બે વર્ષ બાદ રાજકોટમાં ખતરનાક કેસ બહાર આવતા ખળભળાટ : ઉપલેટા અને જામનગર બાદ મહાનગરમાં બાળક ઝપટે ચડયો

રાજકોટમાં પણ કોલેરાનો ફુંફાડો : લોહાનગરને અસરગ્રસ્ત જાહેર કરવા તૈયારી

Saurashtra | Rajkot | 04 July, 2024 | 05:40 PM
છ વર્ષના બાળકે સારવાર લીધી : આરોગ્ય વિભાગને એલર્ટ કરી ટીમો ઉતારી દેતા કમિશ્નર : 448 ઘરનો સર્વે : ઝાડા-ઉલ્ટીના 6 કેસ મળ્યા : લોકોને સાવચેત રહેવા અપીલ : ના.નિયામકનું સુપરવિઝન
સાંજ સમાચાર

રાજકોટ, તા. 4
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોલેરાનો જીવલેણ કહેર ફેલાયો છે અને રાજય સરકારે લાગુ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે 2022 બાદ એટલે કે બે વર્ષ બાદ રાજકોટ શહેરમાં પણ કોલેરાનો કેસ બહાર આવતા ખળભળાટ મચ્યો છે.

કમિશ્નર દેવાંગ દેસાઇની સૂચનાથી આરોગ્ય વિભાગની ટીમો લોહાનગર વિસ્તારમાં  ઉતરી પડી છે અને એક કિ.મી. વિસ્તારમાં આવેલા 448 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે. પાણીના નમુના ચકાસવામાં આવી રહ્યા છે અને લોકોને ઓઆરએસના પેકેટનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યા હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.

કમિશ્નર દેવાંગ દેસાઇએ કહ્યું હતું કે, તાજેતરમાં ગોંડલ રોડ પર રેલવે ફાટક પાસે આવેલા લોહાનગરમાં છ વર્ષના એક બાળકને કોલેરાના રોગનું નિદાન થયું હતું. ઘરના પાણીની અસ્વચ્છ ટાંકીમાંથી આવેલું દુષિત પાણી પીવાથી આ બાળકને કોલેરા લાગુ થયાનું માનવામાં આવે છે.

આ અંગેની જાણ થતા તુરંત આરોગ્ય વિભાગની ટીમ વિસ્તારમાં પહોંચી હતી. એક કિ.મી. વિસ્તારમાં આવેલા મકાનોનો સર્વે કરી પાણીના નમુના ચકાસવામાં આવી રહ્યા છે. જરૂર હોય ત્યાં સુપર કલોરીનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલે સરકારમાંથી નાયબ નિયામક રાજકોટ આવ્યા હતા અને તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બે દિવસ પહેલા જામનગરમાંથી પણ કોલેરાના કેસ બહાર આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓના સ્ટુલ સેમ્પલ લઇને પણ મનપાએ તપાસ શરૂ કરાવી છે. આ વિસ્તારમાં ઝીંક ટેબ્લેટ અને ડીહાઇડ્રેશન રોકવા ઓઆરએસનું વિતરણ શરૂ કરાયું છે.

આ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના કેસની પણ તપાસ કરાઇ રહી છે. જે વિસ્તારમાંથી કોલેરાનો કેસ બહાર આવે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. આ મુજબ રાજકોટના લોહાનગર વિસ્તારને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. હાલ કમિશ્નરે આરોગ્ય વિભાગને હાઇએલર્ટ પર મૂકી દીધો છે. 

ઝાડા-ઉલ્ટી
આ કામગીરી અંગે વધુ વિગત આપતા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ કહ્યું હતું કે કુલ 448 ઘરમાં 1710 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. તેમાંથી છ ઝાડા-ઉલ્ટીના દર્દી મળતા તેઓને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જોકે કોલેરાના કોઇ અન્ય શંકાસ્પદ કેસ બહાર આવ્યા નથી. વિસ્તારમાં 18ર ઓઆરએસ પેકેટ અને પ780 કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

પાણીના ટેસ્ટીંગ
વિસ્તારમાંથી પાણીના પાંચ નમુનાના બેકટેરીયોલોજીકલ અને 3પ નમુનાના રેસીડયુઅલ કલોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ નમુના ફીટ અને પોઝીટીવ આવ્યા છે. આરોગ્ય શાખા દ્વારા લોકોને ઉકાળેલુ પાણી પીવા, જમતા પહેલા હાથ ધોવા, કલોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવો, પીવાના પાણીના પાત્રો સાફ કરવા સૂચના અપાઇ છે.

સફાઇ કામગીરી સાથે વિસ્તારમાં મોબાઇલ મેડીકલ વાન દ્વારા દૈનિક મેડીકલ કેમ્પ પણ યોજવામાં આવે છે. આવા કોઇ પણ લક્ષણ દેખાય તો આરોગ્ય કેન્દ્ર, સીવીલ હોસ્પિટલ ખાતે જવા અને ઇમરજન્સીમાં 108નો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.

પ્રાથમિક કારણ
ખંઢેરી રોડ પર કોર્પો.નો એસટીપી આવેલો છે. અહીંના પાણીમાં મચ્છી નીકળતી હોય, વિસ્તારના લોકો આ મચ્છી લાવ્યા બાદ તેના પાણીમાં હાથ ધોયા બાદ ભોજન લેવાતી આ ગંદા પાણીની અસર રૂપે કોલેરા લાગુ થયાનું પણ માનવામાં આવે છે.

જીવલેણ કોલેરા શું છે ? 
કોલેરા બેક્ટેરિયાથી થતી બીમારી છે. તે વિબ્રિયો કોલેરી જીવાણુના કારણે થાય છે, જે દૂષિત પાણીના કારણે ફેલાય છે. કોલેરા એક ચેપી રોગ છે જેમાં દર્દીને ઉલ્ટી અને ઝાડા થાય છે. પાણી અને પોષણના અભાવે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

 

કોલેરાના લક્ષણો શું છે ?

♦ કોલેરાના લક્ષણો જુદા જુદા લોકોમાં જુદા જુદા સમયે ઉદભવે છે. કેટલાક લોકોમાં, તેના લક્ષણો ચેપના થોડા કલાકો પછી જ જોવા મળે છે, જ્યારે કેટલાક લોકોમાં તે 2-3 દિવસ પછી પણ થઈ શકે છે. કોલેરા સામાન્ય રીતે ઝાડાનું કારણ બને છે. 

♦ ઉલટી થવી તેમજ હૃદયના ધબકારા વધી જવા 

♦ મો, ગળું તેમજ આંખો શુષ્ક થઇ જવી

♦ બ્લડ પ્રેશર ઘટી જવું, તરસ વધારે લાગવી

♦ હાથ પગના સ્નાયુઓમાં દુખાવો થવો, 

♦ ગભરામણ થવું, ઊંઘ આવવી તેમજ વધુ પડતો થાક લાગવો

કોલેરા કેવી રીતે ફેલાય છે ?

♦ કોલેરા એક બેક્ટેરિયાને કારણે થાય છે જે ખોરાક અથવા પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે. તે મળ, પેશાબ અને ગંદકી દ્વારા ફેલાય છે.

♦ કોલેરા સીફૂડ અને માછલી દ્વારા પણ ફેલાય છે.

♦ શાકભાજી અને સલાડને બરાબર ન ધોવામાં આવે અથવા ગંદા પાણીથી ધોવામાં આવે તો કોલેરાનો ખતરો રહે છે.

♦ જે વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ છે ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે છે.

♦ જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ (ઝાડા)ના સંપર્કમાં આવો.

♦ જો તમે મળથી દૂષિત (બેક્ટેરિયમ-વિબ્રિઓ કોલેરા) ખોરાક ખાઓ અથવા પાણી પીવો.

♦ જો તમે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ.

♦ કોલેરા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કોલેરાને અટકાવવાના ઉપાયો

♦ આપની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.

♦ જે લોકોને કોલેરા થયો તે લોકોએ ખાવા-પીવાની આદતમાં ફેરફાર કરીને તો કેટલાક ઘરગથ્થુ ઉપચારથી થઈ શકે છે. જેમ કે કાકડીના પાન, નારિયેળ પાણી, લીંબુ, છાશ, આદુ, ફુદીનાનો રસ, હળદર, મેથીના દાણા વગેરેનું સેવન ફાયદાકારક બની શકે છે.

♦ જો તમે કોલેરાથી અસરગ્રસ્ત જગ્યાએ રહેતા હોવ અથવા આવી જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોવ, તો આ બાબતોનું પાલન કરો:

♦ ખાદ્ય ચીજોને સ્પર્શતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા.

♦ માત્ર ઉકાળેલું, શુદ્ધ કરેલું અથવા બોટલનું પાણી પીવો.

♦ શક્ય હોય ત્યાં સુધી શેરી પરના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળો.

♦ જેમાંથી રસ ટપકતો હોય તેવા ફળ જેમ કે દ્રાક્ષ અને બેરી લેવાનું ટાળો.

♦ શેલફિશ જેવા કાચા અથવા ઓછા રાંધેલા સીફૂડ લેવાનું ટાળો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj