► અમીત શાહ, મનસુખ માંડવીયા, પ્રહલાદ જોશી સહિત 10 કેન્દ્રીય મંત્રીઓ તથા ચાર મુખ્યમંત્રી સહિત 1331 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ થશે
► નરેન્દ્ર મોદી, મલ્લિકાર્જુન ખડગે, ડીમ્પલ યાદવ, દિલ્હીના એલજી વી.કે. સકસેના, આનંદીબેન પટેલ વગેરેએ મતદાન કર્યું
► પશ્ચિમ બંગાળમાં હિંસક છમકલા વચ્ચે એકંદરે મતદાન શાંતિપૂર્ણ
નવી દિલ્હી, તા.7
ગુજરાત સહિત દેશના 11 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો પર ત્રીજા તબકકાનું ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. 10 કેન્દ્રીય પ્રધાનો, ચાર પૂર્વ મુખ્ય પ્રધાનો સહિત 1331 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળ ગોવામાં સૌથી વધુ જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ મતદાન હોવાના સંકેત છે. મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે સર્વત્ર જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
લોકસભાની ચૂંટણી કુલ સાત તબકકામાં નિર્ધારવામાં આવી છે તેમાંથી આજે ત્રીજા તબકકામાં 93 બેઠકો પર મતદાન યોજવામાં આવી રહ્યું છે. કુલ 1331 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. સૌથી વધુ 25 બેઠકો ગુજરાતની છે.
ગુજરાતમાં આજે એક જ તબકકામાં તમામ બેઠકોને આવરી લેવામાં આવી છે. રાજ્યમાં કુલ 26 લોકસભા બેઠકો છે પરંતુ સુરત અગાઉ જ બીન હરિફ થઇ હોવાથી આજે 25 સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ સિવાય કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, મધ્ય પ્રદેશની 9, પશ્ચિમ બંગાળની ચાર, આસામની ચાર, બિહારની પાંચ, છતીસગઢની સાત, દીવ-દમણ તથા દાદરાનગર હવેલીની બે તથા ઉત્તર પ્રદેશની 10 બેઠકોનો સમાવેશ થાય છે.
ત્રીજા તબકકાની ચૂંટણીમાં સામેલ જુદા-જુદા રાજ્યોમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અંદાજીત સુરેરાશ 45 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. હીટવેવની સ્થિતિ વચ્ચે સવારે મતદારોની લાઇનો લાગી હતી પરંતુ બપોરથી આકરો તાપ વરસવા લાગતા જ મતદાન ધીમુ પડી ગયું હોવાના સંકેત હતા.
બપોરે એક વાગ્યાની સ્થિતિએ મહારાષ્ટ્રની 11 બેઠકોમાં સરેરાશ માત્ર 31.55 ટકા મતદાન રહ્યું હતું. આ સિવાય બિહારમાં 36.69, ગુજરાતમાં 37.83 ટકા, ઉત્તર પ્રદેશમાં 38.12 ટકા, કર્ણાટકમાં 41.59 ટકા, મધ્યપ્રદેશમાં 44.67 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, આસામમાં 45.88 ટકા મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 49.27 ટકા તથા ગોવામાં 49.04 ટકા હતું.
ત્રીજા તબકકાના આજના મતદાનમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાનો, પૂર્વ મુખ્યપ્રધાનો સહિતના દિગ્ગજ નેતાઓના રાજકીય ભાવિ ઘડાશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ, પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા, પ્રહલાદ જોષી, શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂલે, અજીત પવારના પત્ની સુનેત્ર પવાર, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બોન્મઇ, અખીલેશ યાદવના પત્ની ડીમ્પલ યાદવ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણી જંગમાં છે અને તેઓનું રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમીત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, આનંદીબેન પટેલ, દિલ્હીના એલજી વી.કે. સક્સેના, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, અખીલેશ યાદવ વગેરેએ મતદાન કર્યું હતું.
ત્રીજા તબકકાની ચૂંટણી શાંતિપૂર્ણ રહે તે માટે તમામ મતક્ષેત્રોમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો છતાં પશ્ચિમ બંગાળમાં અમુક સ્થળોએ હિંસક છમકલા થયા હતા. મૂર્શિદાબાદ મત ક્ષેત્રમાં તૃણમુલ કોંગ્રેસ તથા
માર્કસવાદી ઉમેદવાર વચ્ચે ટપાટપી વચ્ચે ‘ગો બેક’ના નારા લગાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક ભાજપના ઉમેદવાર તથા તૃણમુલ કોંગ્રેસના નેતા વચ્ચે ઝપાઝપી થઇ હતી. હાલત વધુ ન બગડે તે માટે વધારાના સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવ્યા હતાં.
દેશભરના મતદાન કેન્દ્રોમાં આકરી ગરમી હીટવેવ સામે મતદારોને રક્ષણ મળે તે હેતૂસરના વિવિધ પગલા પણ લેવામાં આવ્યા હતાં.
બપોરે 3 વાગ્યે
ક્યાં રાજ્યમાં કેટલું મતદાન
► આસામ 63.08 ટકા
► ગુજરાત 47.03 ટકા
► બિહાર 46.69 ટકા
► ઉત્તર પ્રદેશ 46.78 ટકા
► છત્તીસગઢ 58.19 ટકા
► ગોવા 61.39 ટકા
► બંગાળ 63.11 ટકા
► કર્ણાટક 54.20 ટકા
► મહારાષ્ટ્ર 42.63 ટકા
► મધ્ય પ્રદેશ 54.09 ટકા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy