જામ્યુકોના સિટી ઇજનેરની ઓફિસમાં ઘુસી કોર્પોરેટર પતિએ ખંડણી માંગી

Crime | Jamnagar | 28 March, 2024 | 12:43 PM
♦ વોર્ડ નં.1ના કોંગી કોર્પોરેટર સમજુબેન પારીયાના પતિ અને પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયાએ ફરી પોત પ્રકાશ્યું: અગાઉ પણ અધિકારીઓને ધમકાવ્યાની ઉઠી હતી રાવ: સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને રૂા એક લાખ આપવા પડશે તેમ કહી ઇમ્પેકટની ફાઇલ મંજૂર કરવા કાઠલો પકડી જાનથી મારી નાખવાની આપી ધમકી
સાંજ સમાચાર

♦ વકિલ હારૂન પલેજા સામે એટ્રોસિટીની ફરિયાદ કરી બાદમાં તેની હત્યા થઇ તેવા હાલ કરવાની પણ ધમકી આપતા ચકચાર: કોંગી આગેવાનની લુખ્ખાગીરીના કિસ્સાથી રાજકીય વાતાવરણ ગરમાવાની શકયતા: સિટી ઇજનેરની ફરિયાદને આધારે દિપુ પારીયા સામે હુમલા, સરકારી ફરજમાં રૂકાવટ અને હત્યાની ધમકીનો નોંધ્યો ગુનો

જામનગર તા.28
જામનગરમાં કોર્પોરેટર પતિએ જામ્યુકોના સીટી એન્જીનીયર પાસે ખંડણી માંગી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા મનપાની લોબીમાં ખળભળાટ મચી ગયો છે. ફાયલ ક્લિયરિંગ બાબતે ધમકી આપી હોવાની રાવ ઉઠી છે. ’હું પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે. તેવી દાટી મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ચકચારી પ્રકરણની સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર મહાનગરપાલીકામાં સીટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ નટવરલાલ જાની (ઉ.વ.50 ધંધો નોકરી રહે. પટેલ કોલોની, શેરી નં-10, રોડ-3, શ્યામકૃટીર ટેનામેન્ટ, બ્લોક નં-28) પોતાના ફરજના ભાગરૂપે મનપા કચેરીએ હતા. આ દરમિયાન તેજશી ઉર્ફે દિપુ પારીયા પોતે ભાવેશભાઈની ચેમ્બરમાં ઘસી આવ્યા હતા. આ વેળાએ ચેમ્બરમાં જઇ વોર્ડ નં-7 ની ઇમ્પેકટ ફી ની ફાઇલ કલીરીંગ કરી આપવાની ધાક-ધમકી આપી હતી. 

એટલું જ નહીં બેફામ બનીને દિપુ પારીયાએ કહ્યું હતું કે હુ પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર તરીકે સેવા આપે છે. જો તમારે જામનગર મહાનગરપાલીકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને રૂપિયા આપવા પડશે. અને નાની મોટી રકમ નહિ પરંતુ એક લાખનો હપ્તો (ખંડણી) આપવો પડશે. તેવી ખુલ્લેઆમ ધમકી મારી હતી.

હદ તો ત્યારે થઈ ગઈ કે તેઓએ ઉશ્કેરાયેલા સ્વભાવે ભવેશ જાનીનો શર્ટનો કાઠલો પકડીને એવું પણ કહી દીધું હતું કે જેમ સિનિયર વકીલ હારૂન પલેજાનું ખુન થયેલ છે તેમ તમારૂ પણ ખુન કરાવી નાખવાની અને ખોટા એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવાની ધાક-ધમકીઓ આપી હતી. વધુમાં બેફામ ગાળો બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશીશ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. જેને લઈને સમગ્ર મામલે હાલ જામનગરમાં હડકંપ મચી ગયો છે.

હાલ પોલીસે ભાવેશ જાનીની ફરિયાદને આધારે તેજસી ઉર્ફે દિપુભાઇ વાલજીભાઇ પારીયા (રહે.શાંતિ હાર્મની બિલ્ડીંગ પાછળ, જામનગર) સામે કલમ 387, 332, 504, 506(2)  હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે પાંચ-છ માસ પહેલાં આ જ દિપુ પારિયાએ વકીલ હારૂન પલેજા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં હાઇકોર્ટમાં સોગંદનામા મારફત આ ફરિયાદ કોસીંગની (પરત ખેંચવાની) કામગીરી કરાઇ હતી. સિટી ઇજનેરને અપાયેલી ધમકીમાં પલેજાની હત્યા કરાવાયાનો ઉલ્લેખ આરોપીએ કર્યો છે ત્યારે કુખ્યાત સાઇચા ગેંગ સાથે તેને શું સંબંધ છે? હારૂન પલેજાની હત્યા કેસમાં તેને શું રસ છે?

તેની તપાસ પણ પોલીસે કરવાની જરૂર છે. શું દિપુ પારિયાની કોઇ સાઇચા ગેંગ સાથે સાંઠગાંઠ છે કે પછી સાઇચા ગેંગનું નામ લઇને સીન નાખવાનો ઇરાદો હતો? તે મામલે શહેરભરમાં અનેકવિધ ચર્ચા જાગી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj