અમદાવાદ :
દુકાનો અને કોમ્પ્લેક્ષોમાં ચાલતી પ્રી-પ્રાઇમરી સ્કૂલો પર સંકજો કસવાની અંદાજે બે વર્ષ પહેલાં કરાયેલી જાહેરાત અન્વયે ગત તા.24 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રજિસ્ટ્રેશન માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લાગુ કરાયેલા નિયમોમાં સૌથી મહત્વની બાબત રજિસ્ટર્ડ ભાડા કરારની મૂકવામાં આવી છે. રજિસ્ટર્ડ ભાડા કરાર માગતાં રાજ્યના શેરી, મહોલ્લા અને સોસાયટીઓમાં ચાલતી હજારો પ્રિ-સ્કૂલોને તાળા વાગે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે. રજિસ્ટર્ડ ભાડા કરાર માગતા પ્રક્રિયા શરૂ થયાના એક મહિના કરતાં વધુ સમય બાદ પણ નોંધ લઈ શકાય એટલી અરજીઓ આવી હોય તેવુ જણાતું નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલી અરજીઓ આવી એ અંગે રાજ્યકક્ષાએ પૂછતા રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંભાળતાં અધિકારીઓ જણાવે છે કે, આ નોંધણી પ્રક્રિયા જિલ્લા પ્રમાણે હોવાથી કુલ સંખ્યા અમને ખબર પડતી નથી.
ગુજરાતની સ્કૂલોમાં ધોરણ.1માં પ્રવેશ માટેની વય મર્યાદા 6 વર્ષની અને બાળ વાટિકાઓને સ્કૂલ સાથે જોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અન્વયે ધોરણ.1માં પ્રવેશની વયમર્યાદા 6 વર્ષની તો કરી દેવામાં આવી પરંતું પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની નોંધણી માટેની પ્રક્રિયા ગોકળ ગાયની ગતિએ ચાલતી હતી.
ચાલુ શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ પહેલા જ નોંધણી શરૂ કરવાના બણગા ફૂંકવામાં આવ્યાં હતા, પરંતુ વર્ષ પૂર્ણ થવા આવ્યું ત્યારે ગત ફેબ્રુઆરી માસમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા નોંધણીને લઈ નિયમો જાહેર કરવામાં આવ્યાં છે.
આ નિયમોમાં વર્ગ દીઠ રૂ.5 હજાર ફી, રજિસ્ટર્ડ ભાડા કરાર સહિતના વિવિધ પુરાવાઓ માગવામાં આવ્યાં છે. રજિસ્ટ્રેશન શરૂ થાય એ પહેલા જ નિયમોને લઈ ત્રણેય શાળા સંચાલક મંડળ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને એકપણ સ્કૂલે અરજી ન કરવી તેવી જાહેરાત કરાઈ હતી.
આ અંગે બોર્ડ સભ્ય પ્રિયવદન કોરાટે જણાવ્યુ હતુ કે, સોસાયટી, મહોલ્લામાં ચાલતી પ્રિ-પ્રાયમરી સ્કૂલો રજિસ્ટર્ડ ભાડા કરાર રજૂ કરી જ નહીં શકે. જેથી હજારો પ્રિ સ્કૂલોને તાળા વાગી જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy