જસદણમાં વર્ષો જુનો બ્રીજ ખખડી ગયો: ટુંક સમયમાં બંધ કરવા જાહેરનામું

Local | Jasdan | 23 March, 2024 | 11:21 AM
લાતીપ્લોટ પુલના ટેસ્ટીંગમાં પુલ નબળો હોવાનો રિપોર્ટ આવતા હવે તંત્ર દ્વારા અવરજવર પર પ્રતિબંધ મુકવાની તજવીજ શરૂ
સાંજ સમાચાર

(નરેશ ચોહલીયા જસદણ) જસદણ,તા.23
 

જસદણમાં દાયકાઓ પહેલા બનાવેલો લાતીપ્લોટનો પુલ(કાળીયા બ્રીજ) અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હોવાનું નગરપાલિકા તંત્રને ધ્યાને આવતા તેમના દ્વારા તાત્કાલિક તે પુલનું ટેસ્ટીંગ કરાવવામાં આવ્યું છે. જેમાં આ પુલ નબળો પડી ગયો હોવાનો રીપોર્ટ આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ પુલ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ જાહેર જનતાની અવરજવરથી દુર્ઘટના થવાની સંભાવના હોવાનું વિચારી આ પુલને બંધ કરવા માટે થોડા જ દિવસોમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. 

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીએ આ બ્રીજનો સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ આપ્યો કે બ્રીજ ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના પુલની જાળવણી અને નિરિક્ષણ માટેની સુચનાઓ અન્વયે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવા મળેલ સુચનાને ધ્યાને લઈ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ) ગોંડલને જસદણ નગરપાલિકા વિસ્તારના તમામ બ્રીજોના નિરીક્ષણ બાબતે તેમજ કોઈ બ્રીજ જર્જરિત હાલતમાં હોય તો તે બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું.

જેના પગલે જવાબદાર તંત્ર દ્વારા તમામ બ્રીજો કે જે જસદણ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેની મરામત અને નિભાવણી જસદણ નગરપાલિકાને કરવાની રહે છે તેમ જણાવેલ. જેને ધ્યાને લેતા જસદણ નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(SVNIT) સુરત પાસે નગરપાલિકા વિસ્તારમાં આવેલ બ્રીજની તાંત્રિક ચકાસણી માટે મંગાવેલ કવોટેશનને ઠરાવથી મંજુર કરી સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીને આ કામનો વર્કઓર્ડર આપતા તેમના દ્વારા જસદણ નગરપાલિકા વિસ્તારના બ્રીજોના સ્ટ્રકચર સ્ટેબીલીટી બાબતના રીપોર્ટ રજુ કરવામાં આવેલ. જે રીપોર્ટ મુજબ તેમના દ્વારા ડો.આંબેડકરના સ્ટેચ્યુથી લાતીપ્લોટ વિસ્તારને જોડતા બ્રીજ(કાળીયા બ્રીજ) ઉપર રીપેર-રીટોફીટીંગ પછી પણ આ પુલની ઉપર જાહેર જનતાના સંચય માટે કોઈપણ પ્રકારની લારીઓ અથવા અન્ય માધ્યમો રાખવા માટે સખત પ્રતિબંધનો અમલ કરવો જરૂરી હોવાનું જણાવેલ છે.

જેને ધ્યાને લઈ જસદણ નગરપાલિકા દ્વારા ઠરાવથી લેવાયેલ નિર્ણય મુજબ આ પુલ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ જાહેર જનતાની અવરજવરથી દુર્ઘટના થવાની સંભાવના હોય. જેથી બ્રીજનું રીપેરીંગ-નવીનીકરણ ન થાય ત્યાં સુધી અથવા તો નગરપાલિકા દ્વારા જયાં સુધી ઉકત બ્રીજ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ પુલ ઉપરથી તમામ પ્રકારના વાહનો કે રાહદારીઓની અવરજવર સતત બંધ રાખવા માટે તથા વૈકલ્પિક વ્યવસ્થા માટે નીચે દર્શાવ્યા મુજબના રસ્તાનો ઉપયોગ કરવા માટે જસદણના નાયક કલેકટરને જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરવામાં આવેલ છે. જો કે આ અંગે જસદણ પોલીસ મથકના પીઆઈને પણ જાહેરનામાંના પત્રની નકલ મોકલવામાં આવી છે. જેથી આ પુલ કોઈ મોટી દુર્ઘટના સર્જે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પૂર્વે જવાબદાર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આ પુલ પરથી વાહનવ્યવહાર અટકાવી તેને બંધ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ રીતે વાહનચાલકો માટે વાહન પસાર કરવાનું જાહેરનામું ટૂંક સમયમાં જ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવશે તેમ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ દ્વારા જણાવવામાં આવ્યું છે.
 

ટ્રાફીક ડાયવર્ટ
 

જસદણમાં જુના બસસ્ટેન્ડથી લાતીપ્લોટ પુલ(કાળીયા બ્રીજ) પરથી ગોખલાણા રોડ તરફ જતો રૂટ જુના બસસ્ટેન્ડથી કમરીબાઈ પુલ ઉપરથી પસાર થઈ પુલની જમણી બાજુ શરમાળીયાદાદાના મંદીર સામેના રસ્તા ઉપરથી નગરપાલિકાના ગઢડીયા રોડ પરના પાણીના સંપ પાસેથી નીકળી સન ટોકીઝ પાસેથી લાતી પ્લોટ વિસ્તારમાંથી ગોખલાણા રોડ તરફ જશે. જ્યારે ગોખલાણા રોડ તરફથી આવતા વાહનો માટે લાતીપ્લોટ પુલ(કાળીયા બ્રીજ) પરથી જુના બસસ્ટેન્ડ તરફનો રૂટ ગોખલાણા રોડ પરથી આવતા વાહનો લાતીપ્લોટ પુલ(કાળીયા બ્રીજ) ના પુર્વ બાજુના ખુણેથી સન ટોકીઝ પાસેથી નગરપાલિકાના ગઢડીયા રોડ પરના પાણીના સંપ પાસેથી નીકળી કમરીબાઈ પુલ તરફ જતા રસ્તેથી પસાર થશે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj