શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનની અજોડ સિધ્ધિ

શસ્ત્રો અને હથિયાર વિનાના વીરપ્રભુના સિધ્ધાંતોના જ પ્રભાવ નીચે ઉત્તરકાળના હિંસાવાન ધર્મોને પણ અહિંસાના ગીતો ગાવા મજબુર થવું પડયું

Dharmik | 20 April, 2024 | 11:59 AM
સાંજ સમાચાર

શ્રમણ ભગવાન મહાવીરનું નામ પડે એટલે કેટલી બધી વાતો યાદ આવે. ભગવાનની સામે ફૂંફાડા મારતો ચંડકોશિયો નાગ દેખાય. ભગવાનને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસનાં પારણાં કરાવતી ચંદનબાળા દેખાય. ભગવાનનાં ચરણોમાં આળોટતા રાજાઓ દેખાય. કુબેરના ખજાના સમી સંપત્તિને છોડીને ભગવાનનાં ચરણોમાં ફકીરીની અમીરી સ્વીકારતા શાહુકારો દેખાય.

પગની પાની સુધી પહોંચતા લાંબા અને કાળાભમ્મર વાળનું સૌન્દર્ય ધરાવતી અપ્સરા જેવી ક્ધયાઓ ક્ષણભરમાં કેશલોચ કરીને ભગવાનનાં ચરણોમાં સાધ્વીજીવનનો સ્વીકાર કરીને ખુલ્લા પગે વનવગડામાં બાવળની અણીદાર શૂળો વાગવાની ચિંતા કર્યા વિના આત્માની મસ્તીમાં ચાલતી દેખાય. એક તરફ ધન્ના અણગાર જેવા તપસ્વી હોય, બીજી બાજુ પૂણીયા શ્રાવક જેવા સમતાના સાગર હોય. એક તરફ બાળક અતિમુક્ત હોય, તો બીજી તરફ બાળક જેવા ગૌતમસ્વામી હોય! સ્વભાવથી સરળ અને જ્ઞાનથી મહાન એવા ગૌતમસ્વામી એક નાના બાળકની જેમ ભગવાનને સવાલો પૂછતા હોય, ઘણીવાર તો એમના સવાલો પણ નાના બાળક જેવા જ હોય! અને ભગવાન મહાવીર પૂરી ગંભીરતાથી એના ઉત્તરો આપતા હોય.

આ બધાં દ્રશ્યો ભગવાન મહાવીરના સ્મરણે તાજાં થાય છે. ક્ષત્રિયકુંડના રાજસિંહાસનને છોડીને આમજનતાના હૃદયસિંહાસન ઉપર બેસનારા ભગવાન મહાવીરે માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં સમગ્ર ભારતવર્ષની વૈચારિક કાયાપલટ કરી એ બનાવ વેદકાળના આરંભથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર છે. ‘એક હાથમાં ધર્મગ્રન્થ અને બીજા હાથમાં હથિયાર’ જેવી જબરજસ્તીથી નહીં પરંતુ એક આંખમાં કરુણા અને બીજી આંખમાં પ્રેમના પારાવાર જેવી સલૂકાઈથી ભારતવર્ષના ઘડવૈયાઓમાં ઊંચું અને આદરભર્યું સ્થાન પામેલા ભગવાન મહાવીરે જે ધર્મપ્રવર્તન કર્યું એમાં ‘માત્ર મારા શરણે આવ, મારા ધર્મનો સ્વીકાર કર’ એમ કહેવાના બદલે ‘તને ઠીક લાગે તેનો સ્વીકાર કર.’ એ વિચારને કેન્દ્રમાં રાખ્યો. દશવૈકાલિક નામના જિનાગમમાં ‘જં સેયં તં સમાયરે’ એ શબ્દો દ્વારા ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત સચવાયેલો છે.

વિચારની આઝાદી સાથે આચારની નિર્મળતાનો આ એક અજોડ દાખલો છે.

અન્ય ધર્મગ્રન્થો જ્યારે હિંસા અને બલિદાનો દ્વારા ભગવાનને ખુશ કરવાની વાતો કહેતા હતા ત્યારે ભગવાન મહાવીરે અહિંસા દ્વારા આત્માને પ્રસન્ન કરવાની વાત કરી. હર્ષ-શોકથી ઘેરાયેલા ભગવાનના બદલે રાગ-દ્વેષમુક્ત ભગવાનનો વિચાર તેમણે જગતને આપ્યો. જગતના સર્જન, વિસર્જન, પાલન, પોષણની જવાબદારીવાળા ઈશ્વરના બદલે જગતને માર્ગ બતાવનારા ઈશ્વરનો જગતને પરિચય આપ્યો. ઉપરથી નીચે આવનારા ભગવાનના બદલે નીચેથી ઉપર જનારા ભગવાનની વાત કરી. જે પોતે મુક્ત હોય તે જ બીજાને મુક્તિનો માર્ગ બતાવી શકે અને જે પોતે બુદ્ધ હોય તે જ બીજાને બોધના રસ્તે લઈ જઈ શકે એ આદર્શ વિચારની ભગવાન મહાવીરે સ્થાપના કરી.

‘માનવમાત્ર મોક્ષને પાત્ર’નો ભગવાન મહાવીરે આપેલો મંત્ર એટલો મહાન પૂરવાર થયો કે જાતિ આધારિત જ્ઞાન તેમજ જાતિ આધારિત ધર્મની ધારણાના ભુક્કા બોલાઈ ગયા અને જાતિ આધારિત ભેદભાવવાળી અનેક રૂઢિઓ અને ભ્રમણાઓ એના પાયામાંથી હલબલી ઊઠી. ભગવાન મહાવીરના આ નવપ્રસ્થાનના કારણે તેમના ધર્મસંઘમાં મેતારજ જેવો સમાજના છેવાડાનો માણસ પણ દીક્ષા ધારણ કરીને મહામુનિનો દરજ્જો પામી શક્યો. જે તત્કાલીન અન્ય ધર્મો અને સમાજમાં કદી શક્ય નહોતું. આજના ભારતમાં પણ ક્યાં શક્ય છે!

લોકો સમજી શકે એવી સરળ ભાષામાં ઉપદેશ આપીને ભગવાન મહાવીરે એ યુગમાં અઢારે આલમ માટે ઉપદેશ શ્રવણનાં દ્વાર ખોલી આપ્યાં. ભગવાન મહાવીરના પ્રકાંડ પંડિત શિષ્યોએ પણ પાંડિત્યથી ભરેલું, ક્લિષ્ટ અને ન સમજાય તેવું સાહિત્ય લખવાના બદલે આબાલ-વૃદ્ધ અને ગામડાની અભણ સ્ત્રીઓ સુદ્ધાં સમજી શકે એવી ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું.

ચાર વેદ અને ચૌદ મહાવિદ્યાઓના પારગામી એવા ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર મહાપંડિતો પોતાના 4400 શિષ્યો સાથે જ્યારે ભગવાન મહાવીરનાં ચરણોમાં દીક્ષિત થયા ત્યારે દુનિયાને ભગવાન મહાવીરના આધ્યાત્મિક પ્રભાવની અનુભૂતિ થઈ. આવો આધ્યાત્મિક પ્રભાવ પામતાં પહેલાં ભગવાન મહાવીરને ખૂબ સહન કરવું પડયું હતું.

‘શસ્ત્રો અને હથિયારો વિનાના આ ભગવાન’ના સિદ્ધાંતોના જ પ્રભાવ નીચે ઉત્તરકાળમાં હિંસાવાદી ધર્મોને પણ અહિંસાનાં ગાણાં ગાવા માટે મજબૂર થવું પડયું એ ભગવાન મહાવીરના જીવનની અજોડ સિદ્ધિ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj