સંસદમાં હાજરીમાં ગુજરાતના સાંસદો મોખરે, પ્રશ્ર્ન પૂછવામાં 10મા ક્રમે

યોગાનુ યોગ કે... સંસદમાં સૌથી વધુ સવાલ કરનારા ગુજરાતના સાંસદોની ટીકીટ કપાઇ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 27 March, 2024 | 03:31 PM
♦ ગત ટર્મમાં સૌથી વધુ પ્રશ્ન અમરેલીના નારણ કાછડીયા (434), રાજકોટના મોહન કુંડારીયા (342) તથા બનાસકાંઠાના પરબત પટેલે (323) પૂછયા હતા
સાંજ સમાચાર

♦ જામનગરના પૂનમબેન માડમની 85 ટકા હાજરી: સી.આર. પાટીલની 74 ટકા

 

અમદાવાદ, તા.27
લોકસભાની નવી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ જ ચૂક્યો છે ત્યારે ગુજરાતના સાંસદો ગત ટર્મમાં સંસદમાં હાજરી આપવાના મામલામાં મોખરે રહ્યા હતા જ્યારે પ્રશ્નો પૂછવામાં 10મા નંબરે હતા. એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ દ્વારા જારી કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે ગુજરાતના સાંસદોએ 273 સેશનમાંથી સરેરાશ 216 દિવસ હાજરી આપી હતી. ગુજરાતની જેમ છત્તીસગઢના સાંસદોની હાજરી પણ સમાંતર હતી. ગુજરાતના 26માંથી 8 સાંસદોની હાજરી 90 ટકાથી વધુ હતી.

સંસદમાં પ્રશ્નો પૂછવામાં ગુજરાતના સાંસદો પાછળ રહયા હતા. મહારાષ્ટ્રના સાંસદોએ સરેરાશ 315 સવાલ પૂછયા હતા. કેરળના સાંસદોના સરેરાશ 236 તથા ગુજરાતના સાંસદોના 168 સવાલ હતાં.

ગુજરાતના તમામ 26 સાંસદોએ કુલ 4371 સવાલ પૂછયા હતા તેમાંથી સૌથી વધુ 434 પ્રશ્નો અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ પૂછયા હતા. રસપ્રદ વાત એ છે કે આ વખતે તેમને ટીકીટ ફાળવવામાં આવી નથી. બીજા ક્રમે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ 342 સવાલ કર્યા હતા. બનાસકાંઠાના પરબત પટેલે 323 પ્રશ્નો કર્યા હતા. આ ત્રણેય સાંસદોને ફરીથી ટીકીટ નહીં આપ્યાનું યોગાનુ યોગ છે.

17મી લોકસભામાં 15 સત્ર યોજાયા હતા અને 273 દિવસની કામગીરી થઇ હતી. પ્રથમ સત્ર 37 દિવસનું સૌથી લાંબુ અને 13મુ સત્ર સૌથી ટુંકુ-માત્ર ચાર દિવસનું રહ્યું હતું. સંસદમાં પૂછાયેલા સૌથી વધુ પ્રશ્નો આરોગ્ય તથા પરિવાર કલ્યાણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રેલવે, નાણાં તથા શિક્ષણ મંત્રાલયને લગતા હતાં.

હાજરીને લાગેવળે છે ત્યાં સુધી પંચમહાલના રતનસિંહ રાઠોડ 96 ટકા હાજરી સાથે મોખરે હતો. જામનગરના પૂનમબેન માડમની 85 ટકા હાજરી હતી અને તેઓએ 263 સવાલ કર્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની 74 ટકા હાજરી હતી.

 

પાંચ વર્ષમાં ગુજરાતના સાંસદોએ 442 કરોડમાંથી 220 કરોડ જ વાપર્યા
દરેક સાંસદને 17 કરોડનું ફંડ પણ વાપર્યા માત્ર 7 થી 9.50 કરોડ
ગાંધીનગર, તા.27

ગુજરાતના મતદારોએ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના તમામ 26 સાંસદોને જીતાડ્યા હતા પરંતુ રાજ્યની પ્રજા માટે તેઓ સાંસદ તરીકે ફાળવાતું તમામ ભંડોળ વાપરી શક્યા નથી. એમપી લોકલ એરીયા ડેવલપમેન્ટ ફંડના કુલ 442 કરોડ રૂપિયામાંથી ગુજરાતના 26 સાંસદોના પાંચ વર્ષમાં માત્ર 220 કરોડ ભારત સરકાર દ્વારા રીલીઝ કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના વિસ્તારો 50 ટકા ફંડ થકી થનારા વિકાસથી વંચિત રહ્યા છે.

2019થી 2024 માટે સાંસદ દીઠ 17 કરોડની ફાળવણી કુલ પાંચ વર્ષના સમયગાળા માટે થઇ હતી. 26 સાંસદ પ્રમાણે કુલ મળીને 442 કરોડ રૂપિયા મત વિસ્તારમાં વાપરી શકાય તેમ હતા પરંતુ સાંસદો તે ભંડોળ પણ વાપરી શક્યા ન હતા. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરાયેલા સાંસદના પરફોર્મન્સના વિશ્લેષણના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે.

તે મુજબ 26 સાંસદોએ માત્ર 354.99 કરોડના કામોની ભલામણ કરી હતી. તે પૈકી 12,305 કામો માટે 263.15 કરોડના કામો મંજુર કરાયા અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવાયા હતા જે કુલ મળવા પાત્ર ફંડના માત્ર 49.77% થાય છે. મોટાભાગના સાંસદનું 7 કરોડથી મહત્તમ 9.5 કરોડ રૂપિયાના કામનું ફંડ જ સરકાર દ્વારા ફાળવાયું હતું.

 

ભરતસિંહ ડાભી, કે.સી. પટેલ અને ધડૂક પ્રશ્નો પૂછવામાં નિષ્ક્રિય
સાંસદો પાંચ વર્ષમાં તેમના મત વિસ્તાર કે ગુજરાતને લગતા સવાલ પૂછીને તેનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. ગુજરાતના મોટાભાગના સાંસદોની હાજરી 80 થી 96 ટકા છે. 26 સાંસદોએ મળીને કુલ 4371 પ્રશ્નો પૂછ્યા છે. જો કે કેટલાક સાંસદો 30 ટકા જેટલા સત્રના સમયમાં ગેરહાજર રહ્યા છે. સૌથી વધુ પ્રશ્ર્નો અમરેલીના નારણ કાછડીયાએ પૂછ્યા હતા. તો ભરતસિંહ ડાભી, ડો. કે.સી. પટેલ, રમેશ ધડૂક વગેરે પ્રશ્નો પૂછવામાં નિષ્ક્રિય રહ્યા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj