રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 3602 બેલેટ યુનિટ, 3489 વીવીપેટ અને 2976 સીયુ.ફાળવાશે

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 29 March, 2024 | 05:26 PM
રાજયમાં 11 લાખથી વધુ નવા મતદારો પ્રથમવાર કરશે મતદાન: 29 હજારથી વધુ પોલીંગ બુથોમાં 87 હજારથી વધુ બેલેટ યુનિટ અને 71 હજારથી કંટ્રોલ યુનિટથી થશે મતદાન: 1982માં સૌપ્રથમ કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ઊટખ નો ઉપયોગ કરાયો હતો
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માઈક્રોપ્લાનીંગ સાથે ચૂંટણી પંચ દ્વારા આગળ ધપાવવામાં આવી છે તેની સાથોસાથ મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરી મતદાન જાગૃતિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 3602 બેલેટ યુનિટ, 3489 વીવીપેટ અને 2976 સીયુની ફાળવણી કરવામાં આવનાર છે..

અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 23.34 લાખ મતદારો સહિત રાજયમાં ચાર કરોડથી વધુ મતદારો નોંધાયા છે.રાજયમાં 11 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે.જે સૌપ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે નોંધનીય છે કે વર્ષ 1952માં ચૂંટણી કમિશનર સુકુમાર સેનની અધ્યક્ષતામાં સૌપ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે મતદાન માટે મતપેટી અને બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

દેશમાં સંસદીય સામાન્ય ચૂંટણી, રાજ્ય વિધાનસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સહિતની ચૂંટણીઓનું આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. સમયાંતરે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં મતદાન માટે મુક્ત સરળ, પારદર્શી અને ઓછી ખર્ચાળ ટેકનોલોજી તરીકે "ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન "નો ઉપયોગ કરવામાં આવે છે. 

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનિ વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાં ચાર કરોડથી વધુ મતદારો છે, જેમાં 11 લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત ઈ.વી.એમ.નો અનુભવ મેળવશે અને ગુજરાતમાં 29,000થી વધુ પોલિંગ સ્ટેશનમાં 87 હજારથી વધુ બેલેટ યુનિટ અને 71 હજારથી વધુ કંટ્રોલ યુનિટથી મતદાન કરવામાં આવશે. રાજકોટમાં બેલેટ યુનિટની સંખ્યા 3602, સી.યુ. 2976 અને વી.વી.પેટની સંખ્યા 3489 છે. વિધાનસભા દીઠ બી.યુ. 10, સી.યુ. 10 અને વી.વી.પેટ 10 તાલીમ અને નિદર્શન માટે ફાળવવામાં આવે છે.

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈ.વી.એમ.)ની વિગતવાર વાત કરીએ તો આ મશીનનો ઉપયોગ મત રેકોર્ડ કરવા અને કાગળનો વપરાશ ઘટાડવા માટે કરવામાં આવે છે. ભારતમાં બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડઅને હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ઈ.વી.એમ. બનાવવાનું કામ કરે છે. કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વોટર વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેલ (વી.વી.પેટ) ત્રણ એકમો સાથે ઈ.વી.એમ. સંકળાયેલા હોય છે. વી.વી.પેટ સાથે પ્રિન્ટર ડિવાઈસ અને સ્ટેટ્સ ડિસ્પ્લે યુનિટનો સમાવેશ થાય છે. 

સ્ટેટ્સ ડિસ્પ્લે યુનિટ અને બેલેટ યુનિટ વી.વી.પેટ સાથે અને વી.વી.પેટને કંટ્રોલ યુનિટ સાથે કેબલના માધ્યમથી જોડવામાં આવે છે. સ્ટેટ્સ ડિસ્પ્લે યુનિટ અને કંટ્રોલ યુનિટ પ્રિસાઈડીંગ ઓફિસર અથવા પોલિંગ ઓફિસર પાસે મૂકવામાં આવે છે. બેલેટ યુનિટ અને પ્રિન્ટર ડિવાઈસ વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે. 

આ પ્રક્રિયા બાદ મતદાર બેલેટ યુનિટમાં હાજર ઉમેદવારના ચૂંટણી ચિન્હની સામે વાદળી બટન દબાવીને મતદાન કરે છે. બેલેટ યુનિટમાં નોટા સહીત 16 ઉમેદવારોના ચૂંટણી ચિન્હોનો સમાવેશ થઇ શકે છે. આમ, ચાર બેલેટ યુનિટથી કુલ 64 ઉમેદવારોના ચિન્હોનો સમાવેશ કરી શકાય છે. 

ઈ.વી.એમ. સામાન્ય બેટરી પર ચાલે છે, જેને વીજળીની જરૂર પડતી નથી. જયારે ઈ.વી.એમ.કામ કરવાનું બંધ કરી દે ત્યારે નવા ઈ.વી.એમ. સાથે બદલવામાં આવે ત્યાં સુધી કંટ્રોલ યુનિટની મેમરીમાં મત સુરક્ષિત રહે છે. જ્યાં સુધી ડેટા ડિલીટ અથવા ક્લિયર ન થાય ત્યાં સુધી કંટ્રોલ યુનિટ પરિણામને તેની મેમરીમાં સ્ટોર કરી શકે છે. 

આ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1982માં કેરળ વિધાનસભા ચૂંટણી માટે કરાયો હતો. આ ઇ.વી.એમ.ના સ્ક્રીન પર દેખાતા પોતાની પસંદગીના ઉમેદવારના ચૂંટણી ચિહ્નની સામેનું વાદળી બટન દબાવીને મતદાર પોતાનો મત આપી શકે છે.       

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતવિસ્તાર માટે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈ.વી.એમ. જમા કરવામાં આવે છે. જે દરેક સ્ટ્રોંગ રૂમની જવાબદારી રિટર્નિંગ ઓફિસરને સોંપવામાં આવે છે, જે મતગણતરી શરૂ કરતા પહેલા ઉમેદવાર અથવા તેના પ્રતિનિધિની હાજરીમાં ઈ.વી.એમ.નું સીલ ખોલે છે. જે હોલમાં મત ગણતરી થાય છે ત્યાં ઉમેદવારો તેમના કાઉન્ટિંગ એજન્ટો અને ચૂંટણી એજન્ટો સાથે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હોલમાં હાજર રહે છે.

મત ગણતરી થયા બાદ તમામ ડેટા કંટ્રોલ યુનિટ મેમરી સિસ્ટમમાં સેવ થાય છે. આ ડેટા ડિલીટ ન થાય ત્યાં સુધી કંટ્રોલ યુનિટમાં સાચવવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ આ સ્થિતિમાં ચોક્કસ એકમાત્ર અને અનન્ય વિકલ્પ કહી શકાય.

12 આવશ્યક સેવા કર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા: કલેકટર કચેરીમાં બેઠક મળી
ઇજગક રેલ્વે, આરોગ્ય, મીડીયા સહિતની આવશ્યક સેવાના કર્મચારીઓનો સમાવેશ

 

રાજકોટ,તા.29
લોકશાહીને મજબૂત કરવા માટે દેશનો દરેક નાગરિક લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે હેતુ સૌ પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં વીજળી, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરેલા મીડિયા કર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સહિતની 12 સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.

જે અન્વયે  રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે 12 આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવા અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછારે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં નોંધાયેલા અને મતદાનના દિવસે તેમની આવશ્યક ફરજોને કારણે મતદાન મથકમાં હાજર રહી શકશે નહિ તેવા જ મતદારોને આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાપાત્ર ગણાશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પાત્રતા ધરાવતા મતદાતાઓએ ફોર્મ - 12(ડી) ભરીને નિયુક્ત નોડલ અધિકારી દ્વારા પ્રમાણિત કરાવવાના રહેશે.

વધુમાં જિલ્લાના પોસ્ટલ બેલેટના નોડલ ઓફિસર માંડોતે જણાવ્યું હતું કે, આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટના મતદાન માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર તરીકે યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવશે. ફોર્મ - 12(ડી)માં ઉલ્લેખ કરેલા મોબાઈલ નંબર ઉપર પોસ્ટલ વોટિંગ સેન્ટરનું સંપૂર્ણ સરનામું મતદાનની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે તેમજ અન્ય કિસ્સામાં પોસ્ટ અથવા બી.એલ.ઓ. દ્વારા પણ આ અંગેની જાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની મંજૂરી આપવામાં આવેલા મતદારો નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર પર જ મતદાન કરી શકશે, તેઓ અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં. આ માટે તેમને અલગથી કોઇ રજા મળવાપાત્ર નથી. 

આ બેઠકમાં ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવ, એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી.કલોતરા, મામલતદાર મહેશ દવે સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj