લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇએ કરેલા વિવાદાસ્પદ નિવેદનો પાર્ટી પર હિટવેવની જેમ વરસ્યા : ગામેગામ વિરોધ

રૂપાલાની ટીકીટ રદ કરો : ક્ષત્રિય સમાજમાં રોષ : PIL ની તૈયારી

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 28 March, 2024 | 03:55 PM
◙ રૂપાલાને હરાવવાના કાર્યાલયનું પણ ઉદઘાટન કરવાની આગેવાનોની જાહેરાત!
સાંજ સમાચાર

◙ અમદાવાદના ગોતામાં મહાબેઠકમાં રૂપાલાની ટીકીટ રદ્દ કરવા અવાજ : ધગધગતા પ્રવચન

◙ ભાજપ સામે વાંધો નથી, રૂપાલા સાથે સમાધાન કરવું નથી : ક્ષત્રિય સમાજ વ્હાલો છે કે નહીં?

◙ રાજકોટમાં સાંજે મીટીંગ બાદ આવતા સપ્તાહે સમાજનું મહાસંમેલન : કાનુની કાર્યવાહી શરૂ

◙ મહાનગરથી માંડી ગામડાના ચોરા સુધી લડાઇ લઇ જવાશે : બેનરો સાથે અપાશે વિરોધ કાર્યક્રમો

રાજકોટ, તા. 28
રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ તાજેતરમાં ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીઓ સામેનો રોષ હવે રાજકોટથી માંડી સૌરાષ્ટ્ર અને રાજયવ્યાપી બની ગયો છે. હવે રાજકોટના ભાજપના ઉમેદવારને  બદલવા સિવાયની કોઇ વાત પર ચર્ચા કરવી નથી તેવી જાહેરાત કરીને રાજકોટથી માંડી અમદાવાદમાં ક્ષત્રિય આગેવાનોએ સમાજના અપમાન બદલ હાઇકોર્ટમાં રીટ દાખલ કરવાની જાહેરાત કરતા ભાજપના રાજકારણમાં હિટવેવ જેવું વાતાવરણ સર્જાઇ ગયું છે. 

આજે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં મળેલી ક્ષત્રિય સમાજની મહાબેઠકમાં હાજર 70થી વધુ સંસ્થાના આગેવાનોએ આ વિરોધને હવે શહેરોથી માંડી ગામડા સુધી આંદોલનું રૂપ આપવા ઇરાદો જાહેર કરી દીધો છે. તો આજે સાંજે રાજકોટમાં પણ સમાજની મીટીંગ બાદ આગામી સપ્તાહમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવા જાહેરાત કરવામાં આવનાર છે. 

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ભાજપ લોકસભાના ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલાને બદલે તેવી માંગ ક્ષત્રિય સમાજ અને કરણી સેનામાં બુલંદ બની છે. તો ચૂંટણી પંચમાં ફરિયાદ થતા ગાંધીનગરથી રાજકોટ કલેકટરને તપાસના આદેશ આવ્યા છે. બીજી તરફ રાજયમાં મોટી વસ્તી ધરાવતા ક્ષત્રિય સમાજમાં રોષની આંધી વધુને વધુ ફેલાઇ રહી છે.

અમદાવાદની મીટીંગ અંગે માહિતી આપતા વિરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે  રૂપાલાની ટીકીટ રદ થવી જોઇએ તે એક માંગણી છે. સમાજ તેમને માફ કરે તેમ નથી. અમોએ 26 બેઠકો પૈકી ક્ષત્રિય સમાજ માટે ટીકીટની માંગ કરી હતી પરંતુ ભાજપને સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. વિરોધ રાજકોટથી ઉઠયો છે. પરંતુ તેની અસર બધે દેખાશે. ટુંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.

વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમને માફી નામનું સમાધાન માન્ય નથી. રૂપાલાના પુતળા દહન સહિતના કાર્યક્રમ કરવામાં આવશે. જો તેમની ટીકીટ રદ નહીં થાય તો 17 ટકા જેટલા ક્ષત્રિય મતદારો તેમની વિરૂધ્ધમાં મતદાન કરશે તે નકકી છે. અમારી ઇજજત રૂપાલાએ પ્રહાર કર્યો છે. જેનો જવાબ રાજપૂતો આપશે. સૌરાષ્ટ્રમાં 60 ટકા  મતદાર ક્ષત્રિય સમાજના છે તે ભાજપે ભુલવું ન જોઇએ. 

રાજકોટમાં મહાસંમેલન બોલાવવાની તૈયારી વચ્ચે રાજકોટના આગેવાનો પી.ટી.જાડેજા તથા અન્યોએ કહ્યું હતું કે  ભાજપના ઉમેદવાર બદલવાની માંગ સાથે સમાજના અપમાન બદલ હાઇકોર્ટમાં રીટ કરવા તૈયારી છે. ગામેગામ રાજયભરના સંગઠનો વિરોધ વંટોળ પહોંચાડશે. રૂપાલાને માફીનો કોઇ પ્રશ્ન નથી. ટીકીટ રદ થવાથી કંઇ ઓછું ખપે નહીં.  આગેવાન તરીકે તેઓ કોઇ સમાધાન કરવા માંગતા નથી. સમાજ કહે તે રીતે જ આગળ વધવાનું છે. 

આજે સાંજે રાજકોટમાં પણ મહત્વની મીટીંગ રાખવામાં આવી છે. આ આંદોલનને શેરી શેરીએ લઇ જવા માટે ગામડા સુધી વિરોધ કાર્યક્રમો અને બેનરો લગાવવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપાલાના વિધાનથી બહેનો અને  દિકરીઓનું અપમાન થયું છે. આજે સાંજે મીટીંગમાં અનેક ચર્ચાઓ થવાની છે પરંતુ તેનો મુખ્ય મુદો ઉમેદવાર બદલવાનો છે. ભાજપ સાથે સમાધાન કરીને કોઇ આગેવાન વિશ્વાસઘાત કરવા માંગતો નથી. 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રૂપાલા સામે કાયદેસર કાર્યવાહી કરવા જુદા જુદા શહેરોમાં 9 થી 10 અરજી તંત્રને આપવામાં આવી છે. હવે આ વિરોધ અને જાગૃતિ ઘર ઘર સુધી લઇ જવામાં આવશે. રાજયના ચૂંટણી પંચે પણ આ માટે સુઓમોટો અરજી દાખલ કરીને કડક કાર્યવાહી કરવી જોઇએ. 

સમગ્ર રાજયના ક્ષત્રિય સંગઠનો એક થયા છે અને ગામે ગામ વિરોધ કાર્યક્રમો ઘડાઇ રહ્યા છે. આ વિરોધ સાથે કાનુની કાર્યવાહી પણ શરૂ થતા ભાજપને પોતાના ઉમેદવારનું આ વિધાન હાલ તો ભારે પડી રહ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj