બૃહસ્પતિ : રાશ્યાંતર અભ્યાસ

મનુષ્ય જીવન પર અત્યંત ગાઢ અસરો ધરાવતા બૃહસ્પતિ દેવ હવે વિક્રમ સંવત 2080માં પ્રથમ મે 2024માં મેષ છોડી વૃષભ રાશિમાં પ્રવેશશે

Dharmik | 01 May, 2024 | 12:31 PM
આજથી ગુરૂના રાશ્યાંતરની અસર વિભિન્ન રાશિઓ પર વિભિન્ન રીતે પડે છે : મનુષ્યની આગામી જીવનચર્યા માટે યોગ્ય માર્ગદર્શન
સાંજ સમાચાર

‘ગુરૂ’ નામ સાંભળતા જ આપણને કંઈક ’મોટું’ હોવાનો અહેસાસ થાય છે. સૂર્યમંડળમાં વિશાળ ગ્રહમાં ગુરૂની ગણના થાય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગુરુ લગભગ 95 ઉપગ્રહો ધરાવે છે. ગુરૂનું ચુંબકીય ક્ષેત્ર પણ ખૂબ જ પ્રબળ છે. ધાર્મિક દ્રષ્ટિએ બૃહસ્પતિ ‘દેવોના ગુરૂુ’ છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર બૃહસ્પતિ એ બ્રહ્માજીનું પ્રતિનિધિત્વ કરે છે. મહાભારત અનુસાર બૃહસ્પતિ મહર્ષિ અંગિરાના પુત્ર ગણાય છે.

હિન્દુ ધર્મમાં કેળના વૃક્ષના સ્વરૂપમાં બૃહસ્પતિની પૂજા કરવામાં આવે છે. મનુષ્ય જીવન પર અત્યંત ગાઢ અસરો ધરાવતા બૃહસ્પતિદેવ વિક્રમ સવંત 2080માં તારીખ 1 મે 2024 ના રોજ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશશે. ગુરૂના આ રાશ્યાંતરની અસર વિભિન્ન રાશિઓ પર વિભિન્ન રીતે પડે છે. જેના વિશેનું સામાન્ય ફળકથન નીચે દર્શાવેલ છે.

જાતકની જન્મ કુંડળીનું તલસ્પર્શી નિરીક્ષણ કરી, તેમાં તમામ ગ્રહોના ગોચરનો અભ્યાસ કરી તેમજ મહાદશા-અંતર્દશા તેમ જ એક જ જાતકની બનતી અનેક કુંડળીઓનો અભ્યાસ કરીને આપણે મનુષ્યની આગામી જીવનચર્યા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકીએ છીએ.

ગુરૂ નભોમંડળમાં ધન તથા મીન રાશિનો સ્વામી ગણાય છે. જ્યારે કર્ક રાશિ તેની ઉચ્ચ રાશિ ગણાય છે. તેમજ મકર રાશિમાં બૃહસ્પતિ નીચસ્થ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટાભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, દાન-પુણ્ય, ભક્તિ ઉપાસના, જ્યોતિષ, સંપાદનકાર્ય, કંદોઈ, પીળી વસ્તુઓનો વ્યાપાર, અનાજ ઉત્પાદન, માખણ, ઘી, મિષ્ટાન્ન, સંતરા, હળદર, પીળા પુષ્પ, ચણાની દાળ વગેરે જેવી બાબતોનો કારક છે. ધાન્યની દ્રષ્ટિએ ચણા ઉપર તેનું પ્રભુત્વ છે.

ગુરુ ગ્રહ અમુક જનાવરોનો પણ નિર્દેશ કરે છે. જેમ કે ઘોડા, બળદ, હાથી, બાજ, મોર, વહેલ, ડોલ્ફિન જેવા પશુઓ ગુરુની અસર હેઠળ આવે છે. રૂદ્રાક્ષમાં પંચમુખી રુદ્રાક્ષ એ ગુરૂનું પ્રતિનિધિત્વ કરે છે. 27 નક્ષત્રો પૈકી પુનર્વસુ, વિશાખા તથા પૂર્વભાદ્રપદ નક્ષત્રના સ્વામી ગુરુ ગણાય છે. સામાન્ય રીતે ગોચરમાં જન્મ રાશિથી ગુરુ બે, પાંચ, સાત, નવ તથા અગિયારમા ભાવમાં પરિભ્રમણ કરતો હોય છે, ત્યારે જાતકને શુભ ફળ પ્રદાન કરે છે.

બળવાન ગુરૂની અસરો ધરાવતો જાતક જીવનમાં પ્રગતિ કરે છે. ધર્મ તથા ન્યાયના રસ્તે ચાલી પ્રમાણિકતા પૂર્વક જીવન જીવે છે. જો કે ગુરુપ્રધાન વ્યક્તિ મેદસ્વી હોવાની શક્યતા રહે છે. નિર્બળ તથા અશુભ અસરો ધરાવતો ગુરૂ જાતકને અહંકારી બનાવે છે. તેમજ પેટ સંબંધિત દર્દો અપચો, એસીડીટી જેવી સમસ્યાઓથી જાતકને ગ્રસિત રાખે છે.

આંગિરસ, વાકપતિ, જીવ, પ્રશાંત, દેવપૂજ્ય, ગુરુ, સુરાધિપ, વચસાંપતિ, ચિત્રશિખંડિજ, વાચસ્પતિ, સુરાચાર્ય, ઈજ્યદ્યુતિ વગેરે જેવા નામોથી પણ બૃહસ્પતિની ઓળખ કરવામાં આવે છે. શાસ્ત્રમાં ગુરૂના અન્ય ગ્રહોના સંયોજન દ્વારા ઘણા યોગ રચાતા હોવાના પ્રમાણ છે.

જેમ કે ગુરુનું રાહુ સાથે જોડાણ ચંડાલયોગ, ગુરૂનું ચંદ્ર ગ્રહ સાથેનું જોડાણ ગજકેશરી યોગ રચે છે. જ્યારે ગુરુ સાથેની મંગળની યુતિ ગુરૂમાંગલ્ય યોગની રચના કરે છે. ગુરૂની દ્રષ્ટિ પોતાના ભાવથી પાંચમે,સાતમે તથા નવમે ગણવામાં  આવે છે.

જન્મકુંડળીમાં કે ગોચરમાં ગુરુના પ્રતિકૂળ ગોચર ભ્રમણની અશુભ અસરોને હળવી બનાવવા માટે અલગ-અલગ ઉપાયો શાસ્ત્રમાં પ્રયોજવામાં આવેલા છે. જે પૈકી મંત્ર જાપ ઉત્તમ ગણવામાં આવેલ છે. ગુરુના મંત્ર જાપની સંખ્યા 19000 (કળિયુગમાં ચાર ગણા અર્થાત 76000) ગણવામાં આવે છે. ગુરુની દૂષિત અસરોથી મુક્તિ અથવા રાહત પામવા માટે નીચેના મંત્રનો જાપ કરી શકાય. રત્ન ઉપચાર જેવા ઉપાયો તરફ દ્રષ્ટિપાત કરતાં ગુરુ માટે ’પોખરાજ’  નામના નંગને ધારણ કરવાનું પણ શાસ્ત્રોમાં વિધાન છે. 

દેવાનાંચ ૠષિણાં ચ ગુરૂકાંચન્નસન્નિભમ્ ।
બુધ્ધિભૂતંત્રિલોકેશંતંનમામિબૃહસ્પતિમ્ ॥

ઉપરોક્ત મંત્રથી સરળ સ્વરૂપમાં મંત્ર જાપ કરવાની ઈચ્છા હોય તો નીચે આપેલા મંત્રો પૈકી કોઈ પણ એક મંત્રનો જાપ પણ કરી શકાય.

॥ ૐ ગ્રાંગ્રીંગ્રૌંસ: ગુરૂવેનમ: ॥
॥ ૐ ઝાંઝીંઝૌંગુરૂવેનમ: ॥
॥ ૐ બૃંબૃહસ્પતયેનમ: ॥
॥ ૐ ેંકલીંબૃહસ્પતયેનમ: ॥
બૃહસ્પતિ ગાયત્રી મંત્ર
॥ ૐ આંગિ૨સાયવિદ્મહેદિવ્યદેહાય । ધીમહિતન્નોજીવ:પ્રચોદયાત્ ॥

એ સિવાય બૃહસ્પતિ સ્તોત્રમ અને બૃહસ્પતિ કવચના પાઠ પણ કરી શકાય છે.

ગુરૂની પીડિત અસરમાંથી મુક્તિ અથવા રાહત પામવા માટે અન્ય ઉપાયો પણ શાસ્ત્રોમાં પ્રોજવામાં આવેલા છે. અમુક ઉપાયો નીચે દર્શાવેલા છે.
દર ગુરૂવારે ચણાના લોટના લાડવા બનાવી બૃહસ્પતિ દેવને ધરાવીને પ્રસાદ વહેંચવો.
દર ગુરૂવારે જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠા ભાત જમાડવા.
ઘરની બહાર જતી વખતે મસ્તિષ્ક પર ચંદન (હળદર અથવા કેસર મિશ્રિત) તિલક કરવું.
દર ગુરૂવારે સ્નાન કરવાના પાણીમાં થોડી હળદર ઉમેરીને સ્નાન કરવું.
બૃહસ્પતિ દેવની કૃપા પામવા માટે ગુરુવારના દિવસે પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો કરીને વૃક્ષને પાણી અર્પણ 
કરવું.
આર્થિક બાબતે બૃહસ્પતિની કૃપા પામવા માટે ગુરુવાર અથવા તો ગુરૂ પુષ્યામૃત યોગના દિવસે ત્રણ ગોમતી ચક્ર, ત્રણ પીળી કોડી તથા ત્રણ હળદરની ગાંગડી પીળા કપડામાં વીંટીને પૂજા કરીને તિજોરીમાં રાખવી.
દર ગુરૂવારે તુલસીજીને દૂધ અર્પણ કરવું.
કેળના વૃક્ષની પૂજા કરવી.
ગુરૂવારે ગોળ તથા ચણાની દાળ મિશ્ર કરી ગાયને ખવડાવવી.

ગુરૂના અન્ય ગુણધર્મો વિશેનું કોષ્ટક

વિક્રમ સંવત 2080માં ગુરૂના ગોચર ભ્રમણની આપની રાશિ પર અસર

મેષ:- (અ,લ,ઈ) મેષ રાશિ જાતકો માટે બીજા સ્થાનમાં ગુરૂનું પરિભ્રમણ આર્થિક આયોજન ખૂબ જ સમજપૂર્વક કરવાનું સૂચવે છે. જ્યારે છઠ્ઠા સ્થાન પર ગુરૂની દ્રષ્ટિ મોસાળ પક્ષ સાથેના સંબંધો મજબૂત બનાવશે. કોમ્પિટિશન-સ્પર્ધામાં આપનો વિજય પ્રાપ્ત કરી શકો. આકસ્મિક બનાવથી રક્ષણ પ્રાપ્ત થતું જણાય. સર્વિસમાં ઇમેજને મજબૂત બનાવતા કોઈ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ બનાવી શકાય. વિલ-વારસાના પ્રશ્નોમાં આપને ફેવર પ્રાપ્ત થતી જણાય. વ્યવસાય ઉન્નતિ હેતુ નવી યોજનાઓ અમલમાં મૂકી શકો.

વૃષભ:- (બ,વ,ઉ) વૃષભ રાશિ જાતકોને પ્રથમ સ્થાનનો ગુરૂ સ્વાસ્થ્ય વિષયક જાગૃતિ સાથે ખાન-પાનમાં નિયમિતતા અપનાવવાનું સૂચવે છે. પાંચમા સ્થાનમાં પડનારી ગુરૂની દ્રષ્ટિ શેરબજાર દ્વારા ઉત્તમ લાભ અપાવી શકે. સાતમા સ્થાન પરની ગુરૂની દ્રષ્ટિ અવિવાહિત જાતકો માટે યોગ્ય પસંદગીનો અવસર અપાવી શકે. જાહેર જીવનમાં સન્માન પ્રાપ્તિ શકય બને. નવી ભાગીદારી વિકાસનો દ્વાર ખોલી શકે. ભાગ્યસ્થાનને પ્રબળ બનાવતી ગુરૂની દ્રષ્ટિ કર્મક્ષેત્રે ઝળહળતી સફળતા અપાવવામાં નિમિત બની શકે. 

મિથુન:- (ક,છ,ઘ) મિથુન રાશિ જાતકોને બારમા સ્થાનમાં ગુરૂનું પરિભ્રમણ વિવાદો અને વ્યર્થ ખર્ચ પર સંયમ રાખવાનું સૂચવે છે. ચતુર્થ સ્થાન પરની ગુરુની દ્રષ્ટિ માતૃપક્ષ દ્વારા ઉત્તમ લાભ અપાવી શકે. ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરવા માટે મહેનતમાં લાગી પડેલા વિદ્યાર્થીઓનું સપનું સાકાર થઈ શકે. છઠ્ઠા સ્થાનમાં ગુરુની અસર મેદસ્વીપણાથી બચવા માટેના ઉપાયો અપનાવાનું સૂચવે છે. આઠમા સ્થાન પર ગુરૂની દ્રષ્ટિ દુર્ઘટનાથી રક્ષણ અપાવશે. તેમ છતાં અહી શરત, સટ્ટા, ઝડપી વાહનો, એડવેન્ચર રાઇડ્સથી સ્વયંને દૂર રાખવા. 

કર્ક :- (ડ,હ) કર્ક રાશિ જાતકોને રાશિ પરિવર્તન પામતો ગુરુ અગિયારમા સ્થાનમાં પ્રવેશ કરશે. મિત્રો પર વધુ પડતો વિશ્વાસ રાખીને વ્યવહારો કરવા નહીં. ગુરૂની દ્રષ્ટિ ભાવ ત્રણને બળવાન બનાવતી હોવાથી કાર્યક્ષમતામાં વધારો થઇ શકે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ પ્રાપ્ત થતું જણાય. રોકેલા નાણા ઊચિત વળતર સાથે પરત પ્રાપ્ત કરી શકો. સંતાનોની પ્રગતિ માટે અનુભવી - નિષ્ણાંતનું માર્ગદર્શન ઉપયોગી નિવડે. જીવનસાથી દ્વારા ઉત્તમ સહકાર પ્રાપ્ત થઈ શકે. જાહેરજીવનમાં પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે.

સિંહ :- (મ,ટ) સિંહ રાશિ જાતકો માટે દશમા સ્થાનમાં પ્રવેશતો ગુરુ વ્યવસાયિક ક્ષેત્રે પરિશ્રમમાં વધારો અપાવી શકે. પરંતુ ધનસ્થાન, મિલકત સ્થાન તથા રોગ-શત્રુ સ્થાન પર ગુરુની દ્રષ્ટિ આર્થિક ગ્રાફ ઊચો લઈ જવામાં પણ મદદ કરે. વકતૃત્વ ક્ષમતાના અદ્ભૂત ઉપયોગ દ્વારા કાર્યસિદ્ધિ મેળવી શકો. મિલકત ખરીદ-વેચાણના લાભકારક સૌદાઓ પાર પાડી શકાય. કોમ્પિટિશન-પ્રતિસ્પર્ધામાં આગળ વધવા માટેના સચોટ આયોજનો ઘડી શકો. સર્વિસમાં પ્રમોશન માટેની આશા પૂર્ણ થતી જણાય.

કન્યા :- (પ,ઠ,ણ) કન્યા રાશિ જાતકો માટે નવમા સ્થાનમાં ગુરૂનું ભ્રમણ ભાગ્ય ઉન્નતિની તકોમાં ક્યાંક વિઘ્નનું સર્જન કરી શકે તેમ છે. છતાં કપરી પરિસ્થિતિમાં પણ સ્વ વ્યક્તિત્વનો વિકાસ કરી શકો. એગ્રીમેન્ટ-કરારોને લગતા કોઈ પ્રશ્નો હોય તો ઉકેલ આવતો જણાય. પ્રણય પ્રસંગોમાં સર્જાયેલી વિસંગતતાઓ દૂર થઈ શકે. સંતાનોની સેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે. શેર રોકાણ તેમજ અન્ય નાણાકીય રોકાણો ઉત્તમ વળતર આપી શકે. નવી સ્કીલ કેળવવા તેમજ સ્વયંને અપડેટ કરવાનો પ્રયાસ સફળ નિવડે.

તુલા :- (ર,ત) તુલા રાશિ જાતકોને આઠમા સ્થાનમાં પ્રવેશતો ગુરૂ જૂની સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓથી હળવાશ આપી શકે. બારમા સ્થાન તથા ધન સ્થાન પરની ગુરૂની દ્રષ્ટિ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ આપે. પરોપકારના કાર્યમાં જોડાઈને ઉત્તમ યોગદાન આપી શકો. આર્થિક હિસાબ-કિતાબ, દૂરંદેશી દ્રષ્ટિ યુક્ત નાણાકીય આયોજનો તેમજ વ્યવહારો ફળદાયી નિવડી શકે. વતનને લગતા પ્રશ્નો અથવા સ્થાવર, જંગમ મિલકત પરત્વે શુભ ફળદાયક વ્યવહારો સંપન્ન બનાવી શકો.

વૃશ્ચિક :- (ન,ય) વૃશ્ચિક રાશિ જાતકોને સાતમા સ્થાનમાં પ્રવેશ કરતો ગુરુ દાંપત્યજીવનમાં લેટ-ગો કરવાની ભાવના વિકસાવવાનું સૂચન કરે છે. લાભસ્થાનને બળવાન બનાવતી ગુરુની દ્રષ્ટિ મિત્રો થકી તેમજ કાર્યક્ષેત્ર દ્વારા ઉત્તમ આર્થિક તેમજ સામાજિક લાભ અપાવી શકે. પોતાની જાતને અપડેટ કરવા, નવા જમાના સાથે તાલ મિલાવવા માટે જરૂરી પ્રયત્નો સફળ બનાવી શકાય. સાહસ તથા પરાક્રમ શક્તિ દ્વારા લાભ પામવાના પ્રયત્નો સફળ નિવડી શકે. 

ધન :- (ધ,ફ,ભ,ઢ) ધન રાશિ જાતકોને છઠ્ઠા સ્થાનમાં પ્રવેશતો ગુરુ પ્રતિસ્પર્ધીઓ સામે ઠંડા દિમાગે કામ લઈને વિજય પ્રાપ્ત કરવાનું સૂચવે છે. સ્વાસ્થ્ય વિષયક સમસ્યા તરફ ગંભીરતા પૂર્વક ધ્યાન આપવું ઇચ્છનીય ગણાય. કર્મસ્થાન, વ્યયસ્થાન, ધનસ્થાન પરની ગુરૂની દ્રષ્ટિ કર્મક્ષેત્રે સારી એવી પ્રગતિ આપી શકે. પરોપકારના ક્ષેત્રે સારું યોગદાન આપીને પુણ્ય ભાથામાં વધારો કરી શકો. પરિવારિક આનંદ-ઉલ્લાસમાં વધારો રહે. ગુંચવણમાં પડેલી આર્થિક સમસ્યાઓમાંથી માર્ગ અપાવવામાં ગુરૂની ધન સ્થાન પરની દ્રષ્ટિ ઉપયોગી નીવડી શકે.

મકર :- (ખ,જ) મકર રાશિ જાતકોને પાંચમા સ્થાનમાં પ્રવેશતો ગુરુ પ્રણય પ્રસંગોમાં સાવચેતી રાખવાનું સૂચવે છે. ભાગ્યસ્થાન પર ગુરુની દ્રષ્ટિ ઉત્તમ ફળદાયી નિવડશે. સર્વિસ તેમજ વ્યવસાયમાં પ્રગતિ માટે અનુકૂળ ઢાળ પ્રાપ્ત કરી શકો. સાથોસાથ લાભસ્થાનને બળવાન બનાવતા ગુરૂનું પરિભ્રમણ અટકેલી ઉઘરાણીઓ તથા નાણાકીય લીક્વીડીટીની સમસ્યાથી મુક્તિ આપી શકશે. દેહભુવન પરની ગુરુની દ્રષ્ટિ શારીરિક સુખાકારીમાં વધારો કરનારી નિવડી શકે. વ્યક્તિત્વ તેમજ જીવન દ્રષ્ટિ કોણમાં આમૂલ પરિવર્તન લાવી સુખદ ભાવિનું નિર્માણ કરી શકાય. 

કુંભ :- (ગ,શ,સ,ષ) કુંભ રાશિ જાતકને ચોથા સ્થાનમાં પ્રવેશતા ગુરુનું પરિભ્રમણ મિલકત વિષયક કાર્યો સમજપૂર્વક કરવાનું સૂચવે છે. અહીથી આઠમા સ્થાન પર ગુરૂની દ્રષ્ટિ આકસ્મિક નાણાકીય લાભ અપાવી શકે. દેશ-વિદેશમાં કર્મક્ષેત્ર વિકસાવવા માટે જરૂરી સહાય તથા માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશો. જાહેરાતના યોગ્ય આયોજન દ્વારા વ્યવસાય વિકાસની નવી સીમા અંકિત કરી શકો. બારમા સ્થાન પર ગુરૂની દ્રષ્ટિ ધર્મ-અધ્યાત્મ તરફ પ્રગતિ અપાવવામાં સહાયક સિદ્ધ થશે. 

મીન :- (દ,ચ,ઝ,થ)  મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાન પર ગુરૂનું પરિભ્રમણ આંધળા ઉત્સાહ તેમજ અવિચારી સાહસોથી દૂર રહેવાનું સૂચવે છે. ગુરૂની દ્રષ્ટિ અહી ભાવ સાત, નવ અને અગિયારને શુભ ફળ પ્રદાન કરશે. નવી ભાગીદારી તથા મિત્રોનો સહકાર દ્વારા જીવનમાં ઉત્તમ પ્રગતિ કરી શકશો. દામ્પત્યજીવનના ગંભીર પ્રશ્નોના ઉકેલ પણ અહી સરળતાથી પ્રાપ્ત  થઈ શકશે. આપના નિમિતપણાથી મંદિર કે ધર્મસ્થાનનું કોઈ પવિત્ર કાર્ય સંપન્ન બની શકે. જૂના રોકાણોમાં અણધાર્યા લાભની પ્રાપ્તિ થાય.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj