ચોકલેટ બેસ્વાદ બનશે: કોકોના ભાવ આસમાને

India, World, Business | 28 March, 2024 | 10:57 AM
કોકોના ભાવ 10 હજાર ડોલરની સપાટીએ પહોંચ્યા: છેલ્લા એક વર્ષમાં ભાવ ડબલ: પશ્ચિમ આફ્રિકાના દેશોમાં કોકોનો પાક નબળો પડતા ઉત્પાદન ઓછું થતા કોકો ઈન્ડસ્ટ્રીની સમસ્યા વધી
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
કોકો ફયુચર્સે 26 માર્ચે ટનદીઠ 10000 ડોલરની સપાટી પર પહોંચી ગયું હતું. સપ્લાયની સમસ્યાને કારણે કોકોમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં તેના ભાવ ડબલ થઈ ગયા છે. તેને કારણે વિશ્ર્વભરમાં ચોકલેટનો સ્વાદ કડવો બની રહ્યો છે.

કોકો ફયુચર્સ ન્યુયોર્ક ખાતે 26 માર્ચે 4.5 ટકા ઉછળીને 10080 ડોલર થઈ ગયો હતો, જે થોડાં મહિના પહેલા અસંભવ લાગતો હતો. વિશ્ર્વમાં સતત ત્રીજા વર્ષે કોકોની સપ્લાય ડેફિસીટ જોવા મળે તેવી શકયતા છે. કારણ કે પશ્ર્ચિમ આફ્રિકાના દેશોમાં પાક નબળો રહ્યો છે.

ત્પાદન નબળું રહેવાથી કોકો ઈન્ડસ્ટ્રીની સમસ્યા વધી ગઈ છે. કારણ કે કોકોની ખેતી કરતા ખેડૂતોને તેમણે જે રકમ ચૂકવી હતી તેના બદલામાં વળતર મળ્યું નથી. આગામી સમયમાં કંપનીઓને ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં કોકો મળશે કે કેમ તે પ્રશ્ર્ન છે.

આઈવરી કોસ્ટમાં સરકારી પ્રોસેસર ટ્રાન્સકોએ કહ્યું છે કે તેણે બીન્સ (દાણા) ખરીદવાનું બંધ કરી દીધું છે. વિશ્ર્વમાં 50 ટકા કોકોનું ઉત્પાદન આ કંપની કરે છે. રિપોર્ટ અનુસાર ઉત્પાદન બંધ થઈ ગયું છે અને ફેકટરીઓને તાળા લાગી રહ્યા છે. જાયન્ટ કોમોડિટી ટ્રેડર કારગિલને પણ તેની ફેસીલીટી માટે બીન્સનો સપ્લાય મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

કોકો ઉત્પાદનમાં બીજા ક્રમના દેશ ઘાનાની પણ લગભગ આ જ સ્થિતિ છે. મોટાભાગના પ્રોસેસીંગ પ્લાન્ટમાં કામગીરી અનેકવાર સ્થગીત કરી દેવી પડી છે. ઘાનાની સરકારી પ્રોસેસર સીપીસીએ કહ્યું છે કે કોકોના દાણાની તંગીને કારણે માત્ર 20 ટકા ક્ષમતાથી કામ થઈ રહ્યું છે.

આ ઉપરાંત યુરોપીયન યુનિયનના પ્રસ્તાવિત નિયમો કોકોના ભાવમાં હજી વધારે ભડકો કરી શકે છે. જંગલોનો નાશ થાય તેવી વસ્તુઓની આયાત પર યુરોપે બ્રેક મારી છે.

કોકોની આ સમસ્યાએ ચોકલેટપ્રેમીઓ અને ચોકલેટ બનાવતી કંપનીઓની સમસ્યા પણ વધારી છે. અમેરિકન ડેટા અનુસાર સરેરાશ ફુગાવા કરતાં ડેઝટર્સના ભાવ ત્રણ ગણી ઝડપથી વધી રહ્યાં છે. આગામી એક-બે મહિનામાં જ તેની અસર જોવા મળશે. ચોકલેટ કંપનીઓ ભાવવધારો કરે તેવી શકયતા છે.

ગત સપ્તાહે ભારતીય કોકો બીનના ભાવ કિલોદીઠ રૂા.650ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા હતા. એક વર્ષ પહેલાં તેનો ભાવ રૂા.200-220ની રેન્જમાં હતો. આમ એક વર્ષમાં તેમાં 200 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj