પાલીતાણા : સિધ્ધગિરિ છ ગાઉની યાત્રામાં ઇતિહાસ રચાયો : શ્રધ્ધાનો સમુંદર ઘુઘવાયો

Dharmik | Rajkot | 23 March, 2024 | 12:33 PM
વીક એન્ડ ત્રણ દિવસની રજાઓ, પરીક્ષાની પુર્ણાહુતિ થતા છ ગાઉની યાત્રામાં એક લાખથી વધુ લોકો ઉમટયા : ભાવનગર-પ્રાર્થના યુવક મંડળના મનીષભાઇ શાહે છ ગાઉના ઇન્ચાર્જ તરીકેની કામગીરી સુપેરે નિભાવી : આ.ક.પેઢી દ્વારા સુંદર વ્યવસ્થા : જય આદિનાથનો નાદ ગુંજયો : પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત : આદપર ગામે 90 પાલ ઉભા કરાયા : યાત્રિકોની પાલ ભકિત કરાઇ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
જિનશાસનમાં શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો મહિમા અપરંપાર બતાવવામાં આવ્યો છે. જયાં કાંકરે કાંકરે અનંત આત્મા સિધ્ધપદને પામ્યા છે. તેવા સિધ્ધગિરિની સ્પર્શના પણ આત્મકલ્યાણ માટે અદભુત માનવામાં આવી છે. આજે ફાગણ સુદ-13ના (ઢેબરા તેરસ)ના શ્રીકૃષ્ણ મહારાજાના પુત્ર શામ્બ તથા પ્રદ્યુમ્ન સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ શાશ્વત તીર્થ પર ‘ભાડવા’ના પર્વતથી મોક્ષે પધાર્યા હતા. આ મહિમાવંત ભાવધારાને વંદના સાથે હજારો ભાવિકો શ્રધ્ધા અને ભકિતપૂર્વક શ્રી સિધ્ધગિરિની છ ગાઉની યાત્રા કરીને પુણ્યનું ભાથુ બાંધે છે. 

આજે ફાગણ સુદ-13ના પાલીતાણા ખાતે સિધ્ધગિરિની છ ગાઉની યાત્રામાં 1 લાખથી વધારે જૈન-જૈનેતરો ઉમટી પડયા હતા. આ વખતે ત્રણ દિવસની રજાઓના કારણે, પરીક્ષા પુરી થઇ હોવાથી યાત્રિકોનો ધસારો દર વર્ષ કરતાં આ વર્ષે વધુ જોવા મળ્યો.

આણંદજી કલ્યાણજી પેઢી મહિનાઓથી છ ગાઉની યાત્રા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. ડુંગર ચઢવાના પગથિયાને સફેદ રંગથી રંગવામાં આવ્યા હતા. જેથી યાત્રિકોને ઉનાળાની ગરમીમાં રાહત થાય એટલું જ નહિ. ભાવનગરના પ્રાર્થના  યુવક મંડળના મનીષભાઇ શાહ કે જેઓ આણંદજી કલ્યાણજી પેઢીના હોદેદાર છે. તેઓએ કોઇપણ યાત્રિકોને તકલીફ ન પહોંચે તે માટે 1ર00 સ્વયંસેવકોની ટુકડી તળેટી, ડુંગર તથા પાલના સ્થાનો પર કાર્યરત કરી હતી.

આ વખતે રાજકોટ, અમદાવાદ, સુરત, હૈદ્રાબાદ, ચેન્નઇ, વડોદરા સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી તથા વિદેશથી  પણ લોકો છ ગાઉની યાત્રા માટે આવી પહોંચ્યા હતા. ડુંગર પર ચંદન તલાવડી ખાતે યાત્રિકોએ જાપ અને વંદના કરીને ધન્યતા અનુભવી હતી. શામ્બ અને પ્રદ્યુમનની સ્મૃતિ રૂપ વૃક્ષ છે ત્યાં યાત્રિકો ભાવવંદના કરી હતી. સર્વત્ર જય આદિનાથનો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો હતો.

આજના દિવસે મુળનાયક ભગવાન આદિનાથ દાદાની ભવ્યાતિભવ્ય આંગી રચવામાં આવી હતી. વહેલી સવારથી યાત્રિકોએ છ ગાઉની યાત્રા શરૂ કરી દીધી હતી. રામપોળનો દરવાજો સવારે પાંચ વાગે ખોલી નાંખવામાં આવ્યો હતો. મુંબઇથી ખાસ સ્વયંસેવકો સેવા માટે આવેલા હતા. છેલ્લા 84 વર્ષથી છ ગાઉની યાત્રા યોજાતી રહી છે.

સિધ્ધગિરિની છ ગાઉની યાત્રા માટે ગામોગામથી સ્પેશ્યલ બસો તથા સુરત-મુંબઇથી સ્પેશ્યલ ટ્રેનોમાં યાત્રિકો આવી પહોંચ્યા હતા.  સિધ્ધગિરિ છ ગાઉની યાત્રા પૂર્ણ કરીને આદપર ગામે આવતા યાત્રિકોનું સંઘ પૂજન તથા નવકારશી કરાવવામાં આવી હતી. આ વખતે 90 પાલ વિવિધ ગામોના સ્ંઘો તથા સંસ્થાઓ દ્વારા રચવામાં આવ્યા હતા.

પોલીસ બંદોબસ્ત
પાલીતાણાના સિધ્ધગિરિની છ ગાઉની યાત્રામાં પોલીસ બંદોબસ્ત સજજડ રહ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારી હર્ષદભાઇ પટેલ, ડીવાયએસપી મિહિર બારાઇ, પીઆઇ એ.એ.રાઠોડના માર્ગદર્શનમાં પોલીસ બંદોબસ્તની શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવાઇ હતી. 

આ પ્રસંગે મોટાભાગની ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગયેલ. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ ભાવનગર જિલ્લાઓમાંથી યાત્રિકો મોટી સંખ્યામાં આવ્યા હતા. યાત્રિકોની સુવિધા માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પાણી, સિક્યુરિટી, મેડિકલ તેમજ પાલની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.
જે લોકો યાત્રા કરવા ગયેલા નહીં તેવો સીધા વાહનો દ્વારા આદપુર ખાતે આવી પહોંચેલા હતા. આદપુર પાલીતાણા થી આઠ કિ.મી દૂર છે.

આદપુર ખાતે 90 પાલ ઊભા કરવામાં આવેલ. જેમાં દહી, ઢેબરા, છાશ, ફ્રુટ, ગુંદી, સેવ, સાકરનું પાણી, ઉકાળો, સૂકો મેવો, ચા જેવી વિવિધ વસ્તુઓ યાત્રિકોને પીરસવામાં આવેલ હતી. 

યાત્રિકો છ ગાઉની યાત્રા પૂર્ણ કરી આદપુર ખાતે આવેલ જ્યાં દરેક યાત્રીકોનું સંઘ દ્વારા પગ ધોઈ ચાંદલો કરી સંઘ પૂજન કરવામાં આવેલ હતું. પોલીસ તંત્ર દ્વારા જડબેસ લાખ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રિકોની સેવા માટે પ્રાર્થના યુવક મંડળ સહીત જુદા જુદા જૈન સંઘોના સ્વયંસેવો કોઈ સરાહનીય કામગીરી કરેલ. છ ગાઉની મહાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સુપેરે સંપન્ન થયેલ. 

છ ગાઉની કઠિન યાત્રા
શેત્રુંજય તીર્થની ભારે કઠિન ગણાતી છ ગાઉની યાત્રા નો ભારે મહિમા છે. તેમાં 105 મોટા દેરાસરો છે તેમજ 3364 પગથિયાં છે તેમજ 2707 જિનબિંબો બિરાજમાન છે. 3507 નાના મોટા જૈન મંદિરો છે અને 2000 ફુટ ગીરીરાજની ઊંચાઈ છે તેમજ સાડા સાત માઈલ નો ધેરાવો છે. ગિરીરાજ ઉપર ચડવાનો માર્ગ બે માઈલ અને છે ફલાંગ છે તેમ વસંત સોનીએ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj