મિલ્કત અગાઉ કોઇને વેચેલી છે? કોઇ બોજો ચાલુ છે?

મિલ્કત દસ્તાવેજોમાં વધુ એક સુધારો : વીડીયો ચેકલીસ્ટમાં બે મુદ્દા ઉમેરાયા

Local | Rajkot | 28 March, 2024 | 04:22 PM
♦ મિલ્કત વેચાણ કરનાર-કુલમુખત્યારના વીડીયો રેકોર્ડિંગમાં હવે 8ને બદલે 10 પ્રશ્ર્નો કરાશે
સાંજ સમાચાર

♦ મિલ્કત વ્યવહારોમાં છેતરપીંડી રોકવાનો ઉદ્દેશ: એકથી વધુ વખત વેચાણના કિસ્સા ધ્યાને આવતા નિયમમાં સુધારો

રાજકોટ, તા.28
જમીન-મકાન સહિતની સ્થાવર મિલ્કતોના વ્યવહારોમાં થતાં કૌભાંડ તથા ગોટાળા રોકવા રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા વખતો વખત સુધારાત્મક પગલા લેવામાં આવે જ છે અને આવા એક વધુ નિર્ણય અંતર્ગત મિલ્કત વેચનારાના કરાતા વીડીયો રેકોર્ડિંગના ચેકલીસ્ટમાં વધુ બે મુદ્દા-પ્રશ્નોનો ઉમેરો કરવામાં આવ્યો છે. વેચેલી મિલ્કત અગાઉ વેચવામાં કે અન્ય કરાર કરાયો છે કે કેમ તથા તેના પર કોઇ બોજો છે કે કેમ તેવા બે મુદ્ા ઉમેરાયા છે.

રાજ્યની નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સપ્ટેમ્બરથી કચેરી દ્વારા તમામ સબ રજીસ્ટ્રાર તથા સંબંધિત અધિકારીઓને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે તેમાં એમ કહેવામાં આવ્યો છે કે મિલ્કત વ્યવહારોમાં લોકો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે ખેતીની મિલ્કત તથા બીનખેતીની સ્થાવર મિલ્કતના તબદીલીના તથા તબદીલીને અસરકર્તા તમામ લેખોની નોંધણી લખી આપનાર પત્રકાર તથા તેઓની ઓળખાણ આપનારના વીડીયો રેકોર્ડીંગની પધ્ધતિ અમલમાં છે.

છતાં રાજ્ય સરકારના ધ્યાને એવા કિસ્સા આવ્યા છે કે સ્થાવર મિલ્કતના માલીકો તથા કુલમુખત્યારો એક કરતાં વધુ વખત મિલ્કત વેચી નાખે છે અને આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે.

સ્થાવર મિલ્કતોના એકથી વધુ વખત વેચાણના કૌભાંડ  તથા છેતરપીંડી રોકવા માટે હવે વેચાણ આપનાર પાસે અગાઉ કોઇ અન્યને આ મિલ્કતનો કોઇપણ પ્રકારનો કરાર, વેચાણ, બક્ષીસ કરી આપેલ છે કે કેમ? તથા મિલ્કત પર બોજો ચાલુ છે કે કેમ? તેવા બે પ્રશ્નો વીડીયો રેકોર્ડિંગના ચેકલીસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે.

નોંધણી અધિનિયમ 1908ની કલમ 34ની પેટા કલમ 3 મુજબ ચેકલીસ્ટમાં આ સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે દસ્તાવેજ લખી આપનાર, સંપત્તિ આપનાર કે તેના કુલમુખત્યારને માટે 8ને બદલે 10 પ્રશ્નોનું ચેકલીસ્ટ હશે અને તેનુ વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે, આ જ રીતે ઓળખાણ આપનારને ત્રણ પ્રશ્નો પૂછવાના રહે છે. આ નિયમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા પરિપત્ર જારી કરીને સુધારાયેલા આ નિયમનો અમલ 1લી એપ્રિલથી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ચારેક વર્ષથી અભૂતપૂર્વ ધમધમાટ પ્રવર્તી રહ્યો છે.

ખાસ કરીને મહાનગરો તથા તેને લાગૂ-આસપાસના વિસ્તારોમાં જોરદાર વિકાસ સાથે કિંમતોમાં મોટો વધારો થવાની સાથોસાથ જમીન મિલ્કત કૌભાંડો પણ વધી રહ્યા છે તે અટકાવવાના હેતૂસર સહકાર દ્વારા વધુ એક વખત નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj