હાર-જીતમાં ફર્ક નહી પડે તો પણ પક્ષના મોવડીમંડળને માટે રેડ સિગ્નલ

ભાજપમાં અસંતોષ- લોકસભા ચૂંટણીમાં કરન્ટ લાવી દીધો

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 27 March, 2024 | 10:14 AM
◙ સેન્સથી શરૂ થયેલા અસંતોષમાં ઉમેદવાર પસંદગીમાં વધારો કર્યો: વડોદરા-સાબરકાંઠાએ ‘માર્ગ’ દેખાડયો: પોરબંદર-સુરેન્દ્રનગર- રાજકોટમાં પણ જયાં ધુમાડો ત્યાં આગની સ્થિતિ
સાંજ સમાચાર

◙ મતક્ષેત્રમાં કોઈ ‘સંપર્ક’ નહી ધરાવતા ઉમેદવારોથી સ્થાનિક કક્ષાએ ઉમળકો નથી: નેતાઓએ પરાણે ફરવું પડે છે: બે બેઠકો પર ઉમેદવાર બદલાતા અન્ય બેઠકોમાં પણ માંગણી માટે ‘તક’ આપી: રૂપાલાના નિવેદનથી અનેક બેઠકો પર અસર થશે

◙ વલસાડમાં ધવલ પટેલ સામેના અસંતોષ ડામવા આગેવાનોને સુરત બોલાવતા પાટીલ: પોરબંદર પંથકમાં ઓચિંતા જ માંડવીયા માટે ‘બહારી’ ના પોષ્ટર લાગ્યા: હજુ પત્રિકાની તૈયારી હોવાનો દાવો

◙ સુરેન્દ્રનગરમાં શિહોરાની પસંદગી સામે તળપદા કોળી સમુદાયનો વિરોધ: નાના તિખારા એ પક્ષની દબાયેલી સ્પ્રિંગ ઉછળવા લાગી

રાજકોટ: ગુજરાતમાં લગભગ એકતરફી જઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પછી શરૂ થયેલા અસંતોષ એ હવે પાંચથી છ બેઠકો સુધી પહોંચી જતા આગામી દિવસમાં ભાજપ મોવડીમંડળને ડેમેજ કંટ્રોલ માટે વધુ સક્રીય રહેવું પડશે તે નિશ્ચિત છે. વડોદરા અને સાબરકાંઠામાં જે રીતે પક્ષને આંતરિક વિરોધથી ઉમેદવારો બદલવા પડયા પછી નવા ઉમેદવારો સામે પણ વિરોધ શરૂ થયો છે.

વડોદરામાં ભાજપ મોવડીમંડળે રંજનબેન ભટ્ટની સામે વિરોધ વ્યાપક છે તે નિશ્ચિત થતા જ તેઓને તથા સાબરકાંઠાએ ભીખાજી ઠાકોરને ડામોર કે ઠાકોર તે વિવાદ નડી જશે તે પણ ટયુબલાઈટ થતા જ બન્ને બેઠકોના ઉમેદવાર બદલવામાં પણ નવા વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ બનાવી છે.

વડોદરામાં ભાજપે રંજનબેન ભટ્ટને સોશ્યલ મીડીયા પર તેઓ ચુંટણી લડવા માંગતા નથી તેવું પોષ્ટ કરવાની ફરજ પાડી હતી તે નિશ્ચિત થયું છે. આ પોષ્ટ પણ તેમને તથા ભીખાજી ઠાકોરને એક જ સરખા શબ્દો સાથે પોષ્ટ કરવા જણાવ્યું તે દર્શાવે છે કે, ભાજપ મોવડીમંડળે અગાઉ સેન્સ સમયે જે આંતરિક રિપોર્ટ મેળવવો જોઈતો હતો તે મેળવ્યો ન હતો.

હવે રંજનબેન ભટ્ટને બદલવામાં પણ કાચું કપાઈ ગયું છે. પક્ષના અનેક સીનીયરને એક બાજુ મુકીને શિક્ષણ સમીતીના ચેરમેનના હોદા પર ડો. હેમાંગ જોષીને પસંદ કરાયા તેની સામે હવે સાવલીયા લાંબા સમયથી અસંતુષ્ઠ રહેલા ધારાસભ્ય કિરીટ ઈનામદારના ગ્રુપે વિરોધ કર્યો છે. હવે તે શોધી કઢાયું છે કે ડો. હેમાંગ વસાવડા મૂળ તો પોરબંદરના છે.

વડોદરા જીલ્લામાં પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં છે અને વાઘોડીયાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે અને ત્યાં અગાઉ પક્ષમાં ચોતરફ વિખવાદની જ અપક્ષ તરીકે લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી હતી. હવે પક્ષે તેમને ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ આપી છે અને બે વિધાનસભા મતક્ષેત્ર વાઘોડીયા-સાવલીયા અસંતોષ છે.

સાબરકાંઠા: ભીખાજીને બદલવામાં ‘ઉતાવળ’ થઈ! નવો ચહેરો આપ્યો તો પણ કોંગ્રેસનો...
સાબરકાંઠામાં જયારે ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવવાની જાહેરાત થઈ તો તેમની સામે ભાગ્યે જ કોઈ વિરોધ હતો. સહકારી ક્ષેત્ર સામે જોડાયેલા અને એક સરળ વ્યક્તિ તરીકે ભીખાજીની છબી હતી અને તેથી ભાજપને પણ યોગ્ય વ્યક્તિની પસંદગીનો સંતોષ હતો પણ એક જ દિવસમાં ભીખાજી ક્ષત્રિય ઠાકોર કે આદીવાસી તે પ્રશ્ન ઉભો કરાયો.

મૂળ ડામોર સરનેમ ધરાવતા ભીખાજીએ પોતાને ઠાકોર તરીકે ઓળખાવતા એફીડેવીડ કરી હતી તે વાયરલ થઈ અને વડોદરામાં હજુ પક્ષમાં અસંતોષ હતો તેમાં બનાસકાંઠાના વિરોધથી પક્ષે ઉમેદવાર બદલીને મુળ કોંગ્રેસી પુર્વ ધારાસભ્યના પત્ની શોભનાબેન બારૈયાને ટિકીટ આપી જે ભાજપના પ્રાથમીક સભ્ય પણ ન હતા.

શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા રાજીનામું આપી દીધું અને ઉમેદવાર બની ગયા તેનાથી સાબરકાંઠા ભાજપના આગેવાનો પણ ડઘાઈ ગયા અને સેન્સમાં જેનું ‘નામ’ ન હતું તેને પક્ષના મોવડીમંડળે ઉમેદવાર બનાવી દીધા તો બીજી તરફ વિશાળ ટેકેદાર ધરાવતા ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેના ટેકેદારો ઉમટી પડયા હતા.

ભાજપે બે-ત્રણ વખત ભીખાજી પાસે સ્પષ્ટતા કરાવવી પડી કે તેઓ કોંગ્રેસમાં જવાના નથી કે અપક્ષ ચુંટણી લડવાના નથી. તેઓ ભાજપમાં જ છે પણ એક પણ વખત હજું શોભનાબેન બારૈયાને સ્વીકારવા અપીલ કરી નથી તે સૂચક છે.

વલસાડમા ધવલ પટેલને હજું સ્વીકારાયા નથી
વલસાડમાં પણ ભાજપે ‘આયાતી’ ધવલ પટેલ જેને આ ક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી તેને પક્ષે વલસાડમાં ઉમેદવાર બનાવતા પત્રિકા સહિતની વિરોધ ચાલુ જ છે. પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે વલસાડ ભાજપના આગેવાનોને તાત્કાલિક સુરત બોલાવ્યા અને તેઓને આ અસંતોષ ડામી દેવા જણાવ્યું પણ સૂત્રો કહે છે કે વિરોધ કાર્યકર્તા કક્ષાએ છે તેને ડામવામાં મુશ્કેલી પડે છે અને બે ઉમેદવાર બદલ્યા પછી સૌને એક હથિયાર મળી ગયુ છે.

સૌરાષ્ટ્રમાં વિરોધ વધ્યો
સૌરાષ્ટ્રમાં ભાજપને અમરેલી-જુનાગઢ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ઉમેદવાર પસંદ કરવામાં લાંબો વ્યાયામ કરવો પડયો અને તેને જે રીતે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને યથાવત રાખીને બાકીની બે બેઠકોના ઉમેદવાર પસંદ કર્યા તેમાં હવે સુરેન્દ્રનગરમાં હવે તળપદા કોળી સમાજે વિરોધનો ઝંડો ફરકાવ્યો છે. ભાજપે સૌરાષ્ટ્રની બે બેઠકો પર તળપદા કોળી સમુદાયને ટિકીટ અપાઈ છે.

જેમાં ભાવનગર અને જૂનાગઢનાં સમાવેશ થાય છે જયારે હવે સુરેન્દ્રનગરમાં ચુવાળીયા કોળી સમુદાયના ચંદુભાઈ શિહોરાને ટિકીટ અપાઈ છે. આ ચુવાળીયા સમુદાયની વસતિ વધુ છે પણ છતા તળપદા કાળી સમુદાયમાં તેનો વિરોધ કર્યો છે પણ અહી ક્ષત્રિય ફેકટર વધુ મહત્વનું બની જશે જે રૂપાલાના વિધાનો સામે વિરોધ કરે છે.

પોરબંદરમાં માંડવીયા બહારી!
ભાજપ બે કેન્દ્રીય મંત્રીઓને કડવા-લેઉવા સમીકરણોમાં ફીટ કરવા રાજકોટની પુરૂષોતમ રૂપાલા અને પોરબંદરથી મનસુખ માંડવીયાને ટિકીટ આપી છે અને બન્ને આ મતક્ષેત્રના નથી. પણ બન્ને સંસદીય બેઠક ભાજપના ગઢ છે તેથી પક્ષે ગણતરીપૂર્વકનું જોખમ લીધુ છે પણ હવે સ્થાનિક સ્તરે લેઉવા પટેલ સમુદાયમાં માંડવીયાને બહારી-આયાતી ગણાવી ડેમેજ કરવા પ્રયાસ થયા છે. ગઈકાલે પોષ્ટર લાગ્યા હતા અને હવે પત્રિકાઓ પણ બહાર પડશે તેવો દાવો છે. લલિત વસોયા જો કે ધોરાજી મતક્ષેત્રમાં કેટલા સ્વીકાર્ય છે તે પણ પ્રશ્ન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj