ગિફટ સીટીમાં ફ્રાન્સના સહયોગથી શૈક્ષણિક સંકુલ શરૂ કરાશે

ફ્રાન્સના એમ્બેસેડર ડો. થિયરી માથૌએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

Gujarat | Ahmedabad | 03 July, 2024 | 09:30 AM
આગામી ઓલમ્પિક્સના આયોજન અંતર્ગત બેઠકમાં ચર્ચા વિચારણા થઇ
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.3
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર ડો. થિયરી માથૌએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીએ ફ્રાન્સ અને ભારતના ઉષ્માપૂર્ણ સંબંધોનો આ બેઠકમાં ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમિત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

તેમણે ફ્રાન્સની ઓલિમ્પિક્સ ગેઇમ્સના આયોજનમાં જે મહારથ છે તેનો લાભ આગામી 2036માં ઓલમ્પિક્સના ગુજરાતમાં થનારા આયોજનમાં પણ મળે તે માટે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઓલિમ્પિક્સ ગેઇમ્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓમાં ફ્રાન્સના જ્ઞાન કૌશલ્યનો સહયોગ લેવા ગુજરાત ઈચ્છે છે. ઓલિમ્પિક્સ ગેઇમ્સ પૂર્ણ થયા બાદ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળા માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે તે અંગે પણ ફ્રાન્સની એક્સપર્ટીઝનો વિનિયોગ કરવામાં તેમણે રસ દાખવ્યો હતો.

ફ્રાન્સના રાજદૂતએ ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને સ્પોર્ટ્સ સેક્ટરમાં સંબંધો વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે વાઇબ્રન્ટ સમિટ-2024માં ફ્રાન્સના ડેલીગેશનની ઉપસ્થિતિનો ઉલ્લેખ કરતા એમ પણ જણાવ્યું કે, આ સમિટમાં બે ફ્રેન્ચ ઉદ્યોગજૂથોએ રોકાણ માટેની જાહેરાત કરી છે.

ફ્રાન્સના રાજદૂતએ અમદાવાદમાં IIM, NIDની પણ મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગિફ્ટ સિટીમાં શૈક્ષણિક સંકુલ શરૂ કરવા જણાવ્યું હતું. ફ્રાન્સના રાજદૂતએ આ બધા ક્ષેત્રો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ જેવા સેક્ટરમાં પણ ગુજરાત સાથે સહભાગીદારી અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે ફ્રાન્સને જમીનની ઉપલબ્ધિ, પસંદગી અને ફાળવણી સુધી રાજ્ય સરકારના સપોર્ટની ખાતરી આપી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, OSD એ.બી.પંચાલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના વી.સી. અને એમ.ડી. રાજકુમાર બેનીવાલ, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. ગૌરાંગ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj