ નુકસાન ન થાય તે માટે અહીં નદી કાંઠે દુકાન ધરાવતા લોકો તેમજ રાહદારીઓ સલામત સ્થળે સર સામાન મુકવા લાગ્યા હતા. વરસાદના કારણે કાળુભાર નદીનું પાણી નદી કાંઠે રહેતા લોકોનાંફળિયામાં તેમજ શિવાજી ચોક સુધી આવી ગયું હતું. જોકે અન્ય કોઈ નુકસાન નહિ માત્ર અહીંપાર્ક કરેલ ફોર વહીલમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું હતું.

સારા વરસાદના કારણે બાબરામાં શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે આવેલ પંચકુંડ પણ ભરાય જતા અહીં  દર્શને આવતા શ્રઘ્ધાળુમાં હરખ ની લાગણી પ્રસરી ગઇ હતી.

બીજી તરફ તાલુકામાં તમામ ગામમાં સારો વરસાદ પડતાં વાંડળીયા, ફુલજર, ખાખરીયા, દરેડ, ચમારડી, ઘૂઘરાળા, રાણપર, નડાળા, મોટા દેવળીયા સહિત તાલુકાના તમામ ગામડાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. સોમવારે વ્હેલી સવાર બાદ દિવસ દરમિયાન પણ વરસાદનો માહોલ રહેતા એક થી દોઢ ઇંચ ફરી વરસાદ પડતાં દિવસ-રાતનો પાંચથી સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો અને કાળુભાર નદી સતત વહેતી રહી હતી.

રવિવાર રાતથી અમરેલીના વડિયા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહૃાો છે. આમ સોમવારે સાંજે પ વાગ્યા સુધીમાં પ ઈંચ વરસાદ નોંધાયો છે. વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ગણાતા સુરવો ડેમ પણ તળિયા ઝાટક હતો પણ તેમા 6 ફૂટ! નવા નિરની આવક થઈ છે. તો વડિયાની ભાગોળે આવેલા સાંકરોળી ડેમમાં 10 ફુટ નવા નિરની આવક થતા સમગ્ર પંથકમાં અવિરત મેંઘ સવારીથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે અને લાપસીનાં આંધણ મુકાતા જોવા મળી રહૃાા છે.

ખાંભા ગીરમાં ખેડુતો લાંબા સમયથી કાગ ડોળે  વાવણી લાયક વરસાદની રાહ જોઈ બેઠા હતા ત્યારે સોમવારે બપોર બાદ સારો વરસાદ પડીયો હતો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને અને ખાંભા ગીરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા  અને માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા ખાંભા શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો પીપળવા તાતણીયા નાનુડી બોરાળા કંટાળા બાબરપરા ખડાધાર ડેડાણ સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડીયો હતો ગીરના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj