CSKની સતત બીજી જીતઃ IPL સિઝનમાં હોમ ટીમે સતત 7મી મેચ જીતી, શિવમ-રચીનની વિસ્ફોટક ઇનિંગ

India, Sports | 27 March, 2024 | 10:53 AM
સાંજ સમાચાર

ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ : 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે ચાલુ સિઝનની 7મી મેચમાં ગયા વર્ષની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ (GT)ને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. ટીમના ખાતામાં 4 પોઈન્ટ છે. ચેન્નાઈએ આ જ મેદાન પર સીઝનના ઓપનરમાં આરસીબીને 6 વિકેટથી હરાવ્યું હતું.

ચેપોક સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. 207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું.

ચેન્નાઈ માટે રચિન રવિન્દ્ર (20 બોલમાં 46 રન) અને શિવમ દુબે (23 બોલમાં 51 રન)એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન રુતુરાજ ગવકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી. ગુજરાત તરફથી સાંઈ સુદર્શને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી. શિવમ દુબેને તેની અડધી સદીની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાતની ખરાબ શરૂઆત, 28 રન પર પહેલો ફટકો
.207 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 28 રનના સ્કોર પર કેપ્ટન શુભમન ગિલ (8 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. ગિલના આઉટ થયા બાદ ટોપ-મિડલ ઓર્ડરના બેટ્સમેનો દાવને સંભાળી શક્યા ન હતા અને ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી હતી.

ઓપનર રિદ્ધિમાન સાહાએ 21 રન, વિજય શંકરે 12, ડેવિડ મિલરે 21, અઝમતુલ્લા ઓમરઝાઈએ 11 અને ઉમેશ યાદવે 10 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઈ તરફથી દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેને 2-2 વિકેટ મળી હતી. ડેરીલ મિશેલ અને મેથીશ પથિરનને પણ એક-એક વિકેટ મળી હતી. રન ચેઝમાં ગુજરાતની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી હતી. ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી 26 બોલમાં 41 રનની હતી, જે સાઈ સુદર્શન અને ડેવિડ મિલર વચ્ચે ચોથી વિકેટ માટે થઈ હતી.

મેચમાં બનેલા ટોપ રેકોર્ડ : 
1. CSK એ સૌથી વધુ વખત 200+ સ્કોર કર્યા છે.
CSK એ રેકોર્ડ 29મી વખત 200 થી વધુ સ્કોર કર્યો છે. આ પહેલા પણ CSK ટોપ પર હતી. CSK પછી, RCBએ 24 વખત ટીમના 200થી વધુ રનનો સ્કોર પાર કર્યો છે. 

2. દુબેએ છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે.
શિવમ દુબેએ ગુજરાત સામે 5 સિક્સર ફટકારી છે, આ સાથે 2023 IPL થી અત્યાર સુધીમાં તેની કુલ સિક્સર 41 થઈ ગઈ છે. સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓમાં તે પ્રથમ આવ્યો. તેણે ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો. ફાફે 2023ની સીઝનથી અત્યાર સુધીમાં 36 સિક્સર ફટકારી છે.

3. રન માર્જિનથી ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી હાર
IPLમાં ગુજરાત ટાઇટન્સને પ્રથમ વખત 63 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રનના હિસાબે ટીમની આ સૌથી મોટી હાર છે. આ પહેલા 2023માં ટીમને મુંબઈ ઈન્ડિયન્સે 27 રને હાર આપી હતી. ટીમે ટૂર્નામેન્ટમાં 35 મેચ રમી છે અને માત્ર 11માં હારનો સામનો કરવો પડ્યો હતો.

4. CSK 17મી વખત 50+ રનથી જીત્યું.
ચેન્નાઈ સુપર કિંગ્સ 17મી વખત 50+ રનના માર્જિનથી જીત્યું. અત્યાર સુધી કોઈ પણ ટીમ 13થી વધુ વખત આટલા મોટા માર્જિનથી જીતી શકી નથી. ચેન્નાઈ પછી, મુંબઈ 13 વખત 50+ રનના માર્જિનથી જીત્યું.

ટાઇગર અભી ઝિંદા હૈ : 41 વર્ષના ધોનીએ 2.27 મીટર ડાઈવ કરીને ફ્લાઈંગ કેચ લીધો

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ વિજય શંકરને આઉટ કરવા માટે એક શાનદાર ડાઈવિંગ કેચ લીધો હતો. આ માટે ધોનીએ 0.6 સેકન્ડના રિએક્શન ટાઈમ સાથે 2.27 મીટર ડાઈવિંગ કર્યું. 8મી ઓવરમાં ડેરીલ મિશેલે ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. બોલ શંકરના બેટ સાથે કટ થયા બાદ વિકેટની પાછળ ગયો. ધોનીએ તેની જમણી તરફ ડાઇવ કરીને કેચ પકડ્યો હતો. આ માટે સોશ્યલ મીડિયા પર ધોની જબરદસ્ત  ટ્રેન્ડ થઈ રહ્યો છે અને પ્રશંસા મળી રહી છે. સુરેશ રૈનાએ 42 વર્ષના ધોની વિશે લખ્યું ટાઇગર અભી ઝિંદા હૈ.

IPL 2024 : આજની મેચ 
મેચ નંબર 8 : 
મુંબઈ ઇન્ડિયન્સ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ
સ્થળ : રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ 
સમય : સાંજે 7.30 કલાક થી શરૂ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj