ઉમેદવારો જાહેર થયાના દિવસો પછી પણ ભાજપમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે વિરોધ વધવા લાગ્યો

ભાજપમાં ડેમેજ ક્ધટ્રોલ માટે પાટીલના બે દિવસના કાર્યક્રમ રદ: હર્ષ સંઘવીને હિંમતનગર દોડાવાયા

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 29 March, 2024 | 04:55 PM
સાબરકાંઠામાં બુથ ઇન્ચાર્જ સહિતના સંમેલનો પાછા ઠેલાયા: ગૃહ રાજ્યમંત્રી અસંતુષ્ઠોને સાંભળશે જો કે સાબરકાંઠામાં મુળ કોંગ્રેસી ઉમેદવાર સામે વિરોધ વધુ તીવ્ર
સાંજ સમાચાર

♦ પાટણમાં પણ ભરતસિંહ ડાભીના કમીશન નિવેદન મુદ્ે નવો વિવાદ છેડાયો: પાટીદારો પણ મેદાનમાં: 2015ના કેસો હજુ પાછા ખેંચાયા નથી: બદલો લેવાનો સમય: કોંગ્રેસના ચંદનજી ઠાકોરના મત આપવાનો વીડીયો વાયરલ

♦ ગેનીબેનને હરાવવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીને ખેડવ્યા: ધાનાણીએ કટાક્ષ કરતા કહ્યું ભાજપના અડધો ડઝન ઉમેદવાર કોંગ્રેસી: કાર્યકર્તાઓને ફકત કમળગાન ગાવાનું અને ખુરશીઓ ઉપાડવાનું બચ્યું છે

 

રાજકોટ, તા.29
 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી માટે ભાજપમાં સર્જાયેલા વિવાદ અને રાજકોટમાં પક્ષના ઉમેદવાર પુરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમુદાયએ જે રીતે મોરચો માંડ્યો છે તેમાં હવે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમના અન્ય તમામ કાર્યક્રમો રદ કરીને ગાંધીનગરમાં બેસીને એક બાદ એક બેઠક માટે ડેમેજ ક્ધટ્રોલની તૈયારી કરી છે. શ્રી પાટીલ આજે સાબરકાંઠા જિલ્લામાં બુથ સ્તર સહિતની બેઠકો માટે પહોંચવાના હતા અને બે દિવસનો તેમનો કાર્યક્રમ હતો.

પરંતુ જે રીતે સાબરકાંઠામાં હવે ભાજપના બદલાયેલા ઉમેદવાર શોભનાબેન બારૈયા સામે રોષ સમતો નથી તેથી પાટીલે આ બુથ સ્તરની તમામ બેઠકો રદ કરી હોવાનું માનવામાં આવે છે અને તેમના બદલે ડેમેજ ક્ધટ્રોલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હિંમતનગર દોડાવ્યા છે. શ્રી સંઘવી અહીં પહોંચતા જ પહેલા જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે પક્ષના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી અને બાદમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહેલા કેટલાક અગ્રણીઓને મળશે. અહીં ભાજપે અગાઉ જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને સ્થાને શોભનાબેનને ઉમેદવાર બનાવતા તેનો વિરોધ થયો હતો. શોભનાબેન મુળ કોંગ્રેસના છે અને પક્ષના કાર્યકર્તા પણ ન હતા તેમ છતાં તેમને રાતોરાત ટીકીટ આપી દેવાય છે. હવે મામલો થાળે પડ્યા બાદ પાટીલ તા.4ના રોજ સાબરકાંઠાની મુલાકાત લેશે તેવા સંકેત છે.

પાટણમાં હવે અસંતોષ બહાર આવ્યો
ભાજપે પાટણની બેઠક ઉપર ભરતસિંહ ડાભીને ફરી ટીકીટ આપી છે અને તેની સામે પાટીદાર સમાજે મોરચો ખોલ્યો છે પાટણમાં પાટીદાર સમાજનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં અગ્રણી સતીષ પટેલ એ અનામત આંદોલન સમયે જે રીતે પાટીદારો સામે કેસ થયા હતા તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે તેવું જણાવ્યું હતું. 2015માં અમારા પર અત્યાચાર થયા હતા હવે પાટણમાં ચંદનજી ઠાકોરને મત આપવા માટે અમે સમજાવશું અને એક-એક પાટીદાર 200-200 મતની ગેરંટી લેશે.

ભરતસિંહના ગ્રાન્ટ નિવેદનથી ભાજપમાં ખફા

પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પોતે ક્યારેય સાંસદ તરીકેની ગ્રાંટમાંથી એક રુપિયો પણ લીધો અને અને ટકાવારી માંગી નથી તેવું નિવેદન કરતાં કોંગ્રેસે તેમાં વળતો પ્રહાર કર્યો છે અને ગુજરાત ભાજપના બાકીના સાંસદો કેટલી ટકાવારી લે છે તે જાહેર કરવા ભરતસિંહ ડાભીએ જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અને ઠાકોર સમાજના અગ્રણી ચંદનજી ઠાકોરને પાડોશની સાબરકાંઠાની બેઠકના વિવાદમાં પણ ફાયદો થશે તેવું મનાય છે. આ વિસ્તારમાં રહેતા ઠાકોર સમુદાયએ ભરતસિંહ નહીં પણ ચંદનજી ઠાકોરને મત આપવા જણાવ્યું હતું.

ગેનીબેનને હરાવવા ભાજપ ઉંધા માથે
બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જે રીતે પ્રચારમાં જબરો આવકાર મેળવી રહ્યા છે અને ભાજપે શિક્ષીત એવા ચૌધરી સમાજના ડો. રેખાબેન ચૌધરીને ટીકીટ આપી છે પરંતુ તેઓ બહારના ગણાય છે અને ભાજપે હવે ગેનીબેનના ટેકેદારોને ખેડવવા માટે ખાસ મીશન છેડ્યું છે. જેમાં પ્રદેશ મહામંત્રી ડી.ડી. રાજપૂતે પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. 2017માં તેઓ થરાદ બેઠક પરથી હાર્યા હતા. રાજપૂત સમાજમાં તેઓ વર્ચસ્વ ધરાવે છે અને તેથી ગેલીબેન માટે મુશ્કેલી વધશે તેવા સંકેત છે.

હવે દબાયેલો અસંતોષ બહાર આવી રહ્યો છે: તુષાર ચૌધરીનો ચોગ્ગો
લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, વડોદરા, અમરેલી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતની બેઠકોમાં જે રીતે ભાજપમાં વિરોધ થયો છે તેના ઉપર કટાક્ષ કરતાં સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કહ્યું કે વર્ષો સુધી ભાજપમાં કાર્યકર્તાઓનો અવાજ દબાવી રખાયો તે હવે બહાર આવી રહ્યો છે. આંતરીક વિખવાદ શાંત પડવાનું નામ લેતું નથી તે દર્શાવે છે કે ભાજપમાં જબરો જુથવાદ.
પરેશ ધાનાણીએ ભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડતા મુળ કોંગ્રેસીઓને શોધી કાઢ્યા
પોતે ચૂંટણી લડતા નથી પરંતુ ભાજપ સામે આક્રમણ વલણ અપનાવનાર વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી સોશ્યલ મીડીયા પર એક્ટીવ છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે ભાજપમાં અડધો ડઝન તો કોંગ્રેસીઓ ચૂંટણી લડી રહ્યા છે.

સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાના પતિ મહેન્દ્રભાઇ કોંગ્રેસના જ ધારાસભ્ય હતા અને ચૂંટણી હારી જતાં ભાજપમાં ગયા છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરા એક સમયે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હતા તો સાંસદ પ્રભુ વસાવા 2012માં કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અને 2014 પક્ષ પલ્ટો કર્યો, ખેડામાં દેવશી ચૌહાણ પણ મુળ તો કોંગ્રેસી છે, પાટણમાં ભરતભાઇ ડાભી પણ એક સમયે કોંગ્રેસમાં હતા, કચ્છમાં વિનોદ ચાવડા પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. આમ અડધા થી વધુ ઉમેદવારો કોંગ્રેસના જ છે જેથી ભાજપમાં ફકત કાર્યકર્તાઓ છે જેણે ખુરશીઓ જ ઉપાડવાની છે.

ગુજરાતમાં ભાજપ (એસ)ની સ્થાપના
ભાજપમાં જે રીતે ભરતી મેળા ચાલી રહ્યા છે તેણે ગઇકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વ્યાજબી ઠેરવવા પ્રયત્ન કર્યા પરંતુ વડોદરામાં ભાજપના પાયાના કાર્યકર્તાઓ નારાજ છે અને તેથી જ અહીં પક્ષના નેતા અરવિંદભાઇ સીધાએ અલગ ભાજપની રચના કરી છે. તેમણે પોતાના પક્ષનું નામ ભારતીય જનતા પક્ષ (શ્યામા પ્રસાદ મુખરજી) રાખ્યું છે. અને કહ્યું છે કે મુળ ભાજપ અને આરએસએસના લોકોને જ આ પક્ષમાં સ્થાન અપાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj